Get The App

વેકેશનનો ઉપયોગ .

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
વેકેશનનો ઉપયોગ                                                  . 1 - image

-  'સૌથી પહેલાં તો હું એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ના ક્લાસ જોઈન કરીશ, એઆઇ શીખીશ. અભ્યાસની સાથે તેનો કેવી રીતે ઉપયોગ થાય તે જાણીશ. આ ઉપરાંત હું દર રવિવારે...' 

- અર્જુનસિંહ કે. રાઉલજી 

શ નિવારનો દિવસ હતો. બીજા દિવસે રજા હોવાથી, છોકરાંઓને સવારમાં વહેલું ઉઠવાનું ના હોય, એટલે તેમની મમ્મીઓ તેમને દાદાજી સાથે સુવાની છૂટ આપે. ત્રણે છોકરાંવ હેતુ, પ્રીશુ અને પ્રનીલ રાતે મોડા સુધી દાદાજીની આજુબાજુ ગોઠવાઈ જાય અને વાર્તાઓ સાંભળ્યા કરે.  તેમને ગમે તેટલી વાર્તાઓ સાંભળે તો પણ સંતોષ જ ના થાય. મોડા સુધી વાર્તાઓ સાંભળે પછી દાદાજી સાથે જ ઊંઘી જાય. સવારમાં મોડા ઉઠે તો પણ ચાલે.  આ કાયમનો ક્રમ થઇ ગયો હતો. દર શનિવારે ત્રણે ભાઈબહેન દાદાજી પાસે જ આવી જાય. આ વખતે પણ શનિવારે હેતુ,  પ્રીશુઅને પ્રનીલ રાતે જમીને દાદાજીની આજુબાજુ ગોઠવાઈ ગયાં.  આ શનિવાર વિશિષ્ટ હતો. આવતા અઠવાડિયાથી તો સ્કુલમાં વેકેશન પડવાનું હતું. એટલે પછી વેકેશનમાં છોકરાંઓ વાર્તા સાંભળવા તો આવશે જ, પણ ઉનાળાનું વેકેશન હોવાથી તેમને કોઈ સ્કુલનું કે હોમવર્કનું ટેન્શન નહિ હોય, આથી નિરાંતે લહેર કરશે.  ત્રણે જણા આવી ગયાં એટલે હેતુએ જ શરૂઆત કરી, 'દાદાજી સ્ટોરી...' 

દાદાજીએ ઘડીક તેના ચહેરા તરફ જોયું. પછી વારાફરતી પ્રીશુ અને પ્રનીલના ચહેરા જોયા.  ખોંખારો ખાધો અને પછી બોલ્યા, 'આવતા અઠવાડિયાથી તો તમારે સ્કુલમાં વેકેશન પડશે કેમ ?' 

આ સાંભળી ત્રણેના ચહેરા ખીલી ઉઠયા, 'હા દાદાજી, એય લીલાં લહેર...' પ્રનીલ બોલ્યો.  'હા તો વાર્તા શરૂ કરતાં પહેલાં હું તમને ત્રણેને એક પ્રશ્ન પૂછવા માગું છું. તમે ત્રણેય વારાફરતી તેનો જવાબ આપો પછી આપણે વાર્તા શરૂ કરીશું,' દાદાજીએ પોતાના માથે હાથ ફેરવતાં કહ્યું.  

'ભલે દાદાજી પૂછો,' ત્રણે બાળકો એકસાથે જ બોલી ઉઠયાં. 

'મારો પ્રશ્ન એ છે કે હવે તમારે વેકેશન પડવાનું છે એટલે તમે વેકેશનમાં શું કરવું તેનું પ્લાનિંગ તો કર્યું હશે ને? મારે એ જાણવું છે કે તમે વેકેશનમાં શું કરવા માંગો છો ? શું પ્લાનિંગ કર્યું છે,' કહી દાદાજી ત્રણે બાળકોના ચહેરા તરફ એક પછી એક જોવા લાગ્યા. પણ ત્રણમાંથી એકેયનો ચહેરો પ્લાનિંગ કર્યું હોય એવું કહેતો નહોતો. આથી દાદાજીએ સૌ પ્રથમ પ્રનીલ તરફ જોયું અને બોલ્યા, 'બોલ બેટા પ્રનીલ, તું શું કરવાનો છે વેકેશનમાં ?' પ્રનીલ સૌથી મોટો હતો એટલે દાદાજીએ તેને જ પહેલું પૂછયું. 

