Get The App

સાચી હિંમત .

Updated: Jan 19th, 2024

GS TEAM

Google News
Google News
સાચી હિંમત                                                       . 1 - image


- 'બેટા, ઝાડ પર ચઢવું, ઊંચી પાળી પરથી કૂદકા મારવા નાનાં બાળકો માટે જોખમકારક છે. ધ્યાન ન રાખો તો હાડકાં ભાંગી જાય. સાચી હિંમત તો લક્ષ્મીબાઈએ બતાવી. અંગ્રેજેના અન્યાય સામે લડી એ સાચી હિંમત કહેવાય. જે કોઇ વ્યક્તિ ખોટું કામ કરતો હોય ત્યારે તેને રોકવાને બદલે ડરીને ચૂપ રહેવું તેને ડરપોક કહેવાય.'

- ભારતી પી. શાહ

સં ધ્યા ઢળી. ભુવન ભાસ્કરના તેજસ્વી કિરણો ધીરે ધીરે અસ્ત થવા લાગ્યા. પંખીઓ કલરવ સાથે પોતાના માળા ભણી પ્રયાણ કરવા લાગ્યાં. બગીચામાં બાળકોની ચહલપહલ વધી ગઈ. નાનાં ભૂલકાઓ ખુશ થતાં થતાં હીંચકા, લપસણી વગેરે પર રમવા લાગ્યાં. બગીચામાં રમવા માટે દિયા, ત્રિશા, રિદાન, મિહાન અને મોક્ષા આવી પહોંચ્યા. મોક્ષાએ જેયું કે દૂર એક બાંકડા પર કનિષ્કા ચૂપચાપ બેઠી હતી. મોક્ષાએ કનિષ્કાને રમવા માટે બોલાવી તો તે ના આવી. બધાં બાળકો તો રમવામાં મશગુલ બની ગયાં. ધીરે ધીરે અંધારું થવા લાગ્યું એટલે બાળકોને લેવા માટે રૂપલબેન અને સોનલબેન બગીચામાં આવી ગયાં. દિયા દોડતી દોડતી આવી બોલી, 'જુઓને આન્ટી, અમે બધા ખૂબ રમ્યાં. ખૂબ મઝા કરી, પણ કનિષ્કા અમારી જેડે રમતી જ નથી.' સોનલબેન ને રૂપલબેને જેયું કે દૂર બાંકડા પર કનિષ્કા ચૂપચાપ બેસી રહી હતી. 

રૂપલબેન અને સોનલબેન બન્ને ત્યાં પહોંચી ગયાં. રૂપલબેને કનિષ્કાના માથે હાથ ફેરવીને પૂછ્યું, 'કનિષ્કા, તારી તબિયત ઠીક નથી? તું કેમ રમતી નથી?'

કનિષ્કા થોડીવાર ચૂપ રહી, પછી બોલી 'આન્ટી, આજે અમારા ટીચર દર્શનાબેને અમને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની વાર્તા કહી. તેમણે કહ્યું કે લક્ષ્મીબાઈ ખૂબ બહાદૂર અને હિંમતવાળી હતી. તે અંગ્રેજેથી પણ ડરતી નહીં અને હિંમતપૂર્વક મુકાબલો કરતી હતી.'

'તદ્દન સાચી વાત. બાળકોએ પણ તેમના જેવા હિંમતવાળાં બનવું જેઇએ.' સોનલબેને કહ્યું.

'અમારા વર્ગમાં કેટલીક છોકરીઓ રિસેસમાં રમતના મેદાનમાં ઊંચા ઝાડ પર ચઢી જાય, ઊંચી પાળી પરથી કૂદકા મારે છે. હું આવું નથી કરતી તો તેઓ મને ડરપોક કહે છે. વળી, આજે ઝાંસીની રાણીની વાર્તા સાંભળ્યા પછી મને ડરપોક, નાહિંમત એવું કહીને ચીડવે છે, તેથી મને દુ:ખ થાય છે, એટલે આજે મને રમવાનું મન ના થયું.'

