Get The App

સાચુકલા મામા .

Updated: May 23rd, 2025

GS TEAM


Google News
Google News
સાચુકલા મામા                                                       . 1 - image


- બચ્ચાં જેમ જેમ મોટાં થતાં જતાં હતાં તેમ તેમ તેમને વધારે ભૂખ લાગવા માંડી. એટલે સસલાની સાથે સસલી પણ બચ્ચાં માટે ખોરાક શોધવા નીકળી પડતી. બચ્ચાંને દરમાં જ ભરાઈ રહેવા સમજાવતી.

- માલિની સી. શાસ્ત્રી

એક હતું જંગલ. 

તેમાં ઘણાં પશુપંખીઓ રહેતાં હતાં. આ જનાવરોમાં એક સસલો અને સસલી પણ ખરાં. 

તેમને ચાર નાનાં નાનાં બચ્ચાં હતાં. જાણે સફેદ રૂના ગોળા જ જોઇ લો. બચ્ચાં ધીમે ધીમે મોટાં થવા માંડયાં. તેમને દરની બહાર નીકળવું બહુ ગમે પણ સસલો સસલી નીકળવા ના દે. બચ્ચાંને સમજાવે કે જંગલમાં સિંહ, વાઘ, વરુ જેવાં હિંસક પ્રાણીઓ અને આકાશમાં હિંસક પક્ષીઓ જે જેવા કે બાજ, સમડી, ગીધ હોય છે જે નાનાં તમારા જેવાં બચ્ચાંને મારીને ખાઈ જાય.

આટલું સમજાવ્યા છતાંય એક દિવસ એક બચ્ચું છાનુંમાનું દરની બહાર નીકળી ગયું. તે તો આમ તેમ જોવા લાગ્યું. 

એટલામાં એક મોટી સમડી ઉડતી ઉડતી આવી. મોટી મોટી પાંખોની ઝપટ મારી તેના મજબૂત પગથી બચ્ચાને પકડીને આકાશે ઊડી ગઈ. 

તેની 'બચાવો... બચાવો...'ની તેની બૂમ સાંભળી સસલો સસલી દરની બહાર દોડી આવ્યાં. પણ....તેમણે જોયું કે સમડી બચ્ચાને લઇ ઊડી ગઈ' તી. 

રડતાં રડતાં તેઓ પાછા દરમાં આવ્યાં. બાકીનાં ત્રણેય બચ્ચાં આ જોઇને સિંયાવિંયા થઇ ગયાં.

રોજ બચ્ચાને ઘાસ અને ગાજર તો ખવડાવવાં પડે. તેથી સસલો દરની બહાર તે શોધવા નીકળી પડે. સસલી દરમાં રહીને બચ્ચાંને સાચવે અને તેમને ભણાવે. તે તો રોજ બચ્ચાંને જોડકણાં ગવડાવે. બચ્ચાંને બહુ મઝા પડે. 

એક દિવસ સસલીએ કહ્યું : 'ચાલો બચ્ચાં, આજે હાથીભાઈનું જોડકણું ગવડાવું.' 

બચ્ચાં કહે : 'હાથીભાઈ ! એ કોણ અને કેવા દેખાય? મા,મા, કહેને એ કેવા દેખાય ?' 

સસલી કહે સાંભળો :

'સૂપડાં જેવાં કાન, ખાય લીલાં પાન

ચારે પગે ચાલે, ચાલ એની થાંથી

હાથી ભાઈ હાથી.'

સસલીએ તો આ જોડકણું બે ત્રણ વાર ગાયું કે બચ્ચાંને તો યાદ રહી ગયું. બચ્ચાં તો રાજી થઇ નાચતાં જાય ને તાળી પાડતાં જોડકણું ગાતાં જાય. બચ્ચાં બોલ્યાં : 'મા, મા હવે બીજું જોડકણું શીખવાડને.  અમને બહુ મઝા આવે છે.' 

સસલી કહે  : 'તમને બહુ મઝા આવે છે ને! તો હવે હાથીભાઈનું બીજું જોડકણું સાંભળો : 

ધીમે ધીમે ચાલે છે, જાણે પહાડ ડોલે છે, વનમાં એનું ધામ છે, હાથી એનું નામ છે.'

બચ્ચાં તો રાજીના રેડ થઇ નાચતાં નાચતાં ગાવા લાગ્યાં. સસલી કહે: 'હવે ત્રીજું જોડકણું સાંભળવું છે?' 

બચ્ચાં તરત કહે: 'હા....'

સસલી કહે: 'તો સાંભળો...

લાંબી લાંબી સૂંઢ છે

ટૂંકી ટૂંકી પૂંછ છે.

ઝીણી ઝીણી આંખ છે

મોટા મોટા કાન છે

એ તે કોણ

હાથીભાઈ, હાથીભાઈ.'

બચ્ચાં તો નાચી કૂદીને થાકી ગયાં. એટલે સસલીએ તેમને સુવાડી દીધાં. 

બચ્ચાં ધીમે ધીમે મોટાં થતાં ગયાં. ક્યારેક તેઓ જોતાં કે એમનાં મમ્મી-પપ્પા સમડીનો શિકાર બની ગયેલા તેમના ભાઈને યાદ કરીને રડતાં હોય છે. તેમને રડતાં જોઈને બચ્ચાં ઉદાસ થઈ જતાં, પણ પછી પાછાં રમતગમતમાં વ્યસ્ત થઈ જતાં. 

