FOLLOW US

અડપલાંનો ઉસ્તાદ .

Updated: Sep 17th, 2022


- અડપલાં જેવી બીજી કળા કોઈ નથી અને તેમાં તે ઉચ્ચમાં ઉચ્ચ કળાકાર હતો

- તમને બીજું કંઈ ન આવડે તો વાંધો નહીં,અડપલાં કરતાં આવડે કે આગળ વધ્યા જ સમજો!

એ નું નામ તો જે હોય તે! હોશિયાર ખરો, સુઝબુઝ ઘણી, કલાકાર ઊંચી કક્ષાનો. નવીનતા એક જ, તે જરા અડપલાકાર હતો. એટલે કે તેને અડપલાંની ટેવ હતી. તમામ સારી વાતોની વચમાં તે અડપલું ન કરે તો તેને ચેન પડે નહીં અને રહી ગયેલું એ અડપલું એનાથી બીજી જગાએ થઈ જાય!

પોતાની કૃતિઓની તે વાહ વાહ કરે. તાળી પાડે. ગામ ગજાવે. ઘંટ વગાડે. પણ જો બીજાની રચના જોવાઈ જાય તો પહેલાં તેને ફેંકી દે, ફગાવી દે, કચરાટોપલીમાં નાખી દે.

એ અડપલાકુમાર સીધે રસ્તે જતો હોય અને રસ્તામાં કોઈ શ્વાન સૂતું હોય તો તેને અડપલું કરે. તેની પૂંછડી ઉપર પગ મૂકી જુએ. પછી જેવું કૂતરું હાઉ-હાઉ કરતું પાછળ પડે કે ભાગે. તેથી કંઈ એની આદત બદલાય નહીં.

ઝાડ ઉપર મધપૂડો જુએ તો તે જોઈ બેસે નહીં. એવી એની દ્રષ્ટિ નહીં અને સ્થિરતા નહીં અને પથરો ફેંક્યા વગર રહે નહીં. એકાદ વખત મધમાખીઓ ભેગી થાયને તેને ભગાડે. તે ભાગેડુ ખરો. કદીક વળી ડંખ પણ મારી લે. ના, એથી કંઈ તેની અડપલાંની આદત આઘીપાછી થાય નહીં.

ચોમાસું તો તેનાં અડપલાં માટેની વિશેષ કામ. સુધરાઈ ખાડાઓ તેને માટે જ રાખે. સુધરાઈના ખાડાને વરસાદના દા'ડા. અડપલાકુમાર આજુબાજુથી ન જાય, ખાડામાં થઈને જ જાય! ખાડો પાણી કાદવિયું અને કુમાર. કંઈ સખણાં મારે. જોરથી તે કાદવિયું પાણી ઉછાળે. આજુબાજુના રાહદારીઓ પર છંટકાવ થાય જ. તેઓ મારવા દોડે. કદીક હાથમાંય આવી જાય! પોતેય ઘટ્ટ કાદવિયો થાય. પણ એથી એને કંઈ પાઠ શીખવા મળે? ના, આગળ ઉપર બીજો ખાડો આવે જ. તેમાંય કાદવ હોય જ. તેમાંય તે પગ ઊછાળે જ. અડપલાકુમાર કોને કહ્યો છે!

તેની પાસે 'આઈડિયાઝ'નો પાર નહીં. તેની દરેક કળા નવી જ જાતની હોય! નવી જ દિશા બતાવતી હોય! પણ આ અડપલાની કળા એના ઠેઠ અંદરના ઊંડાણમાં વસી ગઈ હતી.

કોઈ સાયકલ ઊભી હોય તો તે ઘંટડી વગાડી જુએ, કોઈ બળદ જુએ તો તે ડચકારીઓ ડચકારી મૂકે, કોઈ બકરી જુએ તો તેનું શિંગડું ખેંચી જુએ, કોઈ પથ્થર રસ્તામાં પડયો હોય તો તે ફુટબોલ રમી જુએ, નેતાની જાહેરાત જુએ તો તેમા પૂછડું વધાવી જુએ, શૅરીમાં બાળકો રમતાં હોય તો તેમની ક્રિકેટનો દડો છાપરે ફેંકી જુએ, કોઈ વિદ્યાર્થીનું દફતરિયું તે ખેંચી જુએ!

અરે ક્યારે એને કયું અડપલુ સૂઝે તેની કોઈ કલ્પના જ કરી શકે નહીં. તે પોતે પણ અગાઉથી કંઈ વિચારી શકે નહીં. તે અડપલાંનો શીઘ્ર કવિ હતો. કમઠાણનો કરામતી હતો. છેડછાડનાં છાપગર હતો. અડપલાંનો અકબર હતો, બિરબલ હતો.

દરબારે એક જાહેર સ્પર્ધા રાખી હતી : અડપલાંને અડપલું. અગાઉ કહ્યું તેમ આપણો અડપલાકુમાર મોટો સિતારો તો હતો જ. તેણે હરીફાઈમાં વ્યંગચિત્ર ઉર્ફે અડપલાં ચિત્ર મોકલ્યું.

એક વાનર નદીના પાણીમાં મોઢું જોતો હતો, ધોતો હતો કે પાણી પીતો હતો! અડપલાકુમારે પાછળથી હડસેલો માર્યો. વાંદરો પાણીમાં પડયો. પછી હડસેલો ખાનાર અને મારનાર બન્ને સામસામે જોવા લાગ્યા. એવી રીતે કે કોણ માણસ અને કોણ વાનર તે પરખાય જ નહીં. જાણે વાનર કહેતો હતો : 'અલ્યા, અડપલાં-સમ્રાટ તો લોકો મને કહે છે!'

આવા અનુપમ અડપલાં વ્યંગચિત્ર બાદ ઈનામ કોને મળે? જાહેર સન્માનમાં તેણે પ્રતિજ્ઞાા કરી : 'હવે તો આજીવન હું અડપલાં જ કરતો રહીશ ભલે બીજાઓને બીજી કળામાં બહુમાન મળે પણ અડપલાંનો ઈશ્વર તો હું હું ને 

હું જ.'

- હરીશ નાયક

Gujarat
English
Magazines