Get The App

વાસંતી, તું અહીં જ રહેજે .

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
વાસંતી, તું અહીં જ રહેજે                                           . 1 - image

- જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, પણ અહીં રવિ-કવિએ એ થઇને કવિતા લલકારી...

- આપણે ત્યાં ફાગણ અને મહા એટલે વસંત ઋતુ...

- જળપરીઓ, બહાર આવો... મારે તમારી સાથે રમવું છે!

- હરીશ નાયક

અન્નની દેવી ભારે કામગરી. ઘડીનોય આરામ ન મળે. પૃથ્વી પરના તમામ લોકોની જવાબદારી તેની ઉપર.

તે પોતાનો રથ લઇને નીકળતી હતી. તેના રથના આગળના ભાગમાં બિયારણ અને પાછળના ભાગમાં પાણી. ધરતી ઉપરથી દેવીને રથ દોડે જાય ! આગળથી બિયારણ પડે, પાછળથી પાણી પડે. એ ક્રમ ચાલુ જ રહે.

અન્નની દેવી જ્યાંથી પસાર થઇ જાય ત્યાં લીલીછમ હરિયાળી ઝૂમી ઉઠે. મોટા મોટા લાંબા લાંબા અનાજના ડૂંડલે ડૂંડલા તેના ગીત ગાઈ રહે.

પણ અન્નની દેવીનું કામ ભારે વિકટ. તે ઘરેથી નીકળી એટલે નીકળી. પછી ક્યારે ફરશે એ કહેવાય જ નહિ.

આજે જ્યારે તે પોતાની ફરજ પર જવા લાગી ત્યારે 'મા...! મા...!' કતી તેની દીકરી તેની પાછળ દોડી.

'મા...!' વાસંતી કહેવા લાગી, 'તું કદી મને લઇ જતી નથી. મારે દુનિયા જોવી છે. મને સાથે લઇ જા.'

મા કહે : 'બેટી ! મારું કામ અઘરું છે. તું થાકી જઈશ, કંટાળી જઈશ. તું મારા જેવડી મોટી થઇશ ત્યારે જરૂર તને લઇ જઇશ.'

'મોટી તો છું,' વાસંતીએ કહ્યું, 'હજી વળી કેટલા મોટા થવાનું ?'

'હવે બહુ વાર નથી,' અન્નદેવીએ કહ્યું, 'બેટા વસંત! હવે થોડા જ વખતમાં હું તને સાથે લઇ જઈશ. પછી મારું આ કામ પણ તું જ કરજે. જા, અત્યારે જળપરીઓ સાથે રમ ! અને જો બીજે ક્યાંય જઇશ નહિ.'

મા ગઈ. વાસંતીને એકલું એકલું લાગતું હતું. છેવટે તે કંટાળીને જળકિનારે ગઈ. જળપરીઓને બૂમ પડી તે કહેવા લાગી : 'જળપરીઓ ! બહાર આવો. મારી માતાએ મને તમારી સાથે રમવાનું કહ્યું છે.'

જળપરીઓ ખુશી આનંદમાં પાણીની બહાર આવી. પણ તે બધી ખાલી હાથે આવી ન હતી. અન્ન દેવીની પુત્રી પાસે કંઇ ખાલી હાથે જવાય ? બધાંના હાથમાં શંખલાં, છીપલાં, કોડીઓ, મોતીનાં રમકડાં હતાં, હાર અને હારડાં હતાં.

બધાંએ વસંતને પોતપોતાની ભેટ અર્પણ કરી. તેઓ કહેવા લાગી : 'વસંત ! અમે તો બહાર આવી શકીશું નહિ. ચાલ, તું પાણીમાં આવી જા. આપણે રમીએ.'

વસંત કહે : 'વાહ ! એમને એમ કેવી રીતે આવું ? હું પણ તમને ભેટ આપીશ. અને એવી સરસ ભેટ આપીશ ને કે તમે ખુશ થઇ જશો.'

જળપરીઓને ભેટ આપવા તે ખેતરો તરફ દોડવા લાગી. પૃથ્વી પર તો કેવાં જાતજાતનાં ફૂલો હોય છે ! એ બધાં રંગબેરંગી નાનાં મોટાં ફૂલો મેળવી જળપરીઓ ખુશ થઇ જશે ! તે એક પછી એક ફૂલો તોડી તોડીને ભેગા કરવા લાગી. આ નહિ આ, અરે આ વધારે સારા છે, નહિ આના જેવા તો ફૂલ જ નહિ... અરે ! ફૂલમાં ફૂલ તો આ જ...!

એમ કરતી તે એક ખીણમાં ઊતરતી ગઈ. એક ઝાડીમાં ઘણાં બધાં ફૂલ હતાં. તે તો એ ફૂલો ખેંચવા લાગી.

પણ...આ શું ?

