- ભારતી ભંડેરી 'અંશુ'
- 'અરે, હોતું હોય ઘેટાભાઈ! તમે તો મારા દોસ્ત છો. હું તમને થોડો ચાંચ મારું? હું તો ગીત ગાઈને થાક્યો એટલે મારી ચાંચને સજાવું છું.'
એક નાનું ગામ હતું. ગામની બાજુમાં નાનકડી નદી વહેતી હતી. નદીના સામે કાંઠે નાનું એવું જંગલ હતું. ત્યાં લીલુંછમ ઘાસ ઊગ્યું હતું. જંગલમાં ઝાડી ઝાંખરાં અને વિવિધ પ્રકારનાં ઝાડ પણ હતાં.
એક મોટાં ઝાડની નીચે બખોલમાં એક સસલુ અને એક શાહુડી પણ રહેતાં હતાં. ધોળું ધોળું, રૂના પોલ જેવું સસલું અને લાંબા લાંબા અણીદાર કાંટા ધરાવતી શાહુડી. બંને મિત્ર હતાં. આ ઝાડની ઉપર જ એક કાગડો પણ રહેતો હતો. તે પોતાની જાતને ખૂબ ચતુર સમજતો હતો. આથી તે અભિમાનમાં સૌને ચાંચ મારી મારીને પરેશાન કરતો. બીજાને ચીડવવાની તેને બહુ મજા આવે. તેના આવા ખરાબ સ્વભાવને લીધે કોઈ તેની સાથે દોસ્તી રાખે નહીં. આથી એકલો અટૂલો બધે ઉડયા કરે અને બીજાને હેરાન કરીને આનંદ મેળવે.
આજે એક ઘેટું નદી કાંઠે ઊગેલું લીલું લીલું તાજું ઘાસ જોઈ ત્યાં ચરવા આવ્યું. તેને ઘેટાંનાં ટોળાંમાં ગમે નહીં. આથી તે પોતાના સાથીદારોથી અલગ થઈ એકલું એકલું ફરતું અહીં આવી પહોંચ્યું હતું.
સસલાએ આ ઘેટાને જોયું. તે તો ભાગતું, કૂદતું કૂણું કૂણું ઘાસ ખાતું ઘેટાભાઈ પાસે પહોંચી ગયું.
ઘેટાભાઈ તો ભારે શરમાળ. ના આડંુઅવળું જુએ કે ના ઊંચું જુએ! સસલાને તો બોલ્યા વગર ચાલે નહીં. તે તો ઘેટાભાઈને કહેઃ
'ઘેટાભાઈ, ઘેટાભાઈ... આમ એકલા એકલા કેમ ચરો છો? તમારાં સાથી ક્યાં ગયાં?'
'અમારું ટોળું તો નદીની સામે કાંઠે ચરે છે. મને તો એક જગ્યાએ ચરવું ના ગમે. નવું નવું જોવું ગમે. મેં અહીંયા લીલું લીલું ઘાસ જોયું એટલે હું અહીં આવી ગયું.'
સસલું કહે, 'વાત તો તમારી સાચી છે. નવું નવું જોવું કોને ના ગમે? પરંતુ આ જંગલ છે એકલા ફરવામાં જોખમ છે તે ભૂલી ના જતા, ઘેટાભાઈ. મારી દોસ્ત શાહુડી પણ અહીં જ રહે છે. તમે અમારી સાથે દોસ્તી કરશો?'
ઘેટાભાઈ તો રાજી થતા બોલ્યા, 'હા, હા કેમ નહીં? એકથી બે ભલા અને બેથી ભલા ત્રણ.'
પછી તો બંને અલકમલકની વાતો કરે. સાથે સાથે જ હરે, ફરે અને ચરે. નદીએ પાણી પીવે ત્યારે શાહુડીબેનને પણ મળે.
