- ગામમાં જવા માટે પાકો રસ્તો બનાવવા માણસો વડનું ઝાડ કાપવા લાગ્યા. બધી ચકલીઓ તો રડવા લાગી. જે લોકો પહેલાં ચણ નાખતા હતા તે જ હવે વડના ઝાડને કાપવા તૈયાર થઇ ગયા હતા...
- ડૉ. ફાલ્ગુની રાઠોડ 'ફાગ'
પહાડોની વચ્ચોવચ એક સુંદર મજાનું ગામ. ગામનું નામ રોશનનગર. તેમાં એક મોટું વડનું ઝાડ આવેલું હતું. આ ઝાડ ઉપર ઘણી બધી ચકલીઓ રહેતી હતી. આખા વડલા ઉપર ચકલીઓ જ ચકલીઓ. કોઈ વડની વડવાઈઓ પર ઝૂલે તો કોઈ એના પાંદડા ઉપર બેસી મસ્તી કરે. આ બધી ચકલીઓ રોજ સવારમાં ઝાડ ઉપર બેસીને ચીં-ચીં કરતી રહે, આખા ગામમાં લોકો પ્રેમથી ચણ નાખવા વડ પાસે આવે. એ જોઈને તો ચકલીઓ ખૂબ જ રાજીની રેડ થઈ જાય ને ચીં-ચીં કરતી આખા વડલા ઉપર ડોલવા લાગે. બધી ચકલીઓને તો મજા પડી ગઈ હતી. તેઓ તો પોતાના માળામાં બચ્ચાંને ચણ ખવડાવતી હતી.
થોડે દૂર બીજા એક વડ ઉપર એક અનોખી ચકલી રહેતી હતી. એ બીજી બધી ચકલીઓ કરતાં નામ પ્રમાણે અલગ હતી. એણે એ વડની બખોલમાં નાનકડો માળો બાંધ્યો હતો. એમાં પોતાનાં બે બચ્ચાં ચુન્નુ અને મુન્નુની સાથે રહેતી હતી. એનો માળો ખૂબ સુંદર હતો. બીજી ચકલીઓની જેમ ગામના લોકો જે દાણા નાખી જાય એ ચણતી નહીં. એ દાણા શોધવા દૂર દૂર જતી. એ ખૂબ મહેનતુ હતી. એને આવા તૈયાર દાણાં ચણવા કરતાં જાતે શોધવા જવાનું વધારે પસંદ હતું. એ પોતાનાં બચ્ચાં માટે જાતે શોધીને દાણાં લાવતી અને સાંજે પાછી ફરતી.
અન્ય ચકલીઓ એને કહેતી, 'ઓ અનોખી બહેન, આ શું દૂર દૂર દાણા ચણવા જાઓ છો? આ ગામલોકો અહીં આપણને ચણ નાખી જાય એ ખાવો ને જલસા કરો ને! નકામી મહેનત શું કામ કરો છો?'
ત્યારે અનોખી ચકલીબેન કહેતી-
'હું અનોખી ચકલીબેન,
મહેનત કરતી ચકલીબેન,
આળસથી દૂર રહેતી ચકલીબેન,
દૂર દૂર જઈને ચણ લાવતી ચકલીબેન!'
આ સાંભળીને બીજી ચકલીઓ તો એના ઉપર હસતી ને કહેતી-
'નાહક ચિંતા છોડો બેન,
આરામથી વડલે ડાળે ઝૂલો બેન,
વગર મહેનતનું ખાવો બેન!'
આ અનોખી ચકલી તો બીજી ચકલીઓની વાત કદી માનતી જ નહીં. એ તો હવે પોતાનું કામ કરતી રહેતી. એક દિવસ એ ચણ શોધવા ગઈ હતી ત્યારે એણે સાંભળ્યું કે, ગામનો પાકો રસ્તો બનવા જઈ રહ્યો છે એટલે આ જૂનો વડ રસ્તામા આવતો હોવાથી એને કાપી નાખવામાં આવશે. આ સાંભળીને એ ઝડપથી વડ પાસે પહોંચી. બધી ચકલીઓને હકીકત જણાવી, પણ કોઈએ એની વાત માની નહીં. આથી અનોખી ચકલી તો નિરાશ થઈને હવે બીજા ઝાડ ઉપર જઈને માળો બાંધી રહેવા લાગી અને પોતાનું અનાજ ભેગું કરતી રહેતી.
બે-ત્રણ દિવસમાં તો ગામમાં જવા માટે પાકો રસ્તો બનાવવા માણસો વડનું ઝાડ કાપવા લાગ્યા. બધી ચકલીઓ તો રડવા લાગી. જે લોકો પહેલાં ચણ નાખતા હતા તે જ હવે વડના ઝાડને કાપવા તૈયાર થયા હતા. જોતજોતામાં તો ઝાડ કપાઈ ગયું.
'હવે અમે ક્યાં જઈશું?' એમ કહી બધી ચકલીઓ પાછી રડવા રડવા લાગી. આ જોઈ અનોખી ચકલી એમની મદદે આવી અને કહેવા લાગી, 'ચિંતા કરશો નહીં. તમે મારી સાથે ચાલો. મારા ઝાડ ઉપર માળો બાંધી રહો, બે ત્રણ દિવસ ચાલે એટલું ચણ મેં ભેગું કર્યું છે તે ચણો ને પછી મારી સાથે તમે પણ ચણ શોધવા આવજો.'
ચકલીઓ કહેવા લાગી, 'અમને માફ કરો અનોખી બહેન, અમારાથી ભૂલ થઈ ગઈ. હવે અમારી આંખો ખૂલી ગઈ છે. હવે અમે દરરોજ તમારી સાથે આળસ કર્યા વગર ચણ શોધવા આવીશું અને સાથે આ ઝાડ પર માળો બાંધી રહીશું.'
અનોખી ચકલીએ કહ્યું, 'તો ચાલો, આપણે સૌ સાથે મળીને કામ કરીએ ને મસ્તીથી ગીતો ગાઈએ-
અમે તો મસ્તીથી રહેનારાં,
ચીં-ચીં કરતા અમે ફરનારાં,
ઝાડ પર માળો બાંધી રહેનારાં,
આળસ હવે કદી ન કરનારાં!'
આમ, સૌ ચકલીઓ અનોખી ચકલીબેન સાથે હળીમળીને આનંદથી રહેવા લાગ્યા.