ફૂલોની સાથે આખા છોડ, છોડની સાથે આખી ઝાડી જ બહાર ખેંચાવા લાગી.

તેની માતાએ અગાઉ તેને ચેતવણી આપી હતી કે, 'બેટા ! આ ઝાડીમાં જઈશ નહિ, આ ફૂલો તોડીશ નહિ !'

પણ જળપરીઓ સાથે રમવાના ઉત્સાહમાં તે એ વાત ભૂલી ગઈ. ફૂલો સાથે જ ઝાડી બહાર આવી ગઈ. જાણે કે ધરતીકંપ થયો. નીચેથી ઉપરનો માર્ગ જ ખૂલી ગયો.

અને એ જ માર્ગે એક રથ બહાર આવ્યો. રથને કોઈક રાજવી જેવો માનવી હાંકતો હતો. એ રાજવી કંઇ બહુ રૂપાળો ન હતો ! તેણે બહાર આવતાંની સાથે જ કહ્યું : 'આવ વાસંતી ! હું તને લેવા આવ્યો છું. હું પાતાળદેવ છું. મારી દુનિયા સાવ સૂની છે. તું આવશે તો મારી દુનિયામાં આનંદ આનંદ ફેલાઈ જશે.'

વાસંતી ડરી ગઈ. તે ના-ના કહીને ભાગવા લાગી. પણ પાતાળદેવે તેને ભાગવા દીધી નહિ. પકડી પાડી. રથમાં બેસાડી દીધી અને ફરીથી રથ પાતાળની ઊંડી અંધારી દુનિયા તરફ દોડવા લાગ્યો.

વાસંતી બીજું તો કંઇ કરી શકી નહિ. તેણે થોડા ફૂલ જમીન પર મૂકીને કહ્યું : 'ઓ ફૂલ ! તમે તાજા જ રહેજો. મારી માને સંદેશો આપજો.'

પાતાળની દુનિયા બંધ દુનિયા હતી. ઠેર ઠેર ચમક ભારેહતી. હીરા, માણેક, પન્ના, સોના, રૂપા જેવી ધાતુઓનો ઝળહળાટ હતો. કંઇક ચમકતી ખનીજો હતી. પણ બધું કૃત્રિમ બધું બંધ. ન સ્વચ્છ હવા, ન ઉજાસ, ન તાજગી.

ઠંડી વિચિત્ર, ગરમી વળી એથી વિચિત્ર.

રથ એક જગાએ આવીને ઊભો તો પાતાળદેવ કહે : 'જો આ છે મારો સોનમહેલ. આખો સોનાથી બન્યો છે. વસંત ! અમારી પાતાળની દુનિયામાં તને સોનારૂપાની કદી ખોટ નહિ પડે. અમારે ત્યાં દીવાઓની જરૂર જ ઊભી થતી નથી. સોના ચાંદી હીરા માણેક પન્નાના ઝળહળાટથી જ અમારી દુનિયામાં પ્રકાશ રહે છે. એટલે અમારે સવાર કે સાંજની જરૂર જ હોતી નથી.'

હા-ઉ હા-ઉ ! એક સાવ ભયાનક કૂતરો ભસવા લાગ્યો. એ કૂતરાને ત્રણ મોઢાં હતાં અને એની પૂંછડી સર્પની હતી.

પાતાળદેવ કહે : 'આ અમારો રક્ષક શ્વાન છે. તે આવ-આવ બોલી શકે છે. તેને જા જા કે આવ-જો બોલતાં આવડતું નથી, કેમ કે આ મહેલમાં આવનાર આવી શકે છે. આવનાર કદી જઈ શક્તું નથી.'

વાસંતી પહેલાં વાતાવરણથી ડરી ગઈ હતી, આ કૂતરાને જોઇને વધુ ડરી ગઈ. લાંબી સફરને લઇને તેને ગળું સુકાતું હતું. નદી પાસે જ હતી. પણ બંધિયાર હોવાથી પાણીમાંથી વિચિત્ર ગંધ આવતી હતી. ઉપરથી પાતાળદેવ કહે : 'પાતાળ નદીનું આ પાણી પીવાથી માનવીની યાદદાસ્ત કાયમને માટે જતી રહે છે. પછી આ સિવાય બીજી કોઈ દુનિયા છે, એવી તેને કલ્પના જ રહેતી નથી !'

ડરેલી વાસંતી વળી વધુ ડરી ગઈ.

પાતાળદેવ કહે : 'આવી મારી દુનિયા છે વાસંતી ! હું જાતે પણ અહીંથી ત્રાસી કંટાળી ગયો છું. પણ હું અહીંથી ક્યાંય જઇ શક્તો નથી. અહીં માત્ર તારી જરૂર હતી. તારા આવવાથી હવે અહીં જરૂર નવું પરિવર્તન આવી જશે. તું અહીં જ રહેજે વાસંતી, તું અહીં જ રહેજે.'