બચ્ચાં જેમ જેમ મોટાં થતાં જતાં હતાં તેમ તેમ તેમને વધારે ભૂખ લાગવા માંડી. એટલે સસલાની સાથે સસલી પણ બચ્ચાં માટે ખોરાક શોધવા નીકળી પડતી. બચ્ચાંને દરમાં જ ભરાઈ રહેવા સમજાવતી. સમડીવાળો દાખલો આપી તેમને દરમાં જ રમવા ને જોડકણાં ગાવા સમજાવતી. ત્યાં ઉનાળો આવ્યો. દરમાં ખૂબ ગરમી લાગતી હતી. ત્રણેય બચ્ચાં પરસેવે રેબઝેબ થઇ જતાં હતાં. એક દિવસ દરમાં ગરમીથી તેઓ ખૂબ અકળાઈ ગયાં. થોડી હવા ખાવા ત્રણેય દરની બહાર નીકળ્યાં. અહાહાહા...ઠંડો પવન. ત્રણેય રાજી થઇ ગયાં. જંગલમાં આગળ આગળ નીકળી ગયાં. ત્યાં તો દૂરથી હાથીભાઈને પોતાની તરફ આવતા જોયા. એક બચ્ચું બોલ્યું : 'જુઓ, જુઓ આ સામેથી કોણ આવે છે!'

બીજું બચ્ચું બોલ્યું : 'જુઓ, જુઓ તેને તો સૂપડાં જેવા કાન છે.'

ત્રીજું બચ્ચું બોલ્યું : 'એ તો ઝાડનાં લીલાં લીલાં પાન ખાય છે. ધીમે ધીમે ચાલે છે. આ તો નક્કી હાથીભાઈ લાગે છે! ચાલો, આપણે પેલું જોડકણું ગાઈએ.' 

આમ કહીને ત્રણેય બચ્ચાં એક સાથે ગાવા લાગ્યાં:

'સૂપડાં જેવાં કાન

ખાય લીલાં પાન

ચારે પગે ચાલે

ચાલ એની થાંથી

હાથી ભાઈ હાથી...'

હાથીભાઈ પાસે આવ્યાં. બચ્ચાંએ ગાયેલું જોડકણું તેમણે સાંભળ્યું. એ તો રાજી રાજી થઇ ગયા. તેમણે બચ્ચાંને કહ્યું : 'અરે તમે દરની બહાર કેમ નીકળ્યા છો? તમારાં મમ્મી-પપ્પા ક્યાં ગયાં?હમણાં પેલો વાઘમામો આવશે તો તમારો કોળિયો કરી નાખશે. અરે, તમને મારી નાખશે. જાવ, જતાં રહો તમારા દરમાં... જલદી, જલદી જાવ.'

બચ્ચાં ગભરાઈ ગયાં, રડવા લાગ્યાં. પછી બોલ્યાં:

'આ વાઘમામો કોણ છે ?' 

હાથીભાઈએ કહ્યું : 'સાંભળો...

વાઘમામા જાડા પાડા

ડિલે એમના કાળા પટ્ટા

મોંમાં તીણા દાંત છે

ને પગમાં તીણા નહોર છે 

ઘુરરર ઘુરરર કરતા જાય

નાનાં પ્રાણી ખાતા જાય...'

'હેં...હવે શું થશે ? ચાલો, આપણા દરમાં જતા રહીએ.' એક બચ્ચું બોલ્યું.

એટલાંમાં તો વાઘનો મોટો ઘુરકાટ સંભળાયો. હાથીભાઈ બોલ્યા : 'અરે, વાઘમામો આવી લાગ્યો છે. ચાલો ચાલો, આ મારી લાંબી સૂંઢ પકડીને ઊપર ચઢી જાવ, ને મારી ઉપર બેસી જાવ. ચાલો, જલદી કરો...' 

આમ કહી હાથીભાઈએ પોતાની લાંબી સૂંઢ બચ્ચાં તરફ લંબાવી. ત્રણેય બચ્ચાં સૂંઢ પકડી ઉપર ચઢી ગયાં. થોડીવારમાં વાઘમામો હાથી પાસેથી પસાર થઇ ગાઢ જંગલમાં જતો રહ્યો. બચ્ચાં બચી ગયાં.

'ચાલો, તમને તમારા દર પાસે ઉતારી દઉં,' હાથીભાઈ બોલ્યાં. 

હાથીભાઈ ચાલતા ચાલતા દર પાસે આવ્યા. ત્યાં જોયું તો સસલો ને સસલી 'અમારાં બચ્ચાં... અમારાં બચ્ચાં ક્યાં ગયાં...' બોલી બોલીને રડતાં'તાં. હાથીભાઈ નજીક આવી બોલ્યાં : 'રડો નહીં. લ્યો, તમારાં બચ્ચાં સંભાળો.' 

ત્રણે બચ્ચાં દોડીને સસલીને વળગી પડયાં. બચ્ચાં બોલ્યાં : 'હાથીભાઈ, તમે અમને વાઘમામાથી બચાવ્યા. આજે તમે ના હોત તો...' સસલી બોલી : ''વાઘમામો તમને ખાઈ ગયો હોત. આ હાથીભાઈ જ તો તમારા સાચુકલા મામા છે.' બચ્ચાં બોલી ઊઠયાં : 'હાથીમામા, થેન્ક્યુ, થેન્ક્યુ. અમારા પાયલાગણ.' 

Tags :