અનન્ય-પૂર્તિ ઇચ્છા-પૂર્તિ .


- અલ્યા, અત્યારે રાવણનું અહીંયા શું કામ છે?

- શ્રીલંકામાં ક્યાં શું ચાલે છે તેની રજેરજની માહિતી રાવણને રહેતી. તો પછી રાજમહેલ અને રાજગૃહની વાત તેનાથી અજાણી રહે?

- કેટલાક માંધાંતાઓ એવા હોય છે કે તેઓ બીજાની ઇચ્છા પૂરી કરી શકે છે, પણ તેમની ઇચ્છા પ્રશ્નાર્થ જ રહે છે.

- જો મારું ચાલે તો મરતી વખતે રામના હાથે જ મરું...

- સીતાની ઇચ્છા રામ પૂરી ન કરે, એવું  બને કંઈ?

મા યાવી વિદ્યાર્થીય ચઢી જાય તેવી વિદ્યા છે કુટિલ-વિદ્યા. માયાવી લોકોનો અંત માયાવી રીતે જ આવતો હોય છે.

રા-વ-ણ!

રા એટલે રાજજા.

વ એટલે વટ્ટ.

ણ ફેણનો ણ: ફફેણ ફફફેણ!

જે રાજાને વટ્ટ રાખવો હોય, એણે ફેણ ઊંચી જ રાખવી પડે. રાવણ હંમેશા ફેણ ઊંચી જ રાખતો. તે સમર્થ હતો જ, તેને સમર્થેશ્વર બનવું હતું. વિશ્વવિજેતા કહેવડાવવું હતું. સમ્રાટના સમ્રાટ બનવું હતું.

જે સમ્રાટ છે, જે સમ્રાટ બનવા માગે છે, તેણે ઘણા બધા જાસૂસો રાખવા પડે. તમને ખબરેય ન પડે કે તમારી સાથે છે, તમારા સાથીદાર છે, એ જાસૂસ છે. અને સમ્રાટ જાતે તો જાસૂસોનો જાસૂસ જ હોવો જોઈએ. રાવણ હતો જ.

શ્રીલંકામાં ક્યાં શું ચાલે છે તેની રજેરજની માહિતી તેને રહેતી. તો પછી રાજમહેલ અને રાજગૃહની વાત તેનાથી અજાણી રહે?

મહારાણી મંદોદરી અને મામા મારીચની ગુફતેગુથી તે સાવ અજાણ ન હતો. મામા અને મંદાના ધંધા સમાન હતા. રાવણ-રાજયમાં રહીને પણ બંન્ને મનોમન રામભક્ત હતાં. જાહેરમાં કંઈ કહી શકે નહીં, કહેવાય જ નહીં. પણ જ્યારે બન્ને એકલાં પડે ત્યારે....

'મામા!' મહારાણી મંદોદરી કહે : 'મહારાજા રાવણ સીતા સ્વયંવરમાં જાય છે, તે મને બિલકુલ ગમતું નથી.'

મામા મારીચ કહે : 'મને તે જરાય ગમતું નથી. જરાય નહીં.'

મદોદરી કહે : 'મામા! સ્વયંવર કુંવારાઓ માટે હોય. પરણેલા હોય, સુખી હોય, તે રાજવીઓએ વળી એવા સ્વયંવરમાં શું કામ જવું જોઈએ?'

મામા કહે : 'પરણ્યા જ જો ફરીફરીને પરણ્યા કરશે તો પછી બિચારા કુંવારાઓનો વારો ક્યારે આવશે?'

'એનો અર્થ હું તો એમ કહું છું,' મંદોદરીએ મનની અંદરની વાત કરી : 'કે મારામાં કોઈક ત્રૂટિ છે, દોષ છે, કચાશ છે, હું એમને ગમતી નથી.'

મામી કહે : 'હું ક્યારેક એમની અને શ્રીરામની સરખામણી કરું છું. ત્યારે મને લાગે છે.'

મંદા કહે : 'કહો મામા કહો...'

