સાચું વેકેશન .

- બધા હસી ઊઠયા. ડર મજામાં બદલાઈ ગયો. રમેશદાદાએ કહ્યું, 'જુઓ, કુદરતમાં બધાં જ મિત્રો છે, ફક્ત આપણે તેને સમજવું જોઈએ.'
- નિલેશ અંતાણી
ઉનાળાની ગરમી હતી પણ વંદન અને પ્રાંશીના દિલમાં તો ઠંડક જ ઠંડક હતી-કારણ કે શરૂ થવાનું હતું તેમનું મનપસંદ વેકેશન!
'પ્રાંશી! આ વખતે આપણે કંઈક અલગ કરવાનું છે,' વંદન ઉત્સાહથી બોલ્યો.
'હા! મમ્મી કહેતી હતી કે આપણે પહાડવાળા ગામમાં જવાના છીએ,' પ્રાંશીએ આંખોમાં ચમક સાથે કહ્યું.
થોડી જ વારમાં બધું તૈયાર થઈ ગયું. બેગ, ટોપી, પાણીની બોટલ-અને બંનેના દિલમાં ભરપૂર ઉત્સાહ! તેઓ મમ્મી-પપ્પા સાથે સુંદર પહાડવાળા ગામમાં પહોંચ્યા.
ગામ જાણે ચિત્ર જેવું લાગતું હતું. લીલા પહાડો, રંગબેરંગી ફૂલો અને ઠંડો પવન. પક્ષીઓના કલરવથી આખું વાતાવરણ જીવંત લાગતું હતું. બીજા દિવસે પપ્પાએ કહ્યું, 'આજે આપણે જંગલમાં એક ખાસ જગ્યાએ જઈશું.'
'જંગલ?!' પ્રાંશીએ થોડો ડર અને થોડા ઉત્સાહ સાથે પૂછયું. 'ડરવાની જરૂર નથી, આપણે સાથે જ છીએ,' મમ્મીએ હસીને કહ્યું.
જંગલમાં પ્રવેશતા જ એક અજાણી પણ મીઠી સુગંધ આવવા લાગી. થોડે આગળ જતાં તેઓને એક દાદા મળ્યા-રમેશદાદા. 'સ્વાગત છે બાળકો!' દાદાએ ખુશીથી કહ્યું, 'આજે આપણે કુદરતના રંગો સાથે રમવા જઈશું.'
વંદન અને પ્રાંશી ઉત્સાહિત થઈ ગયાં. પણ એટલામાં જ ઝાડીઓમાંથી 'ખખખ...' એવો અવાજ આવ્યો!
'ક... કોણ છે?' પ્રાંશીએ વંદનનો હાથ મજબૂતીથી પકડી લીધો. વંદન પણ થોડી ક્ષણ માટે ગભરાયો, પણ હિંમત કરીને બોલ્યો, 'કોઈ હશે... ચાલ, જોઈએ!'
જેમ જેમ તેઓ આગળ વધ્યા તો ત્યાંથી એક નાનકડો ખિસકોલિયો કૂદતો બહાર આવ્યો! 'અરે! આ તો ખિસકોલિયો છે!' પ્રાંશી હસી પડી. બધા હસી ઊઠયા. ડર મજામાં બદલાઈ ગયો. રમેશદાદાએ કહ્યું, 'જુઓ, કુદરતમાં બધાં જ મિત્રો છે, ફક્ત આપણે તેને સમજવું જોઈએ.'
હવે શરૂ થઈ મજાની પ્રવૃત્તિ! દાદાએ તેમને પાંદડાં, ફૂલો અને નાનાં ફળ એકત્ર કરવા કહ્યું. વંદન લીલાં પાંદડાં અને જાંબલી ફૂલો લઈને આવ્યો, જ્યારે પ્રાંશી પીળાં અને લાલ ફૂલો લઈને આવી.
'હવે આમાંથી રંગ બનાવીએ,' દાદાએ સમજાવ્યું. બંને બાળકો આશ્ચર્યથી જોઈ રહ્યાં. પાંદડાંને કચડતાં લીલો રંગ નીકળ્યો. ફૂલોમાંથી લાલ અને પીળો રંગ! 'વાહ! આ તો જાદુ છે!' વંદન બોલી ઊઠયો. 'આ જ કુદરતનો જાદુ છે,' દાદાએ હસીને કહ્યું.
અચાનક પવન જોરથી ફૂંકાયો અને પ્રાંશીનો કાગળ ઊડી ગયો! 'અરે! મારો કાગળ...!' પ્રાંશીએ ચીસ પાડી.
કાગળ ઝાડની નીચે અટકી ગયો હતો. વંદન તરત જ દોડયો પણ ત્યાં થોડો કાદવ હતો. 'હું લાવી દઉં!' વંદને હિંમત કરીને કાદવ પાર કર્યો અને કાગળ લઈ આવ્યો. 'વંદન! તું તો હીરો છે!' પ્રાંશી ખુશ થઈ ગઈ. બધાએ તાળી પાડી.
પછી બંને ભાઈ-બહેને પોતાના કુદરતી રંગોથી સુંદર ચિત્રો દોર્યાં. વંદને પહાડ અને નદી દોરી. પ્રાંશીએ રંગબેરંગી ફૂલોથી ભરેલો બગીચો.
સાંજે જ્યારે તેઓ ઘરે પરત આવ્યા ત્યારે મમ્મીએ પહેલો સવાલ એ કર્યો કે, 'બંને ભાઈ-બહેનનું આજનું સાહસ કેવું રહ્યું?' પ્રાંશીએ ઉત્સાહથી કહ્યું, 'મમ્મી! આજે અમે જંગલમાં ગયાં ત્યાં ખિસકોલિયો મળ્યો, અમે કુદરતી રંગોથી ચિત્રો દોર્યાં!' વંદન બોલ્યો, 'અને હું કાદવમાં જઈને કાગળ પણ બચાવી લાવ્યો!'
બધા હસી પડયા. વેકેશનના બાકીના દિવસોમાં પણ વંદન-પ્રાંશીએ ઘણી મજા કરી - નદી પાસે રમ્યા, નવા મિત્રો બનાવ્યા અને કુદરત સાથે સમય વિતાવ્યો. જ્યારે વેકેશન પૂરું થયું ત્યારે બંને ભાઈ-બહેને એકબીજાને ભેટીને કહ્યું, 'આ વેકેશન તો ખરેખર રંગીન હતું હોં!'
સાચ્ચે, નવા સ્થળે જઈને માત્ર મજા જ કરવી એમ નહીં, પણ નવી વસ્તુઓ શીખવી, ડરને હરાવવો અને કુદરત સાથે મિત્રતા કરવી - આ જ સાચું વેકેશન છે.