ઝાડ ઉપર એકલા રહેતા કાગડાને આ સસલા, શાહુડી અને ઘેટાની દોસ્તી જોઈ ઈર્ષા આવે. તે સસલાને હેરાન કરવા જાય, પણ સસલું તો ભારે ચપળ. એ તો ફટ દઈને કૂદતું ભાગીને ઝાડી ઝાંખરાંમાં છુપાઈ જાય. કાગડો શાહુડીના ભાલા જેવા કાંટા જોઈને જ તેને હેરાન કરવાનું નામ ના લે. હવે રહ્યાં ઘેટાભાઈ. એ પાછા સાવ ભોળા.
ઘેટાભાઈ જેવા એકલા પડયાં કે કાગડો ઉડતો ઉડતો ઘેટાભાઈ પાસે પહોંચી ગયો.
'ઘેટાભાઈ, ઘેટાભાઈ... તમે આમ એકલા કેમ ચરો છો? મારી સાથે દોસ્તી કરશો?'
ઘેટાભાઈ તો સાવ ભોળા. તે તો કાગડાનો સ્વભાવ પણ જાણતા નહોતા એટલે એ તો રાજી થતા કહેઃ
'હા, હા કેમ નહીં? એકથી બે ભલા.'
આ સાંભળી કાગડો કહેઃ
'ઘેટાભાઈ, હું તમારી ઉપર બેસી જાઉં? તમે નિરાંતે ઘાસ ચરજો. હું તમને ગીતો સંભળાવીશ એટલે તમને એકલું પણ નહીં લાગે.'
ઘેટાભાઈ કહે, 'એમાં શું પૂછવાનું, કાગડાભાઈ? બેસોને તમે નિરાંતે. હવે તો તમે મારાં દોસ્ત પણ છો.'
'પણ ઘેટાભાઈ, તમને મારો ભાર તો નહીં લાગે ને?' કાગડાએ નમ્રતાથી પૂછયું.
ભોળું ઘેટું તો કાગડાભાઈની મીઠી વાણીમાં ભોળવાઈ ગયું. કહેઃ
'કાગડાભાઈ, તમે તો હલકા ફુલકા. તમારો ભાર વળી શું લાગવાનો?'
કાગડાભાઈને તો આટલું જ જોઈતું હતું. તે તો ટપ કરતાં ઘેટાભાઈ ઉપર બેસી ગયા. પછી તેના કર્કશ અવાજમાં મોટે મોટેથી ક્રા... ક્રા... કરીને ગાવા લાગ્યા. ઘેટાભાઈ તો તેનો અવાજ સાંભળી ત્રાસી ગયા. થોડીવાર પછી તો કાગડાએ તેનો સ્વભાવ બતાવ્યો. તે ઘેટાભાઈને ચાંચ મારવા લાગ્યો.
ઘેટાએ ગભરાઈને કહ્યુંઃ'અરે, અરે કાગડાભાઈ! તમે મને ચાંચ કેમ મારો છો?'
'અરે, હોતું હોય ઘેટાભાઈ! તમે તો મારા દોસ્ત છો. હું તમને થોડો ચાંચ મારું? હું તો ગીત ગાઈને થાક્યો એટલે મારી ચાંચને સજાવું છું.'
આમ કહી તે તો ફરી પાછો ઘેટાભાઈને ચાંચ મારવા લાગ્યો. ઘેટાભાઈ મનમાં સમસમી ગયા. તે કાગડાની દાનત જાણી ગયા. પણ હવે કરે શું? આખરે કંટાળીને ઘેટાએ કહ્યુંઃ
'કાગડાભાઈ, તમે મને પરેશાન કરો છો પણ જો તમે ડાઘિયા કુતરાને ચાંચ મારો તો તમને ખબર પડે.'
આ સાંભળી કાગડો હસતો હસતો કહેઃ
'હું કંઈ મુરખો થોડો છું! સૌ મને કંઈ અમથા શાણો કહેતા હશે!'