'કે રામ અનેક રીતે ચઢિયાતા છે,' મામા મરીચે ધીમે રહીને વાત કહી દીધી. 'એક રીતે કહું મંદોદરી, તો અંદરખાનેથી હું શ્રીરામનો ચાહક છું, વાહક છું, પ્રશંસક છું. જો મારું ચાલે તો, ઇચ્છું કે મરતી વખતે રામના હાથે જ મરું અને અને...'

'અને શું મામાશ્રી?'

'...અને જીભ ઉપર લક્ષ્મણનું નામ હોય!' મામાશ્રીએ હળવે રહીને પણ હૈયું ધારણ કરીને, મનના ઊંડાણમાંથી મન-કી-બાત કહી દીધી.

'એવું કેમ?' મંદોદરીથી પૂછ્યા વગર રહેવાયું નહીં : 'મામાજી એવું કેમ?'

મામાનો ખુલાસો કરવાનો સમય રહ્યો નહીં. કોઈક ખટકો થયો કોઈક જગાએ. કોઈક છૂપી રીતે આ ખાનગી રહસ્યભરી વાતો સાંભળતું હતું કે શું?

બન્ને નિખાલસીયાઓએ આજુબાજુ જઈને જોયું. કોઈ દેખાયું નહીં. પણ હાલતા પડદા, હાલક હવામાન, હાલતાં સ્પંદન કોઈક સાક્ષી પૂરતા હતા.

અંગત માણસોની ન સાંભળવા જેવી એ પંગત સંગત જાહેર થઈ ગઈ. ખાનગી ય રહી અને પ્રગટ પણ થઈ ગઇ.

રાવણ વિચારવા લાગ્યો. એ લોકોને ઇચ્છિત ભેટો આપવી જ જોઈએ. રાજા થઈને, કુટુંબના વડા થઈને, સર્વેશ્વર દાતા થઈને એ પોતાનાઓને મનગમતી વાતો ન આપી શકે, એ તે કંઇ ચાલે?

રાવણ સર્વશક્તિમાન હતો, પણ તેના નસીબનું એક કઠામણ હતું. તે જાતે પોતે જ ઇચ્છે તે કદી મેળવી શક્તો નહીં, કદી નહીં. પણ તે બીજાની ઇચ્છા જરૂર પૂરી કરી શક્તો.

સીતા સ્વયંવરની વાત જૂની થઈ ગઈ. મામાજી મારીચ અને મહારાણી મંદોદરીની ઇચ્છા ન હતી, તેમ છતાં રાવણજી સ્વયંવરમાં ગયા જ. સીતા મેળવવી હતી. ન મેળવી શક્યા. પેલું વજનદાર શિવનું બાણ તેની ઉપર પડયું. શ્રી રામે તેના દેહ પરથી એ બોજીલું ધનુષ ઉપાડી લઈ, રાવણને મુક્તિ અપાવી.

તે દિવસથી જ રાવણે મનોમન ગાંઠ વાળી કે સીતાને મેળવીને, મેળવીને, મેળવીને જ રહીશ.

એ જક સાચી કરવાની તક આજે આવી.

'પરમ પ્રિય મામાજી...' રાજા રાવણે, લાડથી, વહાલથી હલકથી મારીચ મામાને કહ્યું : 'આજે તમારે એક સરસ માયાવી કાર્ય કરવાનું છે.'

મામા મારીચને અણસાર પણ આવ્યો નહીં. તેમણે તરત જ કહી દીધું : 'ભાણિયા રાજા, તું કહે તે કામ મારે કરવાનું જ. ખુશી ખુશી કરવાનું જ સરસે કામ તો સરસ રીતે જ કરવાનું અને માયાવી કામ તો કેટલાય સમયથી કર્યું જ નથી! હુકમ કરો ભાણિયા મહારાજ!'

'ચાલો,' રાવણે કહી દીધું.

'ક્યાં?'

'પર્ણકૂટિમાં.'

