Magazines

સાચો સરદાર .

By GS TEAM
12 Jun 20264 mins read
સાચો સરદાર                                                .

- વાસુદેવ સોઢા

નાનકડું એક ગામ. એનું નામ લૂંઘિયા. ઉનાળાની રજાઓ ચાલતી હતી. ગામના છ-સાત મિત્રો રોજ મસ્તી કરે, દોડધામ કરે, અને નવા-નવા પ્લાન બનાવે.

આ ટોળીમાં હતો એક છોકરો. નામ એનું રાહુલ. સ્વભાવે ઘમંડી, ગમે ત્યાં  'હું જ લીડર!'એવું માને. પિંકી કાબર જેવી બોલબોલ કરતી છોકરી. આ ટોળીમાં  બીજા પણ હતા. એક જીગો હતો. એ તો હંમેશાં હસતો, બધાને હસાવતો. એક કિરણ હતો.આમ  બહાદુર, પણ ક્યારેક બૂમ પડે તો ડરી જાય એવો. મનીષ ખૂબ ખાઉધરો... અને એક છોકરો શાંત, બહુ શાંત. એ  હતો મીત. મીત ખૂબ સંસ્કારી, નમ્ર અને નોખી રીતે વર્તન કરનારો.

બધા કહે, 'મીત તો બસ  બંધ  ટીવી જેવો! ન બોલે, ન હસે!'

રાહુલ તો એને ચીડવતો-

'ખરો સરદાર તો હું! મીત તો સૌની પાછળ પાછળ ચાલનાર!'

એક દિવસ ટોળીની મિટીંગ બોલાવવામાં આવી.

 જીગો બોલ્યો-  'આજે એક ધમાકેદાર પ્લાન કરીએ!'

પિંકીએ કહ્યું- 'ચાલો ગામની બહાર આવેલા નાના જંગલ સુધી ફરીએ!'

બધાં સહમત થયાં. રાહુલ છાતી ફુલાવીને બોલ્યો- 'હું લીડર! બધાં મારી પાછળ!'

  મીત ચૂપચાપ સ્મિત કરતો રહ્યો. એની પાસે જંગલ વિશે ઘણું જ્ઞાન હતું, કારણ કે એમના પપ્પા જંગલ ખાતામાં કામ કરતા હતા.

 પણ મીત કશું ન બોલે?

  ટોળકી ચાલી. રાહુલે  પોતાની સાથે વ્હીસલ લીધી.  વ્હીસલ વગાડતાં વગાડતાં તેઓ ગામની બહાર નીકળ્યાં. પિંકી બધા માટે પાણીની બોટલ લાવી હતી. મનીષે પોતાની બેગમાં બિસ્કિટના પેકેટ ભર્યા હતા. મીતે શાંતિથી બધું જોયું અને મનમાં બોલ્યો- 'હવે આટલા નાના જંગલમાં કંઈ નહીં થાય.પણ સાવચેત તો રહેવું જોઈએ.'

 જંગલમાં  ઠંડી હવા, પાંદડાની સુગંધ, અને પંખીઓનો કલરવ આ બધું બાળકો ગમ્યું.ૅ

   કિરણ બોલ્યો- 'અરે! મને તો આવી હવા ગમે છે!'

જીગો બોલ્યો- ' મને આ ઝાડમાં છુપાઈને ભયંકર અવાજ કરવા ગમે છે!'

એણે  મોટેથી 'હુ...ઉ...ઉ...ઉ...'અવાજ કર્યો.  પિંકી ચીસ પાડી ઉઠી. બધા હસી પડયા. 

સૌ થોડું આગળ વધ્યાં. રાહુલની વ્હીસલ વાગતી રહેતી હતી. ધીમે ધીમે સૌ જંગલની અંદર ઊંડાણ તરફ જવા લાગ્યાં.

રાહુલ ઉત્સાહમાં આગળ આગળ દોડતો હતો, બાકી સૌ પાછળ પાછળ.

અચાનક પિંકી અટકી ગઈ.

'અરે, આ રસ્તો તો કંઈક જુદો જ લાગે છે...' 

કિરણ બોલ્યો- 'હા... આપણે ક્યાંક ભટકી ગયા લાગીએ છીએ...' 

રાહુલને પણ થોડી શંકા ગઈ, પણ એ સરદારી છોડે? એ તો કહે- 'લીડર હું! હું કહું ત્યાંથી ચાલો!'

બધાં આગળ વધ્યા.બે રસ્તા આવ્યા.એક રસ્તો પસંદ કર્યો રાહુલે. ચાલતાં એક જગ્યાએ પહોંચ્યાં. જંગલ થોડું ગાઢ થઇ ગયું હતું.

