વેકેશન .
- 'મારા ઘર પાસે કૂતરી વિયાણી છે. સરસ નાનાં નાનાં ગલુડિયાઓ છે. ચાલો, એનાં માટે સરસ ઘર બનાવીએ.'
- ઉષા મધુકાન્ત દાવડા
કચ્છ જિલ્લાનું નાનું એવું ગામ. ગામની પ્રાથમિક શાળામાં રમેશ, દીપક અને રાજુ એક જ વર્ગમાં અભ્યાસ કરે. આજે શાળામાં છેલ્લો દિવસ હતો. કાલથી વેકેશન હતું.
'રમેશ,રાજુ ,દીપક... કાલથી વેકેશન છે. આપણે રોજ લીમડાના ઝાડ પાસે મળીશું...'
બીજે દિવસે ત્રણેય મિત્રો સાથે મળીને ખૂબ જ રમત રમ્યા અને આનંદ કર્યો.
દીપકે કહ્યું, 'મારા ઘર પાસે કૂતરી વિયાણી છે. સરસ નાનાં નાનાં ગલુડિયાઓ છે. ચાલો, એનાં માટે સરસ ઘર બનાવીએ.'
ત્રણેય મિત્રો સાથે મળીને કામ કરવા લાગી ગયાં. ત્યાં મીના આવી. એ પણ એમાં જોડાઈ ગઈ. એમણે સરસ મજાનું ઘર બનાવી લીધું. એમાં કોથળો પાથરી ગલુડિયાઓ ને સુવાડી દીધાં.
'રાજુ, હવે એના માટે ખાવાનું લઈ આવીએ...' રમેશ એના ઘરેથી રોટલી અને દૂધ લઈ આવ્યો. મીના પાણીની કુંડી ભરીને લઈ આવી.
મીના તો ગાવા લાગી:
'આપણી શેરીના નાના ગલુડિયાઓ
કાલે મોટા થઈ જાશે રે લોલ...
મોટા થઈ એ બહાદુર બનીને
શેરીની ચોકી કરશે હો જી...'
શેરીના લોકોને ખબર પડી ત્યારે બધાં રાજી થઈ ગયા અને બાળકોના વખાણ કરવા લાગ્યા.
દીપકે કહ્યું, 'આપણી પાસે જુનાં પાઠયપુસ્તક છે. એ જૂને કામ આવે એને આપી આવીએ.'
બધાને દીપકની વાત ગમી ગઈ. એમણે પુસ્તક ભેગાં કરી ગામના છોકરાઓને આપી આવ્યાં. એક પછી એક બાળકો આવતાં ગયાં અને પુસ્તકો આપવા લાગ્યાં. એમના પૈસાની બચત થઈ.
ગામના શિક્ષકને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેઓ પણ ખુશ થયા. તેમણે કહ્યું, 'બાળકો, તમે વેકેશનનો ખરો સદુપયોગ કર્યો છે.'