'ત્યાં જઈ આપણે શું સરસ કામ કરવાનું છે?'

'તમારું ફાવતું કામ છે. માયા પાથરવાની છે,' રાવણે કહ્યું : 'તમારે માયાવી હરણ બનવાનું છે. સોનેરી હરણ. રળિયામણું હરણ રૂડું રૂપાળું હરણ.'

'બનીશ જ,' મામાશ્રીએ કહી દીધું : 'એવું હરણ બનીશ, એવું હરણ બનીશ, કે જોનાર મોહી જ પડે.'

રાવણ કહે : 'મને તમારી પર વિશ્વાસ છે જ.'

અને રામ-સીતા-લક્ષ્મણની ત્રિવેણી જ્યારે પિતૃઆજ્ઞાાના પાલન માટે, વનવાસ ભોગવી રહ્યા હતા, ત્યારે રાજજા રાવણ મામાને લઈને તે તરફ ગયા જ. રાવણ પોતે અદૃશ્ય રહ્યો અને મામાજીને કહ્યું, 'મામાજી, તમને મનોરમ્ય હરણ બનવાની ઇચ્છા છેને? એ માયા પૂરી કરો. જાવ, પેલી પુર્ણકૂટિ આગળથી પસાર થાવ!'

સૂરજના ઝળહળતા કિરણોથી સૂરજમુખીના પીળા છાંટવાળાં રંગો ફેલાવતું. હરણ પર્ણકુટિથી સહેજ દૂર પસાર થવા લાગ્યું. સોનેરી હરણ લીલું ઘાસ, હરિયાળો પવન, ભીનીભીની ભેજવાળું વાસંતી હવામાન. ભોળિયું ભટુરૂં હરણ જાણે એવું ગાફેલ થઈને ચકવાળો ચારો ચરતું હતું કે તેને દશે દિશાનું કોઈ ભાન જ નથી.

વનવાસિની વનપ્રવાસિનિ, ધરતીવાસિની નિસર્ગનિવાસિનિ, પર્યાવરણ પ્યાસિનિ સીતાની નજર પડયા વગર રહે?

'રામ... રામ!' પૂરી અધિરાઈ સાથે સીતાએ રામને આગ્રહભર્યું આમંત્રણ આપ્યું.

સીતાના સ્નેહનો સત્યાગ્રહ! રામ દોડીને પહોંચ્યા સીતા પાસે : શું કોતુક નિહાળ્યું જાનકીજી?

'સુવર્ણ-હરણ!' સીતાએ કહ્યું : 'મારે જોઈએ. વિધિએ તેને મારે માટે જ મોકલ્યું છે. જાવ, લઈ આવો, મારે જોઈએ જ.'

રામ કહે : 'આટલું મનોહર હરણ? જાણે સ્વર્ગથી આવ્યું લાગે છે. જાનકીજી, મને સાચું માનવામાં ય શંકા જાય છે. જરા વિચારો.'

'તમેય વિચારો નહીં, રામ!' સીતાએ કહ્યું, 'તે છટકી જાય અટકી જાય ભટકી જાય તે પહેલાં ઝટ જાવો. સોનેરી હરણ લાવો નહીં તો તમારી સાથે નહીં બોલું રે.'

રામ ગયા. સીતાની ઇચ્છા રામ પૂરી ન કરે, એવું  બને કંઈ?

અને ખુદ રામ છક્કડ ખાઈ ગયા. પેલું સુનહરી ખસતું ખસતું, હળવે હળવે, એવી રીતે ખસી ગયું, હસી ગયું કે તે ફસી ન જ ગયું.

હરણ આગળ આગળ.

રામ પાછળ પાછળ.

રામનો ઇરાદો તેને જીવતું જ મેળવવું હતું. હા, સીતાને ય સોનેરી જીવતું જ જોઈતુ હતું.

પણ કોઈ છકાવે તો પછી પાછળ પડનાર ક્યાં સુધી છકે?