અહીં રહેવાના વિચાર માત્રથી વાસંતી ડરી ગઈ. મોકળું મન આવી કેદમાં કેમ રહે ? પાતાળનું રાજ મળે તો ય શું ? તે તો રડવા લાગી. માને યાદ કરવા લાગી. માનું કહ્યું ન માન્યું એટલે જ આ દશા થઇ !

તેણે ખાવા પીવાનું છોડી દીધું. પાતાળદેવે તેને ઘણી ઘણી વિનંતીઓ કરી પણ વાસંતીએ ન ખાધું, ન પીધું.

દિવસો પસાર થવા લાગ્યા, તે સુકાઈને કાંટા જેવી થાવ લાગી.

પાતાળદેવને થયું કે, જો આમ જ ચાલશે તો વાસંતી જીવતી રહેશે નહિં.

તેણે એક સરસ દાડમ ધર્યું. તેના દાણા જાતે છૂટા પાડયા. એ દાણા વધુ રાતા, વધુ કાળા હતા.

વાસંતી એ દાણા ખાવા તૈયાર જ નહતી. પાતાળદેવનો હાથ વાસંતીના મોઢા સામે હતો. તેમાં દાણા હતા.

ત્યાં જ ભયાનક કૂતરો જોરથી ભસ્યો.

વાસંતી ડરી ગઈ. ડરના માર્યા તેનું મોઢું ઉઘાડું થઇ ગયું અને બે દાડમના દાણા વાસંતીના મોઢામાં ચાલ્યા ગયાં.

કૂતરો ભસતો રહ્યો. બી ગયેલી વાસંતીને કંઇ ખબર જ ન પડી. એ બંને દાડમના દાણા તેના મોઢાની અંદરથી સીધા પેટમાં જતાં રહ્યા. બસ મહિનાઓ બાદ એણે એટલું જ ખાધું. દાડમના બે દાણા ફરી પાછા ઉપવાસો અને નિ:સાસા શરૂ થઇ ગયા. તે સૂતી પણ નહિ અને આખો દિવસ બોલ્યા કરતી : 'મા...! મા...!મા..!!! મા...!!!!'

પાતાળદેવને લાગ્યું કે આમ તો આ મરી જ જશે. એના મોતનું કલંક પોતાને માથે પડશે. પૃથ્વી પરથી વસંત મીટાવી દેવાનો અપયશ તેને જ માથે આવશે.

તેણે વાસંતીને કહી દીધું : 'તારે જવું હોય તો જા. પણ આ દુનિયા તેં જોઈ છે. અહીં પણ તારી જરૂર છે. ખાસ કરીને મારે તો તારી જરૂર છે જ. તારા વગર હું નહિ રહી શકું, નહિ રહી શકું.'

એ થઇ પાતાળની વાત. આ બાજુ અન્નની દેવી પાછી ફરી. જોયું તો વાસંતી ન મળે. તેને હૈયે ફાળ પડી. તે ચારે બાજુ દોડાદોડ કરીને શોધવા લાગી : 'વાસંતી ! બેટી વસંત ! ક્યાં છે તું ? ક્યાં છે ?'

વાસંતી પૃથ્વી પર હોય તો મળે ને ? છેવટે જળપરીઓએ માહિતી આપી : 'વાસંતી તો અમારે માટે ભેટ લેવા ગઇ હતી. એ ગઇ તે ગઇ...'

જળપરીઓએ દિશા બતાવી. અન્નદેવી એ તરફ દોડી ગયા. ત્યાં બારમાસીના ફૂલો મળ્યા. ગુચ્છાદાર ફૂલો ઝૂકીને ઝૂકીને બતાવવા લાગ્યા, પેલી ઝાડી...પેલી ખાડી...!

અન્નદેવી બૂમો પાડતી જ રહી : વસંત...! બેટી વસંત...!

તેના હાય નિ:સાસાથી પૃથ્વી હચમચી ઉઠી. ઝાડનાં પાંદડાઓ પીળા પડી પડીને ખરી પડયાં. પવન જોરજોરથી સુસવાટા મારવા લાગ્યો. સર્વત્ર વિરાન વિરાન થઇ રહ્યું. પવન અને સૂકાં પાંદડાંના ખડખડાટ જાણે કે માતાના ધૂ્રસકા બની ગયા.

પણ વસંતનો ક્યાંયથી અવાજ આવ્યો નહિ. તેણે કોઇ જવાબ આપ્યો નહિ.

અન્નદેવી દોડતી ભાગતી બધાંને પૂછવા લાગી : 'તમે વસંતને જોઈ ? તમે...? તમે...?'

અંતમાં તેણે સૂર્યને પૂછ્યું : 'તમે વસંતને જોઈ ?'         

બધાં કહે છે કે એ પાતાળમાં ગઇ છે.

સૂરજદેવ કહે 'પાતાળમાં ? ત્યાં કેવી રીતે જઈ શકું.?'