Get The App

તફાવત .

Updated: Sep 19th, 2025

GS TEAM

Google News
Google News
તફાવત                                             . 1 - image

- સિંહનું નામ સાંભળતા જ શિયાળને ભરબપોરે ટાઢ ચડી ગઈ.એક તો અમસ્તાય રાજાજી હમણાં ગુસ્સામાં રહે છે  અને...

- દક્ષા રંજન 

એક હતું જંગલ. ગાઢ જંગલ કે જેમાં ધોળે દિવસે પણ જો કોઈ ભુલા પડે તો પછી એને શોધવા અઘરા થઈ પડે.

આ જંગલમાં તમામ પ્રકારના પ્રાણી અને પંખી રહે. સાથે સાથે થોડીઘણી માનવ વસ્તી પણ ખરી. 

જંગલમાં તો જંગલરાજ ચાલે. 

જે તાકતવર હોય એ જલસા કરે. 

પણ, લુચ્ચા શિયાળને તો ક્યારેય તાકાતનો ઉપયોગ કરવો ના પડતો ન હતો. એ તો સિંહની ચાપલૂસી કરીને પોતાનું પેટ પેટ ભરીને ભરીને લેતો હતો. 

પણ, હમણાંથી એને તકલીફ પડી હતી. કેમકે સિંહને પગમાં કાંટો વાગ્યો હતો એટલે એની બોડથી બહાર નિકળી શક્તો નથી એટલે શિયાળને પોતાના માટે ખાવાનું શોધવા નિકળવું પડયું. 

એવામાં એણે જોયું કે એક કાગડો શહેર બાજુથી ઉડતો ઉડતો આવ્યો અને એક વૃક્ષની ડાળી પર બેસી ગયો. 

એની ચાંચમાં એક મોટી પૂરી હતી. કાગડો પણ ભૂખ્યો હતો, એટલે પોતાના બે પગ વચ્ચે પૂરીને રાખીને ખાવાની તૈયારી કરી રહ્યો હતો એ શિયાળ જોઈ ગયું.

એના મોં માંથી લાળ ટપકવા લાગી. 'કાશ આ પૂરી મને મળી જાય.' અચાનક એને યાદ આવ્યું. કાગડો ફુલણજી હતો. એના થોડા વખાણ કરો એટલે એ ફૂલાઈ જતો. 

એણે કાગડાના વખાણ કરવા શરૂ કર્યા, 'વાહ, કાગડા ભાઈ શું તમારો વાન છે! શું તમારી આ અણીદાર ચાંચ છે! અને એ બધા ઉપર છોગું છે તમારો અવાજ! કેટલું મીઠું ગાઓ છો તમે અરે તમારા અવાજ સામે તો પેલો મોરલો અને પેલી કોયલ તો પાણી ભરે પાણી.'

કાગડાને થયું ખરેખર હું આટલું સરસ ગાતો હોઈશ? 

ત્યાં પાછું શિયાળે કહ્યું, 'કાગડાભાઈ, કેટલા દિવસ થયા તમારા કંઠે કોઈ ગીત નથી સાંભળ્યું. આજે એક ગીત સંભળાવીને મને ધન્ય કરી દો.'

બસ, પછી શું? કાગડાએ તો તાન લેવા માટે એક પગ ઉંચો કર્યો અને બે પગ વચ્ચે ભરાવેલી પૂરી પડી ગઈ નીચે. 

અને શિયાળ એ પૂરીને જોતો રહ્યો અને કાગડો શિયાળને! 

હે ભગવાન... કાગડો વિચારવા લાગ્યો: હવે? કેટલી મહેનત પછી મળેલી આ પૂરી મળી હતી. વળી, જેણે પૂરી બનાવી હતી એ બાઈ પણ જાણે કાંતો આળસુ અને કાં તો કંટાળી હોય એમ પૂરી નહીં 'પૂરા' બનાવતી હતી! જો ને કેવડી મોટી પૂરી છે. મારા તો બે-ત્રણ દિવસ આરામથી નીકળી જાત. પણ, હાય રે નસીબ! ખરેખર નાની કાગડી સાચું જ કહેતા હતા કે કોઈ વખાણ કરે તો ફૂલાયા વગર વિચાર કરવો કે ખરેખર એ વખાણ સાચા છે કે ખાલી ખાલી ફોતરા છે? વખાણે ફૂલાવું નહીં ને નિંદાથી કરમાવું નહીં.  આજે હું મારા ખોટા વખાણથી ફૂલાઈ ગયો અને મારું ભાવતું ભોજન ગુમાવી બેઠો!

પણ, કાગડાને એની કાગડીમમ્મીના શબ્દો પણ યાદ આવ્યા: 'બેટા, ગમે તેવી મુસીબત આવે હિંમત હારવી નહીં.' એટલે કાગડાએ શિયાળને કહ્યું, 'મહારાજ સિંહને પગમાં વાગેલા કાંટાને કારણે એ શિકાર કરવા નીકળી શકતા નથી, તેથી એમણે મને આજે એમના ભોજનની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. તો આ પૂરી હું એમના માટે લાવ્યો હતો. પણ હવે મને નથી લાગતું કે હું એમને આ પૂરી પહોંચાડી શકીશ.'

સિંહનું નામ સાંભળતા જ શિયાળને ભરબપોરે ટાઢ ચડી ગઈ. એક તો અમસ્તાય રાજાજી હમણાં ગુસ્સામાં રહે છે એમાં પણ જો એમને ખબર પડશે કે એમનો ખોરાક મેં સેરવી લીધો છે તો તો મારું આવી જ બન્યું!

...અને પૂરી ત્યાં જ મુકીને એ ઊભી પૂંછડીએ ભાગી ગયો. પછી કાગડાએ નિરાંતે પૂરીનો આનંદ માણ્યો.

જોયું મિત્રો? ખોટા વખાણ અને સાચી પ્રશંસાનો તફાવત સમજાવો જરૂરી છે, અને અચાનક પણ આવી ચડેલી મુસીબતથી ગભરાયા વગર એનો હિંમતથી સામનો કરવો જોઈએ.