- રામુ પટેલ ડરણકર
અમદાવાદ મોટું શહેર. એમાં વામિકા નામે એક નાનકડી છોકરી રહે. વામિકાને ઘરમાં સૌ 'વામુ' કહીને બોલાવે. સાંભળીને વામિકા હરખાય. એ હસે ત્યારે એના ગાલે ખંજન પડે. એ જોઇને એની મમ્મીને વામિકા બહુ બહુ વ્હાલી લાગે.
એક દિવસ વામિકાના દાદા વામિકા માટે ઝાંઝર લાવ્યા. ઝાંઝર જોઇને સૌ ખુશ ખુશ થઇ ગયા. દાદીએ તો વામિકાને ઝાંઝર પહેરાવી જ દીધાં.
ઝાંઝર પહેરીને વામિકા કૂદકા મારવા લાગી. ઝાંઝરમાંથી ખનક ખનક રણકાર આવવા લાગ્યો. વામિકા કૂદતી જાય ને ઝાંઝર સામે જોતી જાય. સવારનો તડકો ઝાંઝર પર પડયો. ઝાંઝર તો એવાં ચમકે કે વામિકા તો જોતી જ રહી ગઈ. એને થયું કે દાદા મારા માટે તડકાનાં ઝાંઝર લાવ્યા છે. કૂદકા મારતી જાય ને ગાતી જાય.
'તડકાનાં હું ઝાંઝર પહેરી રૂમઝૂમ રૂમઝૂમ ચાલું
ખનક ખનક કૈં ઝાંઝર બોલે, હું તો મસ્તીમાં મ્હાલું...'
વામિકાને તડકો બહુ બહુ વ્હાલો લાગે. એવો વ્હાલો લાગે કે એ તો તડકા સાથે વાતો કરવા લાગે. એ તો તડકાને કહે કે, 'તારે મારી સાથે રમવું છે?' તડકો પણ બહુ જબરો. 'હોવ્વે' કહે અને કાલુ કાલુ બોલી વામિકાને હસાવે. પછી તો હસતાં હસતાં વામિકા ગાવા લાગે -
તડકો મારો દોસ્ત બનીને મારી પાસે આવે.
હળવે રહીને કાનમાં પૂછે - 'મારી સાથે ફાવ્વે?'
વામિકા નિર્દોષ અને નમણી લાગતી તેનો સ્વભાવ પણ સરળ હતો. એટલે એના દોસ્ત થવાનું સૌને ગમે. પશુ-પંખી પણ એના દોસ્ત બનવા તૈયાર.
મમ્મી અને ખાવાનું આપે ત્યારે એ ધીમે ધીમે ખાય. એને ખાતાં જુએ કે તરત ચકલી, પોપટ, બિલાડીનું બચ્ચું, કુરકુરિયું સૌ આવીને ગોઠવાઈ જાય. વામિકા બધાંને થોડું, થોડું ખવડાવે. સૌ ગેલમાં આવીને વામિકાની સાથે કૂદાકૂદ કરવા લાગે.
એક દિવસ વામિકા ઉદાસ થઇને બેઠી હતી. વામિકા કોઇને કશું કહેતી નહોતી. સૂનમૂન થઇને તડકામાં બેઠી હતી. એના સૌ દોસ્તો ધીમે ધીમે એકઠા થયા. વામિકાને ઉદાસ જોઇને ચિંતામાં પડી ગયા. થયું એવું હતું કે વામિકા ઘરના બગીચામાં રમતી હતી ત્યાં ક્યાંક એનું એક પગનું ઝાંઝરિયું ખોવાઇ ગયું હતું. તેથી એ ઉદાસ થઇ ગઇ હતી.
વામિકાએ આ વાત સૌને કહી કે તરત સૌ કામે લાગી ગયાં. ચકલી ચીં ચીં કરતી આખા બગીચામાં ઉડવા લાગી. ઘડીક જમીન પર કૂદકા મારતી જાય ને ઝાંઝરિયું શોધતી જાય. પોપટ પણ સીતારામ બોલતો બોલતો ઝાંઝરિયું શોધવા લાગ્યો.
બિલાડીનું નાનકડું બચ્ચું પણ સૌને જોઇને 'મ્યાઉં... મ્યાઉં' કરતું જાય ને ઝાંઝરિયું શોધતું જાય.
એટલામાં તો બગીચાના એક ખૂણેથી નાનકડું કુરકુરિયું કૂદકા મારતું મારતું આવે. એણે મોઢાથી ઝાંઝરિયાને બરાબર પકડેલું. વળી, ઝાંઝરિયા પર તડકો પડે એટલે ઝાંઝરિયું ચમક ચમક થાય. બધાનું ધ્યાન એ તરફ ગયું. ત્યાં તો ચકલી, પોપટ, બિલાડીનું બચ્ચું સૌ નાચવા લાગ્યાં. ઝાંઝરિયું જોઇને સૌના આનંદનો પાર ન રહ્યો.
સૌ દોસ્તોએ સાથે મળીને વામિકાને ઝાંઝરિયું પહેરાવી દીધું. ઝાંઝરિયું પહેરીને વામિકા એટલી ખુશ ખુશ થઇ ગઈ. સૌ દોસ્તોની સાથે નાચવા લાગી ને ગાવા લાગી-
'તડકાનાં હું ઝાંઝર પહેરી, રૂમઝૂમ રૂમઝૂમ ચાલું,
મુઠ્ઠીમાં પકડું તો છટકે, કેમ કરી હું ઝાલું?'
એટલામાં વામિકાના મમ્મી ઘરમાંથી મીઠાઈ લઇને આવી પહોંચ્યા. વામિકાએ સૌની સાથે ઉજાણી કરીને સૌ દોસ્તોને રાજી રાજી કરી દીધા.