હરણ અને રામ વચ્ચેનું અંતર વધતું ગયું. શંકા તો એવી પણ ગઈ કે હરણ હાથમાંથી છટકી જ શકે! અંતર જ્યારે ખરેખર વધી ગયું ત્યારે રામ પાસે બીજો કોઈ ઉપાય રહ્યો નહીં. સીતાને હું આટલું હરણેય ન આપી શકું.

રામે તીર ચલાવ્યું. રામબાણ હતું એ વીંધી ગયું હરણ. માયા છતી થઈ ગઈ. મામા મારીચનું અસ્સલ સ્વરૂપ પ્રગટ થઈ ગયું. તેમનાથી બૂમ પડી ગઈ : 'લક્ષ્મણ!' સીતા છળી ગઈ, ખળભળી ગઈ. હળબળી : 'જાવ લક્ષ્મણ, તમારા ભાઈ પર કોઈ આફત આવી લાગે છે...'

'ના ભાભીશ્રી!' લક્ષ્મણે કહ્યું : 'મને એ સ્વર મોટાભાઈ રામનો નથી લાગતો, નથી જ લાગતો!' 'જાવ છો કે નહીં, લક્ષ્મણજી?' સીતાએ સમક્ષ કહ્યું : 'કે પછી? કે પછી?' પછીની વાતો લક્ષ્મણ સાંભળી શકે તેમ ન હતા. જ્યારે રામ અને લક્ષ્મણ પાછા ફર્યા સુવર્ણ હરણને લઈને, ત્યારે સીતાજી ન હતા. કોઈ સંદેશ આપનાર પણ ન હતું.

સીતાનું હરણ કરીને આકાશી વિમાનમાં રાવણરાજા પસાર થતા હતા ત્યારે તેમણે જિંદગીના છેલ્લા શ્વાસ લેતાં વહાલસોયા અજ્ઞાાંકિત મામાશ્રી મારીચને કહ્યું : મામાજી, રાવણ બધાની ઇચ્છા પૂરી કરે છે. તમારી તો ખાસ પૂરી કરવી જ પડેને? તમારે રામને હાથે મરવું હતું... અને જીભ ઉપર લક્ષ્મણનું નામ રાખવું હતું!

રાવણરાજ્જા જ્યારે સીતાને પંચવટીમાં પ્રસ્થાન કરાવતા હતા ત્યારે સીતા તરફડતી હતી. એમ જ જેમ રામના તીરથી મૃત્યુ પામતા મામા મારીચ ફડફડતા હતા.

વાસંતી વન ઊભું કરીને, સીતાને ચોકી પહેરા માટે, હરણી સમી સુંવાળી રાક્ષસી રમણીઓ ગોઠવી દઈને રાવણ જ્યારે વિદાય થતો હતો ત્યારે તે સીતાને કહેતો હતો : 'કહે છે કે કહે છે કે સર્વશક્તિમાન રાવણ પોતાની ઇચ્છા પૂરી કરી શક્તો નથી, પણ સામાની ઇચ્છા જરૂર પૂરી કરે જ છે. સુંદરી સીતા! મનમાં રટણ કરો, તમારી ઇચ્છા જરૂર પૂરી થશે. અને એ જ કદાચ મારી ય ઇચ્છા હોઈ શકે...'

આ દૃશ્યાવલિ જોઈને અરેરાટી અનુભવતી મહારાણી મંદોદરી હળવી હલકથી ખસી જવા લાગી. ત્યારે રાવણ જાણે તેને ય જોઈ ગયો હોય એમ ઉચ્ચારતો હતો. એકની ઇચ્છા કંઈ બધ્ધાની ઇચ્છા સરખી જ હોય, એક જ હોય, એવું થોડું જ છે? અને મૌન ભાષામાં શબ્દો સંકોર્યો : 'લોકો સમ્રાટને ઝૂકે છે, તેમાં જ તેમનું શ્રેય છે. એ બધાં સમજે તો! સમજે તો!'

City News

Sports

RECENT NEWS