Get The App

વરુણનો જંગલ પ્રવાસ .

Updated: Apr 17th, 2026

GS TEAM

Google News
Google News
વરુણનો જંગલ પ્રવાસ                                         . 1 - image

- પપ્પા હસીને બોલ્યા, 'સિંહ કોઈને જોવા માત્રથી હુમલો કરતો નથી. તે ત્યારે જ શિકાર કરે છે જ્યારે તેને ભૂખ લાગે. અત્યારે તે ભૂખ્યો નહોતો, તેથી તેણે આપણને કંઈ કર્યું નહીં.'

- ડૉ. પ્રજ્ઞાા કેયૂર પુરોહિત  'શિવપ્રિયા'

સાત વર્ષનો વરુણ ખૂબ હોશિયાર અને જિજ્ઞાાસુ છોકરો હતો. વરુણના પપ્પા એક ફોરેસ્ટ ઓફિસર હતા. તેથી વરુણ રોજ તેમની પાસેથી જંગલ અને પ્રાણીઓ વિશે નવી-નવી વાતો સાંભળતો. તેને જંગલ વિશે જાણવાનો ભારે શોખ હતો. એક વખત તેણે પપ્પા સાથે જંગલમાં જવા માટે જીદ કરી. પપ્પાએ ચોખ્ખી ના પાડતાં કહ્યું, 'જંગલમાં જવું કોઈ રમત નથી, ત્યાં જીવજંતુઓ અને જંગલી પ્રાણીઓથી સાવચેત રહેવું પડે, હું તને અત્યારે લઈ જઈ શકું નહીં, જ્યારે તું મોટો થઈશ ત્યારે લઈ જઈશ.'

પપ્પાની ના સાંભળીને વરુણ ઉદાસ થઈ ગયો, પરંતુ તેણે પપ્પાને મનાવવા માટે બીજો ઉપાય વિચાર્યો. વરુણ દરરોજ પપ્પા ઘરે આવતા કે તરત જ જંગલ વિશે એટલા બધા પ્રશ્નો પૂછતો કે પપ્પા જવાબ આપી-આપીને થાકી જતા.

આખરે વરુણની તીવ્ર જિજ્ઞાાસા જોઈને પપ્પાએ તેને જંગલમાં લઈ જવાનું નક્કી કર્યું.ે વરુણ તો ખુશ ખુશ થઈ ગયો. બીજા દિવસે સવારે વહેલો ઊઠીને જંગલમાં જવા માટે એ તૈયાર થઈ ગયો. મમ્મીએ તેને ઘણી સૂચનાઓ આપી અને નાસ્તો પેક કરી પણ આપ્યો.

વરુણ પપ્પા સાથે જીપમાં બેસીને જંગલના રસ્તાઓમાં પહોંચ્યો, તેની ખુશીનો પાર ન હતો. થોડા સમય પછી તેણે જીપમાંથી નીચે ઉતરવાની જીદ કરી. પપ્પા વરુણની તીવ્ર ઈચ્છા જોઈને માની ગયા.  સાવધાનીથી પપ્પાએ જીપ ઊભી રાખી. બન્ને નીચે ઉતર્યા. આજુબાજુનું સુંદર લીલુંછમ વન જોઈને વરુણ મોહિત થઈ ગયો. પરંતુ થોડી જ વારમાં અચાનક ઝાડીઓમાંથી એક મોટો સિંહ બહાર આવ્યો. સિંહને જોઈને વરુણ ખૂબ ગભરાઈ ગયો. તેણે જોરથી પપ્પાનો હાથ પકડી લીધો.

પપ્પાએ વરુણને શાંતિથી કહ્યું,'ડરીશ નહીં, શાંતિથી ઊભો રહેજે.'

સિંહ થોડો સમય તેમને જોઈ રહ્યો, પછી ધીમે ધીમે આગળ વધ્યો અને ફરી જંગલમાં ચાલ્યો ગયો.

વરુણે આશ્ચર્યથી પૂછયું, 'પપ્પા, સિંહે આપણો શિકાર કેમ ન કર્યો?'

પપ્પા હસીને બોલ્યા, 'સિંહ કોઈને જોવા માત્રથી હુમલો કરતો નથી. તે ત્યારે જ શિકાર કરે છે જ્યારે તેને ભૂખ લાગે. અત્યારે તે ભૂખ્યો નહોતો, તેથી તેણે આપણને કંઈ કર્યું નહીં.'

પછી પપ્પાએ સમજાવ્યુંં, 'સિંહ જંગલનું ખૂબ શક્તિશાળી અને ગૌરવશાળી પ્રાણી છે, તેથી જ તેને જંગલનો રાજા કહેવાય છે. સિંહની ગર્જના ઘણી દૂર સુધી સંભળાય છે, તેની ગર્જના સાંભળીને બીજાં ઘણાં પ્રાણીઓ સાવચેત થઈ જાય છે, સિંહ ખૂબ બહાદુર અને બુદ્ધિશાળી પ્રાણી છે, તે બિનજરૂરી રીતે કોઈ પર હુમલો કરતો નથી, જ્યારે તેને ભૂખ લાગે ત્યારે જ શિકાર કરે છે, ઘણી વખત સિંહણ શિકાર કરે છે અને સિંહ-સિંહણ-બચ્ચાં બધા સાથે મળીને ખોરાક ખાય છે.' 

વરુણ હસતાં-હસતાં બોલ્યો, 'જો સિંહ ભૂખ્યો હોત તો આપણો  જ શિકાર થઈ જાત!'

પપ્પાએ વરુણને ઠપકો આપતા કહ્યું, 'એટલે જ તો તને હું જંગલમાં આવવાની ના પાડતો હોય. અહીં પ્રાણીઓનું નક્કી ન હોય, ંક્યાંથી કોણ ચડી આવે, ક્યારે ચડી આવે તે કહી ન શકાય... અને બધાં હિંસક પ્રાણીઓ સિંહ જેટલા સમજદાર નથી હોતા, એટલે જંગલમાં આવીએ ત્યારે ખૂબ સાવચેતી રાખવી પડે.'

વરુણ ધ્યાનથી પપ્પાની વાત સાંભળી રહ્યો હતો. એણે જીપમાંથી નીચે ઊતરવાની જીદ કરવા બદલ માફી માગી. એ પપ્પાની વાત સારી રીતે સમજી ગયો હતો. થોડા સમય પછી પપ્પા અને વરુણ ફરી જીપમાં બેસી ઘરે પાછા ફર્યા.

આ દિવસ પછી વરુણને જંગલના રાજા સિંહ પ્રત્યે ખૂબ જ માન વધી ગયું.  એને પોતાના ફોરેસ્ટ ઓફિસર પપ્પા પર ઘણો ગર્વ થયો. વરુણનો આ જંગલ પ્રવાસ તેના માટે યાદગાર બની ગયો.