- કાચબાભાઈએ વિચાર્યું કે દર વર્ષે ઉનાળાની ઋતુમાં તળાવમાં પાણી ઓછું થઈ જાય છે તેના માટે કંઈક કરવું જોઈએ. કાચબાભાઈએ તેમના પત્ની કાચબીબેનને આ વિશે વાત કરી
એક ખૂબ મોટું જંગલ હતું. જંગલમાં બધાં પશુ-પંખીઓ હળીમળીને રહેતાં હતાં.
આ જંગલમાં એક કાચબાભાઈ તેમના પરિવાર સાથે જંગલમાં જ આવેલા એક તળાવમાં રહેતાં હતાં.
જંગલનાં સૌ પશુ-પંખીઓ પાણી પીવા માટે આ જ તળાવનો ઉપયોગ કરતાં હતાં. પરંતુ છેલ્લા બે વર્ષથી જેવી ઉનાળાની ઋતુ શરૂ થાય કે તળાવમાં પાણી બિલકુલ ઓછું થઈ જતું.
ઉનાળો પૂરો થવા આવે ત્યાં તો તળાવનું તળિયું દેખાવા માંડે.
તળાવમાં રહેતાં કાચબાભાઈએ વિચાર્યું કે દર વર્ષે ઉનાળાની ઋતુમાં તળાવમાં પાણી ઓછું થઈ જાય છે તેના માટે કંઈક કરવું જોઈએ.
કાચબાભાઈએ તેમના પત્ની કાચબીબેનને આ વિશે વાત કરી.
કાચબીબેનને એકદમ કંઈક સૂઝ્યું હોય તેમ કાચબાભાઈને કહ્યું, 'આપણે આ તળાવને ઊંડું કરીએ તો?'
કાચબાભાઈને તો કાચબીબેનની આ વાત ખૂબ ગમી ગઈ.
બીજા જ દિવસે કાચબીબેન અને કાચબાભાઈ તો તળાવને ઊંડું કરવાના કામમાં લાગી ગયાં.
કાચબાભાઈ અને કાચબીબેનને તળાવ ઊંડું કરતાં જોઈને બધાં પશુ-પંખીઓએ જંગલમાં એક સભા ભરી. સભાના પ્રમુખ હાથીભાઈએ જંગલના બધાં પ્રાણીઓને કહ્યું , 'આપણા જંગલમાં પીવાના પાણી માટે માત્ર એક જ તળાવ છે અને ઉનાળાની ઋતુમાં તો તળાવમાં પાણી ખૂબ ઓછું થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં આપણા જંગલનાં પશુ-પંખીઓને પાણી પીવા માટે ખૂબ દૂર સુધી જવું પડે છે. આપણા જંગલના તળાવમાં રહેતાં કાચબાભાઈ અને કાચબીબેન જાતે જ તળાવ ઊંડું કરવાના ભગીરથ કાર્યમાં લાગી ગયા છે. તળાવ ઊંડું થતાં ચોમાસામાં તળાવમાં વધારે પાણી ભરાશે જેથી ઉનાળાની ઋતુમાં પણ આપણને સૌને પીવાનું પાણી તળાવમાંથી જ મળી રહેશે.'
થોડું વિચારી સભાના પ્રમુખ હાથીભાઈ બોલ્યા, 'આપણે સૌએ પણ કાચબાભાઈ અને કાચબીબેનના આ યજ્ઞાકાર્યમાં જોડાવું જ જોઈએ. બોલો, તમારાં બધાનું શું કહેવું છે?'
બધાં પશુ-પંખીઓ એકસાથે બોલી ઉઠયાં, 'હા, હા. આપણે સૌએ પણ કાચબાભાઈ અને કાચબીબેનના આ ભગીરથ કાર્યમાં સાથ આપવો જ જોઈએ.'
બીજા જ દિવસે સૌ પશુ-પંખીઓ કાચબાભાઈની સાથે તળાવ ઊંડું કરવાના કાર્યમાં લાગી ગયાં. કાચબાભાઈ અને કાચબીબેન તો બધાંને જોઈને ખૂબ ખુશ થઈ ગયાં. જંગલના તમામ પશુ-પંખીઓની અથાક મહેનતથી થોડાં જ સમયમાં તળાવ ખાસ્સું ઊંડું થઈ ગયું.
ઉનાળો પૂરો થયો અને ચોમાસું આવ્યું ત્યારે વરસાદથી આખું તળાવ ભરાઈ ગયું.
બધાં પશુ-પંખીઓ તળાવના હિલોળાં લેતાં પાણીને જોઈને ખૂબ રાજી રાજી થઈ ગયાં.
ચોમાસું પૂરું થયા પછી શિયાળો અને ફરી પાછો ઉનાળો આવ્યો, પણ આ વખતે તળાવનું પાણી ઓછું થયું નહોતું. હજુ પણ તળાવમાં ખાસ્સું પાણી હતું. જંગલનાં પશુ-પંખીઓને પાણી પીવા માટે હવે દૂર જવું નહોતું પડતું.
જંગલના પ્રમુખ હાથીભાઈએ તમામ પશુ-પંખીઓની એક સભા બોલાવી અને કાચબાભાઈ અને કાચબીબેનના આ ઉમદાકાર્યની પ્રશંસા કરી અને તેમનું સન્માન કર્યું. સાથે જંગલના બધાં પશુ-પંખીઓનો પણ આ કાર્યમાં સહકાર આપવા બદલ આભાર માન્યો.
હાથીભાઈએ કહ્યું , 'જંગલની આવનારી પેઢી કાચબાભાઈ અને કાચબીબેનના આ ઉમદા અને પવિત્ર કાર્યનું મૂલ્ય સમજે તેથી આ તળાવ આજથી 'કાચબા તળાવ' તરીકે ઓળખાશે.'
હાથીભાઈની આ વાત સાંભળીને સૌ પશુ-પંખીઓએ તાલીઓના ગડગડાટ સાથે વાતને વધાવી લીધી. અત્યારે પણ આ જંગલમાં રહેલું આ તળાવ 'કાચબા તળાવ' તરીકે ઓળખાય છે. ઉનાળામાં પણ આ તળાવ સૂકાતું નથી. બધાં પશુ-પંખીઓ જ્યારે પણ આ તળાવમાં પાણી પીવાં જાય છે ત્યારે કાચબાભાઈ અને કાચબીબેનને અચૂક યાદ કરે છે.