'કનિષ્કા, તું છે ને, આ બધી વાત તારી મમ્મીને કહી દેજે. તારી મમ્મી ટીચરને મળીને ફરિયાદ કરશે. ટીચર જરૂર તેમને વઢશે.' ત્રિશાએ કહ્યું, પછી રૂપલબેન અને સોનલબેન બાળકોને લઇને ઘર તરફ વળ્યાં. 

કનિષ્કાએ તે દિવસે ઘરે જઇને મમ્મીને કશું ના કહ્યું. કનિષ્કા જ્ઞાાનશાળા પણ જતી હતી.

બીજ દિવસે સવારે કનિષ્કા શાળામાં રજ હોવાથી જ્ઞાાનશાળામાં ધર્મનું શિક્ષણ મેળવવા પહોંચી ગઈ. જ્ઞાાનશાળાના શિક્ષિકા જ્યોતિબેને બાળકોને મહાવીર ભગવાનની વાર્તા કહી. જ્યોતિબેને કહ્યું, 'નાનપણમાં મહાવીર સ્વામીએ અંગુઠા વડે મેરૂ પર્વતને હલાવ્યો હતો. વળી, આંબલી-પીપળીની રમતમાં દેવતાને પણ હરાવી દીધા હતા એટલે દેવતાઓએ તેમનું નામ 'મહાવીર' પાડયું હતું. આમ મહાવીર સ્વામી ખૂબ હિંમતવાળા અને બહાદુર હતા.'

જ્ઞાાનશાળા પૂરી થઇ. કનિષ્કા ઘરે આવી. તેના મનમાં લક્ષ્મીબાઈ અને મહાવીર સ્વામીની વાર્તા ઘુમતી હતી. તેની મમ્મી સેજલબેન બધું કામ પરવારીને બેઠાં હતાં. ત્યારે કનિષ્કાએ માતાને શાળાની આખી ઘટના અને જ્ઞાાનશાળામાં જણેલી મહાવીર સ્વામીની વાત કરી. એટલામાં ત્રિશા અને બિજલબેન આવી પહોંચ્યાં અને ત્રિશાએ પણ કનિષ્કાની વાતમાં સાથ પુરાવ્યો.

સેજલબેને કહ્યું, 'બેટા, ઝાડ પર ચઢવું, ઊંચી પાળી પરથી કૂદકા મારવા નાના બાળકો માટે જોખમકારક છે, ધ્યાન ન રાખો તો હાડકાં ભાંગી જાય. સાચી હિંમત તો લક્ષ્મીબાઈએ બતાવી. અંગ્રેજેના અન્યાય સામે લડી એ સાચી હિંમત કહેવાય. જે કોઇ વ્યક્તિ ખોટું કામ કરતો હોય ત્યારે તેને રોકવાને બદલે ડરીને ચૂપ રહેવું તેને ડરપોક કહેવાય.' 

સેજલબેને સમજવટપૂર્વક ઉમેર્યું, 'મહાવીર સ્વામીએ રાજમહેલનું વૈભવી જીવન છોડીને વનમાં જઇને તપસ્યા કરી, કેવળજ્ઞાાન પ્રાપ્ત કર્યું અને લોકોને ધર્મના પંથે વાળ્યા તે હિંમતનું કામ છે. બેટા, હિંમતના અનેક પ્રકાર છે. ગાંધીબાપુ પાસે માત્ર બે શસ્ત્ર હતા - સત્ય અને અહિંસા...આ બે શસ્ત્રથી તેઓ અંગ્રેજેના અન્યાય અને જુલ્મ સામે લડયા. તે પણ કેટલી હિંમતનું કામ છે.' 

'તદ્દન સાચું, હવે મને હિંમતનો સાચો અર્થ સમજઈ ગયો છે, પણ...પણ...મમ્મી, આન્ટી... મારે તમને બન્નેને એક વાત કહેવી છે.' કનિષ્કા બોલી.

