- સસલીના મોંમાં તો પાણી આવી ગયું! તે તો મનોમન રાજી થતી બોલવા લાગી, 'આહાહા! આટલાં બધાં જામફળ! આજે તો ખૂબ મજા પડી જશે!'
- કિરીટ ગોસ્વામી
એક સસલીને ખૂબ ભૂખ લાગી હતી. તે ખોરાકની શોધમાં આમ-તેમ દોડે, પણ ક્યાંયથી કંઈ ખાવાની ચીજ મળે નહીં! ખોરાકની શોધમાં સસલી તો દોડી-દોડીને ખૂબ થાકી ગઈ. ભૂખ પણ હવે તો ખૂબ વધી ગઈ હતી. થાકીને આખરે તે એક ઝાડ નીચે બેઠી. આટલી મહેનત પછી પણ કંઈ ખોરાક ન મળવાથી તે ખૂબ નિરાશ થઈ ગઈ હતી. નીચું જોઈને તે મનોમન વિચારતી હતી, 'હવે કંઈ ખાવાની ચીજ મળી જાય તો સારું! હવે એક ડગલું પણ ચલાય તેમ નથી!'
એમ વિચાર કરતાં-કરતાં અચાનક તેની નજર સામેના એક ઝાડ પર ઠરી. સસલીએ ધારીને જોયું તો સામે જ એક જામફળનું ઝાડ દેખાયું. જામફળનું ઝાડ જોઈને તે તો રાજી-રાજી થઈ ગઈ. થોડો પ્રયત્ન કરીને તે ઊભી થઈ અને તરત જ જામફળના ઝાડ સુધી પહોંચી ગઈ.
જામફળના ઝાડ પર તો ડાળે-ડાળે કેટલાંય મોટાં-મોટાં જામફળ લટકતાં હતાં! આ જોઈને સસલીના મોંમાં તો પાણી આવી ગયું! તે તો મનોમન રાજી થતી બોલવા લાગી, 'આહાહા! આટલાં બધાં જામફળ! આજે તો ખૂબ મજા પડી જશે!'
મીઠાં જામફળ ખાવાની આશાએ સસલી તો ઝાડની નજીક આવી. તેણે જોયું તો જામફળ ઝાડ પર ખૂબ ઊંચે હતાં.
સસલીએ કૂદકા મારીને જામફળ તોડવાના ખૂબ પ્રયત્નો કર્યા, પણ એકેય જામફળ તેને મળ્યું નહીં. ખૂબ ભૂખ લાગી હતી અને ઉપરથી આટલા કૂદકા! આખરે સસલી તો થાકી ગઈ. એકેય જામફળ તેને ન મળ્યું ત્યારે તે ગુસ્સામાં બબડવા લાગી, 'આ જામફળ સાવ નકામી ચીજ છે! આટલી ઊંચાઈ પર છે, કોઈને ખાવામાં તો કામ જ ન આવે!' મોં ફુલાવીને સસલી તો ત્યાંથી ચાલતી થઈ.
એવામાં જોરદાર પવન ફૂંકાયો અને કેટલાંક પાકી ગયેલાં જામફળ નીચે ખરી પડયાં. એ જોઈને સસલી હરખાતી-હરખાતી જામફળ ખાવા પાછી વળી! જેવી તે જામફળ ખાવા ગઈ ત્યાં જ ઝાડ બોલ્યું, 'અરે સસલી! આ નકામી ચીજ ખાઈને તું પણ નકામી થઈ જઈશ!'
આ સાંભળીને સસલી અટકી ગઈ અને ઝાડ તરફ જોઈને શરમની મારી નીચું જોઈ ગઈ! તેને પોતાની ભૂલ તરત સમજાઈ ગઈ. નીચું મોં કરીને તે ત્યાંથી ચાલતી પકડી.