હું ચતુર પક્ષી કહેવાતો,
ના કોઈથી ભોળવાતો.
સબળા, નબળાને પારખું,
પછી જ તેને પજવતો.'
કાગડો તો આમ ગાતો ગાતો ઘેટાભાઈને ચાંચ મારીને ઉડી ગયો.
વળી પાછો ઉડતો ઉડતો ગાતો જાયઃ
'કહો છો કાણો, પણ છું શાણો,
હું બોલું તો ઘરે આવે પરોણો.
મારું નામ છે ચતુર કાગડો,
આ વાત તમે પણ જાણો.'
ઘેટાભાઈને આ સાંભળીને ખૂબ ગુસ્સો આવ્યો. તે બોલ્યાંઃ 'ચતુર શેનો? કપટી છો, કપટી.'
આ જોઈને સસલાને તો ઘેટાની દયા આવી ગઈ તેણે કહ્યુંઃ
'ઘેટાભાઈ, ઘેટાભાઈ. આ કાગડો ખૂબ ચતુર છે. તમે શા માટે તેનો સામનો કરતા નથી?'
ઘેટું તો રડી પડયું.
'દોસ્ત, તું સાચું જ કહેતો હતો. મારે મારા સાથીઓ સાથે જ રહેવાની જરૂર હતી. બધાનાં સાથમાં જ સલામતી છે. હું શું કરું? મારી પાસે નથી તારા જેવી ચપળતા કે નથી શાહુડીબેન જેવા કાંટા. મેં આ કપટી કાગડા સાથે દોસ્તી કરીને મોટી ભૂલ કરી.'
સસલુ કહેઃ'ઘેટાભાઈ, આમ ઢીલા રહેશો તો બધાં પજવશે. ચાલો, આપણે શાહુડીબેન પાસે જઈએ. એ કંઈક ઉપાય જરૂર કરશે.'
બંને શાહુડી પાસે આવ્યાં અને બધી વાત કરી.
શાહુડીએ કહ્યુંઃ 'આ કપટી કાગડાને હવે બરાબરનો પાઠ ભણાવવો જ પડશે. ઘેટાભાઈ, તમે ચિંતા ના કરો.'
આમ કહી શાહુડીએ તેના કાંટા જેવા અણીદાર પીંછાં ખેરવ્યાં. સસલાએ આ બધા કાંટા ઘેટાભાઈનાં શરીર ઉપર રહેલા ઊનનાં ગુચ્છાઓમાં છુપાવી દીધા.
બીજા દિવસે ઘેટાભાઈ પોતાની મસ્તીમાં ઘાસ ચરવા લાગ્યાં. કાગડો ઉડતો ઉડતો આવીને જેવો તેની ઉપર બેસવા ગયો કે જોરદાર કાંટો ભોંકાયો. દર્દનો માર્યો તે ક્રા... ક્રા... કરતો ઉડી ગયો. આ જોઈ ત્રણેય હસી પડયાં અને ગાવાં લાગ્યાંઃ
'જો સંપીને કરીએ કામ,
તો દુશ્મન ના લે નામ.
સાચા મિત્ર ઓળખીએ,
કપટીને તો દૂરથી સલામ.'
ઘેટાભાઈએ સસલા અને શાહુડીબેનનો આભાર માન્યો.
કાગડાભાઈ ચતુર તો હતા જ. તે સસલા, શાહુડી અને ઘેટાભાઈની આ ચાલ સમજી ગયા. તેણે ઘેટાની દોસ્તી પણ ગુમાવી. તે પાછા એકલા પડી ગયા. તેને હવે ખૂબ પસ્તાવો થયો. તેને તેની ભૂલ સમજાઈ ગઈ હોય તેમ મનમાં જ બોલ્યાઃ
'મિત્ર હોય તો ઘેટાં, શાહુડી અને સસલા જેવા...'


