- પછી ખુલાસો કહતા કહે - 'સાંભળો ભક્તો. તમારું આ તુમ્બમ તુમ્બા તો આવે છે છેક છેલ્લે. શરૂઆત તો થાય છે ખેડમ ખેડાથી. ખેડમ ખેડા... ખેડમ ખેડા...'
ગામ લોકો બોલી ઊઠયા - ખેડમ ખેડા?
અમે વાર્તા સાંભળીશું, પણ અમારી એક શરત છે
એક શબ્દ આવડયો છે ને આટલું ઘમંડ કરો છો?
હરીશ નાયક
બે સગા ભાઈઓ. એક ભણેલો, બીજો ગણેલો.
ભણેલો ભાઈ પંડિત. ગામેગામ ફરે, કથા વાર્તા કહે, જ્ઞાનનું જીવન જીવે અને પોતાની જિંદગી વીતાવે.
બીજો ભાઈ ભણેલો નહિ પણ વ્યવહારૂ ભારે. જ્યાં ભણેલા ભીંત ભૂલે ત્યાં આ વ્યવહારૂ ભાઈ માર્ગ કરી બતાવે.
એક વખતની વાત છે. ભણેલા પંડિતજી કથા વાર્તા કરવા ઉપડયા - કથા સાંભળો, વાર્તા સાંભળો, એકાદશીની કથા, સોળ સોમવારની કથા, ભાગવતની કથા... નવરાત્રીની કથા, સત્યનારાયણની કથા... એ રીતે સાદ દેતાં તેઓ પહોંચ્યા રામપુર.
ખેડૂતોનું ગામ. લોકો ભારે ચાલાક અને ચબરાક.
પંડિતજી આવ્યા તો તેમને પ્રેમથી સત્કાર્યા - આવો પંડિતજી, આવો આવો, શું કરશો બોલો?
પંડિતજી કહે - 'અમે કથાવાર્તા કહીશું. અગમનિગમની વાર્તા કહીશું. બોધ અને જ્ઞાનની મહેફિલ જમાવીશું.'
ગામ લોકો કહે - 'ભલે પંડિતજી, અમે જરૂર કથાવાર્તા સાંભળીશું. પણ અમારી એક શરત છે.'
'શી શરત છે?'
'અમારા એક સવાલનો જવાબ તમારે આપવાનો. એ જવાબ આપો એટલે તમારી કથા શરૂ. અમે તમને ચોખા, દાળ, અનાજ, પૈસા બધું જ આપીએ. પણ જો તમે અમારા સવાલનો જવાન ન આપી શકો તો પછી તમારે પોથી મૂકીને ચાલતા થઈ જવાનું.'
પંડિતજીને તો પોતાના જ્ઞાન પર વિશ્વાસ હતો, ભણતર પર ભરોસો હતો. તેમને એમ કે આ ગામના લોકો પૂછી પૂછીને શું પૂછવાના છે? તેમણે તે કહી દીધું - 'પૂછો.'
ગામના લોકોએ એક જ સવાલ પૂછ્યો. સવાલ સાદો અને સરળ. તેમણે પૂછ્યું, 'કહો પંડિતજી, તુમ્બમ તુમ્બા એટલે શું?'
'તુ...તુ... તુમ્બમ?' પંડિતજીના મોઢામાંથી શબ્દ નીકળી ગયો.
ગામલોકો કહે - 'હા, તુમ્બમ તુમ્બા એટલે શું? જવાબ આપો.'
પંડિતજીને તો પરસેવો છૂટી ગયો. તે તો તુમ્બમ તુમ્બમ કરતા જ રહ્યા. તેમને જવાબ ન જડયો. પોતાની પોથી ત્યાં જ મુકીને તે તો ચાલતા થઈ ગયા. ગામના લોકો હસી રહ્યા.
આ બાજુ પંડિતજી દિવસ ને રાત તુમ્બમ તુમ્બમ કરે છે. અર્થ શોધે છે. તેમણે ઘણાં પુસ્તકો જોયાં, કાષો અવલોક્યા, ગ્રંથો ઘૂંટયા પણ તુમ્બમ તુમ્બાનો અર્થ ના જડયો. પંડિતજી બિચારા બાવરા બની ગયા. કોઈ પણ તેમને કંઈક સવાલ પૂછે તો જવાબમાં તેઓ બોલી ઉઠે - તુમ્બમ તુમ્બા.
નાના ભાઈને ખબર પડી. તેમણે પૂછ્યું - 'ભાઈ! આ બધું શું છે?'