'જરા પણ ડર રાખ્યા વગર બોલ.' બિજલબેને કહ્યું. 

'શાળામાંથી બહાર નીકળ્યા પછી કેટલાક મોટા વર્ગના છોકરાઓ ગલીમાં જઇને સિગારેટ પીવે છે...અમે તેમની સામે જેઇએ તો તે આંખો કાઢે છે,' કનિષ્કાએ કહ્યું.

'સાવ સાચું, મેં પણ જેયું હતું,' ત્રિશા બોલી.

'જુઓ સાંભળો, તમે બન્ને શાળાની ઓફિસમાં જજો, પ્રિન્સિપાલને આ સઘળી હકીકત તેમને જણાવજો. હવે તમે આ બાબતે હિંમત બતાવો તો ખરા...' સેજલબેને કહ્યું.

'શ્યોર... શ્યોર...' કનિષ્કા અને ત્રિશા બોલ્યાં. 

બીજ દિવસે કનિષ્કાએ દિયા, રિદાન, ત્રિશા અને મોક્ષાને બોલાવી અને આખી વાત સમજવી. પછી બધાએ ભેગા મળીને પ્રિન્સિપાલ પાસે વાત રજુ કરી દીધી. પ્રિન્સિપાલે બધાને આ અંગે યોગ્ય પગલાં લેવાની બાંહેધરી આપી, અને આ અંગે કોઇને કાંઇ ન કહેવાની સલાહ આપી.

પ્રિન્સિપાલ સાહેબે આ અંગે રાકેશ સર અને દેવાંગ સર સાથે ચર્ચા કરી અને તપાસ કરવા જણાવ્યું. રાકેશ સર અને દેવાંગ સરે ઋષભભાઈ અને રચિતની મદદથી વાતની સચ્ચાઈ તપાસ કરાવીને જણી લીધી. પ્રિન્સિપાલે ગુનાહિત બાળકોના વાલીઓને બોલાવીને આખી વાત જણાવી. પ્રિન્સિપાલ સાહેબે વાલીઓને સુચના આપતાં કહ્યું, 'બાળકોને મારપીટ કરવાને બદલે પ્રેમથી, સમજાવટથી કામ લેજે.' 

વાલીઓને ખૂબ દુ:ખ થયું. ઘરે જઇને તેમણે તેમના બાળકોને ખૂબ પ્રેમપૂર્વક સમજવ્યા, અને તકેદારીરૂપે તેમના ખિસ્સા ખર્ચ ઉપર કાપ મૂક્યો. જોડે જોડે તેમણે બાળકોની આવશ્યક વસ્તુઓ તેઓ પોતે અપાવશે તેવી બાંહેધરી આપી.

બીજ દિવસે શાળાના વાઇસ પ્રિન્સિપાલ શ્રદ્ધાબેને ગુનાહિત બાળકોને બોલાવીને ચેતવણી આપતાં કહ્યું, 'બાળકો, આ વખતે તમને માફ કરવામાં આવે છે. તમારું ભવિષ્ય હવે તમારા હાથમાં છે. બીજીવાર આવી કોઇ અનુચિત કાર્ય કરશો, તો શાળા છોડવી પડશે, પછી બીજે ક્યાંય એડમિશન નહીં મળે. તમારાં માતા-પિતાનો તો વિચાર કરો...' 

શ્રદ્ધાબેનની વાત સાંભળીને બાળકો રડી પડયા, અને બીજી વાર આવું કોઇ કાર્ય ન કરવાના પ્રણ લીધા. શાળાના પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલે તેમને માફ કરી દીધા.

વાચકો, તમે જોયુંને 'ડરપોક' ગણાતી કનિષ્કાએ નીડર બનીને કેવું સરસ કામ કર્યું, ગુનાહિત વિદ્યાર્થીઓને સાચા માર્ગે વાળ્યા! સાચી હિંમતવાળા તેને કહેવાય જે અન્યાય, અયોગ્ય, અનુચિત કાર્યની સામે લડે છે. 

Tags :