પ્રનીલ થોડી વાર વિચાર કરતો રહ્યો પછી બોલ્યો, ' એમાં શેનું પ્લાનિંગ કરવાનું દાદાજી ? વેકેશન છે એટલે નો ટેન્શન. બસ, ખાવું પીવું,રમવું અને ઊંઘવું. આખું વરસ બિમાર પડવાની બીકે મમ્મીએ જે ખાવા નથી દીધું, મજા કરવા નથી દીધી, તે બધું જ કરવાનું.  પિકચરો જોવાનાં, કોમ્પ્યુટર ઉપર ગેમ રમવાની અને લીલાં લહેર કરવાની...' 

દાદાજી તેના તરફ જોઈ બોલ્યા, 'ઠીક છે બેટા. પણ વેકેશનનો સદુપયોગ પણ કરવો જોઈએને ?'

'ના ના ના. વેકેશનમાં કોઈ ટેન્શન નહિ દાદાજી...' કંટાળતા પ્રનીલ બોલ્યો. 

હવે દાદાજી હેતુ તરફ ફર્યા, 'હેતુ, તું  શું કરવાનો?' 

'દાદાજી. મને તો ડોરેમન, વન્ડરવુમન, સ્પાઈડરમેન, બેટમેન, સુપરમેન બહુ ગમે છે. આખું વરસ મમ્મીએ મને એનાં મુવી નથી જોવા દીધાં, એટલે આખો દિવસ હું તો એ બધાં મુવી જોઇશ, હોરર ફિલ્મો જોઇશ અને જલસા કરીશ,' હેતુ આનંદથી બોલ્યો. 

 હવે પ્રીશુનો વારો હતો. દાદાજીએ પ્રીશુ તરફ જોયું. પ્રીશુ ક્યારનીયે આજ વાત ઉપર વિચાર કરતી હતી. તે હસીને બોલી, 'દાદાજી, હું તો વેકેશનમાં જલસા તો કરીશ જ, પણ થોડુક ક્રિએટીવ વર્ક પણ કરીશ, થોડુંક સેવાનું કામ પણ કરીશ. તમે કાયમ વાર્તાઓમાં કહો છો ને માણસે જીવનમાં સેવા પણ કરવી જોઈએ.' 

'હા બરાબર, પણ તું કરવાની શું છે?' દાદાજીએ પૂછયું. 'સૌથી પહેલાં તો હું એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ના ક્લાસ જોઈન કરીશ, એઆઇ શીખીશ. અભ્યાસની સાથે તેનો કેવી રીતે ઉપયોગ થાય તે જાણીશ. આ ઉપરાંત હું દર રવિવારે જાતજાતના બિસ્કીટ, નાસ્તાનાં પેકેટો, થોડીક ભેટ આપી શકાય એવી વસ્તુઓ લઈંને આજુબાજુની હોસ્પિટલોમાં જઈશ અને ગરીબ દર્દીઓને તે વહેચીશ. નવરાશના સમયમાં હું મમ્મીને રસોડામાં પણ મદદ કરીશ. નવી નવી રેસીપી બનાવી બધાંને જમાડીશ. બાકી તો ટીવી જોઇશ, રમતો રમીશ જેવીકે ચેસ, કેરમ વગેરે...' 

'શાબાશ બેટા. મેં આખું વરસ તમને જે વાર્તાઓ કહી તેમાંથી તું એકલી જ કઈંક શીખી. માણસે આંનદ પ્રમોદની સાથે થોડું ક્રિએટિવ અને પ્રોડક્ટિવ પણ બનવું જોઈએ...'

 દાદાજીએ પ્રીશુને શાબાશી આપી અને પછી નવી સ્ટોરીની શરૂઆત કરી.