પંડિતજીએ વાત કહી - ગામમાં જઈને પોથી હારી આવ્યો છું. તુમ્બ તુમ્બાનો અર્થ જડે તો જ પોથી મળે. નહિ તો તુમ્બમ તુમ્બા.
નાનો ભાઈ ગણેલો હતો. તે કહે - 'ઓહો! એટલી જ વાત છે ને? હું તમારી પોથી લાવી દઉં છું, બસ?'
તે તો ઉપડયો એ જ ગામમાં. લહેક લગાવી - કથા સાંભળો, વાર્તા સાંભળો, ગીતા સાંભળો, ભાગવત સાંભળો.
ગામ લોકો કહે - બધું સાંભળીએ પંડિતજી, પણ અમારી શરત છે.
'જણાવો શરત જ્ઞાનીઓ.'
'તુમ્બમ તુમ્બા નો અર્થ કહો. નહિ તો પોથી મૂકીને વિદાય થાવ. અગાઉ એક પંડિતજી તેમની પોથી મૂકી જ ગયા છે.'
આ નવા પંડિતજી તો હસ્યા. હસતા જ રહ્યા. તેઓ કહે - ઓહોહોહોહો, એટલી જ વાત છે ને? હું તો તમને જ્ઞાની સમજતો હતો પણ તમે તો ઘણાં અજ્ઞાની નીકળ્યા!
ચમક્યા ગામના લોકો. બોલી ઊઠયા - 'અજ્ઞાની? કોણ? અમે?'
પંડિતજી કહે - 'હા તમે. કેમકે એક શબ્દ આવડયો છે અને બધું આવડયાનો ઘમંડ કરો છો. પૂંછડૂ પકડો છો અને કહો છો કે મૂખડું પકડયું?'
પછી ખુલાસો કહતા કહે - 'સાંભળો ભક્તો. તમારું આ તુમ્બમ તુમ્બા તો આવે છે છેક છેલ્લે. શરૂઆત તો થાય છે ખેડમ ખેડાથી. ખેડમ ખેડા... ખેડમ ખેડા...'
ગામ લોકો બોલી ઊઠયા - ખેડમ ખેડા?
પંડિતજી કહે - 'ખેડમ ખેડા પછી આવે છે વાવમ વાવા... વાવમ વાવા...'
ગામલોકો ચમક્યા - વાવમ વાવા વળી શું?
પંડિતજી કહે - 'વાવમ વાવા પછી આવે છે ઉગમ ઉગા... ઉગમ ઉગા...'
ગામલોકો પાછા ઉછળ્યા - આ ઉગમ ઉગા શું?
પંડિતજી કહે - 'ઉગમ ઉગા પછી આવે છે લણમ લણા... લણમ લણા...'
ગામલોકો બધા બનેલા રહ્યા, પંડિતજી આગળ બોલતાં જ ગયા. તેઓ કહે - 'અને લણમ લણા પછી હવે આવે છે તમારું તુમ્બમ તુમ્બા...'
ગામલોકો કહે - અર્થ સમજાવો. એમ તુમ્બ તુમ્બ કરો તે નહિ ચાલે.
પંડિતજી કહે - 'તુમ્બમ તુમ્બ શાનું? પૂરો અર્થ જ કહીએ છીએ, સાંભળો. આપણે રહ્યા ખેડૂત. ખેતી કરવા પહેલા ંખેતર ખેડવું પડે. એટલે શરૂઆત થાય ખેડમ ખેડાથી, પછી બી વાવવા પડે એટલે વાવમ વાવા, પછી પાક ઉગે એટલે સઘળે થઈ રહે ઉગમ ઉગા. પાક ઉગ્યા પછી શરૂ થાય લણમ લણા.... અને પાક લણાઈ ને તૈયાર થાય ત્યાર પછી છેલ્લે તુમ્બડા ભરવાની વાત આવે. તુમ્બડાઓ ભરી ભરીને જે અનાજ ભરાય એનો અર્થ થાય તુમ્બમ તુમ્બા. માટે હવે એકલું તુમ્બમ તુમ્બા કરશો નહિ. આ પ્રમાણે બોલજો -
ખેડમ ખેડા
વાવમ વાવા
ઉગમ ઉગા
લણમ લણા
તુમ્બમ તુમ્બા...!'
ગામલોકોનું સમાધાન થઈ ગયું. તેમને લાગ્યું કે ખરે જ પંડિતજી જ્ઞાની છે.
ગણેલા આ ભાઈએ ગામલોકો પાસે ભણેલા ભાઈની પોથી પાછી મેળવી, તુમ્બમ તુમ્બા પણ મેળવ્યું અને ઘેર ઉપડયાં.


