Get The App

કાગડા અંકલ... આઈ લવ યુ ! .

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
કાગડા અંકલ... આઈ લવ યુ !                       . 1 - image

- રિધાન કહે - 'હા, કાગડા અંકલ! મને ખબર પડી ગઈ તમે ભૂખ્યા તરસ્યા છો. ઊભા રહો, હું તમારાં માટે નાસ્તા-પાણીની વ્યવસ્થા કરું છું...' રિધાન ફટાફટ નીચે આવ્યો. રસોડામાંથી મમ્મીને પૂછીને પૂરી-ભજીયાં અને પાણી લઈને છત પર આવ્યો.

- દિગ્ગજ શાહ

રિધાન એના ઘરની છત પર લટાર મારી રહ્યો હતો. ઉડતો ઉડતો એક કાગડો સામેનાં ઝાડ પર બેઠો.

રિધાને કાગડાને જોઇને જોરથી કહ્યું -'જૂઠ બોલે કૌઆ કાટે.!'

આ સાંભળીને કાગડાએ ગુસ્સાથી કહ્યું -'એલા એ ટેણી! હું કાગડો છું, કરડતો નથી. કાટતા નહીં હૂં... ચાંચ મારું છું! ગમે તેમ ના બોલ. જૂૂઠ તું બોલે છે, હું નહીં, સમજયો?'

રિધાને સ્માઇલ આપીને કહ્યું - 'શું કાગડા અંકલ! નાની નાની વાતમાં ગુસ્સો કરો છો? આજે સ્કૂલમાં અમારા ટીચર ભણાવતાં હતા કે જૂઠ બોલે કૌઆ કાટે... તે મને યાદ આવી ગયું એટલે તમને જોઇને હું બોલ્યો સોરી. બસ?'

કાગડો કહે -  'માણસોની આ જ તકલીફ છે. પહેલાં અમારી લાગણી દુભાવો છો, ખોટું  લાગે એવું બોલો છો... અને પછી સોરી બોલીને છટકી જાઓ છો!'

રિધાનકહે - 'અરે જવા દો ને કાગડા અંકલ! મને એ કહો કે જૂઠ બોલે કૌઆ કાટે એવું કેમ કહેવાય છે?'

કાગડો કહે - 'ફરી પાછી આ જ વાત! તમે માણસો વાતે વાતે જુઠ્ઠું ંબોલો છો! ખોટાં પ્રોમીસ કરોછો!એટલેતમારાં બાપદાદાઓએ આ કહેવત પાડી દીધી હશે! બાકી હું ખોટું નથી બોલતો. ખોટાં પ્રોમીસ નથી કરતો.કોઇનું ખરાબ નથી કરતો, કોઇને કરડતો નથી. મારું નામ તમે ખરાબ ના કરો!'

રિધાન કહે - 'સાચી વાત, કાગડા અંકલ! પણ હવે શું થાય? જે અમારી ટેવો પડી ગઈ છે એ એમનેમ તો જાય નહીં. બાકી હું પણ જૂઠ્ઠું  નથી જ બોલતો.'

કાગડો કહે - 'આ બધી વાતો પછી કરજે. પહેલાં તારા ઘરની સામે હું આ ઝાડ પર આવ્યો છું તો એટલું તો મને પૂછ કે કાંઈ ખાશોપીશો, કાગડા અંકલ?'

રિધાન કહે - 'હા, કાગડા અંકલ! મને ખબર પડી ગઈ તમે ભૂખ્યા તરસ્યા છો. ઊભા રહો, હું તમારાં માટે નાસ્તા-પાણીની વ્યવસ્થા કરું છું...'

રિધાન ફટાફટ નીચે આવ્યો. રસોડાંમાંથી મમ્મીને પૂછીને પૂરી-ભજીયાં અને પાણી લઈને છત પર આવ્યો.

આ જોઇને કાગડો ખુશ ખુશ થઈ ગયો.

રિધાને ખૂબ જ પ્રેમથી કાગડા અંકલને પૂરી અને ભજીયાં ખવડાવ્યા. ઠંડુ પાણી પીવડાવ્યું.

કાગડા અંકલે ભરપેટ ભોજન કર્યા પછી સ્માઇલ આપીને રિધાનને કહ્યું - 'થેંક્યુ, માય ડિયર! મારાં લાયક કોઈ કામ હોય તો કહેજે...'

રિધાન કહે - 'બસ, આ સ્કૂલમાંથી ટીચરે હોમવર્કમાં ખૂબ જ લેસન આપ્યું છે. એ કરી આપો!'

કાગડા અંકલ મોં બગાડીને કહે - 'ભાઇ,જવા દે ને. મને ભણવા-ગણવાનું કશું જ આવડતું નથી. આપણે તો આખો દિવસ ઊડાઊડ કરીએ છીએ અને મોજ કરીએ છીએ. જલસા જ જલસા!'

રિધાન કહે - 'કાગડા અંકલ... મને પણ તમારી જેમ મોજ કરવી છે. મને પણ તમારી સાથે ફરવા લઇ જાઓ..!'

કાગડો કહે -  'ના,ભાઇ, ના..! આમ ન કરાય..! અત્યારે ભણવામાં ધ્યાન આપો! લેસન કરો. ભલે કંટાળો આવતો હોય. મોજ પછી કરજો. હું જાઉં છું. બાય બાય!'

કાગડા અંકલ તો ભાઇ, ઉડી ગયા.

રિધાન કાગડા અંકલને દૂરદૂર ઉડતાં જોઇ રહ્યો. એ વિચારવા લાગ્યો - કાગડા અંકલ કેટલા સમજદાર છે... કેટલી સરસ-સરસ વાતો કરે છે. કાગડા અંકલ, આઇ લવ યુ!'

પછી કાગડા અંકલને યાદ કરતો કરતો રિધાન મોજથી હોમવર્કમાં આપેલું લેસન કરવા લાગ્યો, બાપલા!