ફરી પાછો એક રસ્તો ડાબે જતો હતો. બીજો રસ્તો ખુલ્લો જમણી બાજુ વળતો હતો. તેના પર ખૂબ બધું ઘાસ અને સહેજ અંધારું હતું.

તે સમયે પવન સુ... સુ... કરીને વહેતો હતો. પિંકીનો હાથ કંપવા લાગ્યો. મીત બધાની ચિંતા જોતો હતો. રાહુલ બોલ્યો -  'આપણે જમણી તરફના રસ્તેથી જઈએ! મને સાહસ ગમે. તમને કેમ લાગે છે?'

બધાં ચિંતિત થયા, પણ કહ્યું તો લીડરે જ. જમણા રસ્તેથી બધાં આગળ વધ્યાં. દસબાર પગલાં જ લીધાં હશે, ત્યાં અચાનક જીગો ઠપ્પ્પ્પ્પ કરતો થંભી ગયો.

'ઓય!એ શું છે આગળ!?'

ઘાસની વચ્ચે વિશાળ, ચમકતી, કાબરચીતરી  ચામડી ધીમે ધીમે હલી રહી હતી! એ હતો ધીમેધીમે શ્વાસ લઈ રહેલો એક અજગર!

પિંકી  રડી પડી. 'મમ્મી... મમ્મી!'

જીગાએ ચહેરો ઢાંકી દીધો. કિરણનું હૃદય ધડાક,ધક... ધડાક, ધક..! મનીષનું બિસ્કિટ હાથમાંથી પડી ગયું... અને લીડર રાહુલની  તો આંખો ભયથી ફાટી રહી. હવે શું કરવું? બધાએ એકબીજાને જોયું. કોઈ પાસે જવાબ નહોતો. ત્યાં મીત આગળ આવ્યો અને શાંતિથી બોલ્યો - 

'કોઈ ડરશો નહીં. અજગર આ રીતે સૂતો હોય ત્યારે હુમલો નથી કરતો. એને ખલેલ ન પહોંચાડીએ. બીજો રસ્તો જોઈએ, નહીં તો એની પાસેથી ચૂપચાપ નીકળી જઈએ. અથવા અહીંથી પાછા વળીએ...'

બધાં આશ્ચર્યપૂર્વક મીતને જોઈ રહ્યાં. મીતે ઝાડમાંથી થોડાં સૂકાં પાન લઈ પથ્થર પર મુકી હળવેથી ઘા કર્યો. પાન પડયા ને અજગરનું ધ્યાન એ તરફ ગયું. એણે માથું થોડીક ઊચક્યું અને પાંદડા તરફ સરક્યો. મીતે ઇશારો કર્યો. 

'બધા જ લોકો શાંતિથી ડાબી બાજુનો માર્ગ ધીમે ધીમે પકડો. સહેજ પણ અવાજ ન કરતા...' 

બધાં મીતના સંકેત મુજબ ચાલવા લાગ્યાં.

દરેક પગલું તેમના હૃદયના ધબકારા વધારતું હતું. અજગરને કદાચ ખબર પણ ન પડી કે આસપાસ માણસો છે. 

મીતે કહ્યું એ મુજબ બધી ટોળી સલામત અંતરે પહોંચી ગઈ. બધાંએ નિરાંતનો શ્વાસ લીધો.

રાહુલ તો તાબડતોબ પાણીની બોટલમાંથી ઘૂંટડા ભરવા  માંડયો. એ ડરી ગયો હતો.

પિંકીએ મીતને કહ્યું-

'તારા વગર તો અમે તો આ જંગલમાંથી ક્યારેય ન નીકળી શકત!'

જીગો હસતાં હસતાં બોલ્યો-

'મીત, તું તો અમારો હીરો!'

 રાહુલ શરમાતો મીત પાસે આવ્યો. પછી ધીમેથી બોલ્યો-

'મીત, હું લીડર બનતા તો બની ગયો હતો, પણ આજે તો તું જ અમારો સાચો સરદાર નીકળ્યો.'

મીત મલક્યો. 'લીડર એ નથી જે બૂમાબૂમ કરે. લીડર એ છે જે મુશ્કેલીમાં શાંતિ રાખીને બધાનું ભલું કરે.' બધાંએ એક સાથે કહ્યું-

'હા! સાચો સરદાર તો મીત જ!'

બાળકો હસતાં, ગીત ગાતાં ગામ તરફ આગળ વધ્યાં...અને એ દિવસથી કોઈ મીતની મશ્કરી કરતું નથી. બધાં એને 'મીત સરદાર,સાચો સરદાર' કહીને બોલાવે છે...