- ચંદ્રકાન્ત પથિક
- અંતે બકુલા બકરી અને કાજરી ઘોડી સામે પાર પહોંચી ગઈ. તેઓ ભલે ધીમાં હતાં પણ સાથે હતાં. એ દિવસથી જ્યાં જાય ત્યાં એક સાથે જ હોય. ખોટી હરીફાઈની વાત જ નહિ અને હૂંસાતૂંસી પણ નહિ.
એક વાર જંગલમાં એક અવનવી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. બધાં પ્રાણીઓએ એકબીજાની સાથે સહકાર અને સંપથી દૂરના વિસ્તારોમાં જવાનું નક્કી કર્યું.
આ મુસાફરીમાં બે ખાસ મિત્રો જોડાયા,
બકુલા બકરી, જે એકદમ તંદુરસ્ત અને ઉત્સાહી હતી. એ ઊંચા પર્વત પર ઝંપલાવી શકે, અને પાતાળમાંથી પણ પાણી કાઢી શકે! અને બીજી હતી ઘોડી, જેનું નામ હતું, કાજરી. એ ચાલવામાં સમજદારી રાખે, ધીમી ગતિથી ચાલે, એ શાંતિચાહક અને સહન કરનારી પણ ખરી.
પ્રારંભમાં બકુલા બકરી ઘણી આગળ ચાલી ગઈ, કાજરી ઘોડી પાછળ રહી ગઈ.
'તું ક્યાં સુધી આવી રહીશ, કાજરી? જો મેં તો પર્વતને પણ સર કરી લેવાનો નિર્ણય કર્યો છે.' બકુલા બકરીએ કહ્યું.
કાજરી ધીરે ધીરે હસીને બોલવા લાગી, 'મારાં પગલાં ધીમાં છે, પણ મારા હૃદયમાં ઉત્સાહ અને પ્રાર્થના છે.'
આકસ્મિક એક નદી આવી, વચ્ચેનો પુલ તૂટી ગયો હતો. બકુલા બકરી વિમાસણમાં પડી ગઈ. શું કરવું તેની સમજ ના પડી. એ તો ત્યાં ઊભી રહી. પાણીનો પ્રવાહ તો વધુ ને વધુ આગળ અને ઊંચે વધવા લાગ્યો. બકરી માટે ભારે જોખમ ઊભું થયું.
એવામાં કાજરી ઘોડી ત્યાં આવી પહોંચી. એણે જોખમ માપી લીધું. એને માટે એક જ પર્યાય હતો - પ્રાર્થના! એ પ્રાર્થનામાં જોડાઈ,
'હે પ્રભુ, હું ઝડપથી દોડી શકતી નથી, પણ જ્યાં મિત્રતા મુશ્કેલમાં છે ત્યાં તું મને બહાદૂર બનાવ.'
પ્રાર્થના પછી કાજરી ઘોડીએ બકુલા બકરીને સલાહ આપી.
'ચાલ, તું મારી પીઠ પર બેસી જા - આપણે બંને મળીને નદીને પેલે પાર પહોંચીશું.'
બકુલા બકરી શરમાઈ ગઈ, પરંતુ હંમેશાં આગળ ફલંગો ભરીને દોડનારી બકરીને ખ્યાલ આવ્યો કે, ધીમી ગતિથી ચાલતી કાજરી ઘોડીની સાથે કેવી રીતે શાંતિ અને સહકારમાં - એકબીજાની સાથે - ખભેખભા મિલાવીને ચાલવું અને 'સુહાના સફર'નો આનંદ અનુભવવો.
અંતે બંને સામે પાર પહોંચી ગયાં. તેઓ ભલે ધીમાં હતાં પણ સાથે હતાં. એ દિવસથી બકુલા બકરી અને કાજરી ઘોડી જ્યાં જાય ત્યાં એક સાથે જ હોય. ખોટી હરીફાઈની વાત જ નહિ અને હૂંસાતૂંસી પણ નહિ. બીજા પશુઓ પણ આ નવી જોડીન વિશે કહેવા લાગ્યા, 'બકુલા બકરી અને કાજરી ઘોડી - જ્યાં જાય ત્યાં સાથે ને સાથે - આગળ પાછળ ચાલવાની વાત જ નહિ...'
એ ચાલ્યા... સાચા સહયાત્રીઓ - એક તેજ, એક શાંત, પણ બંને એકબીજાને સંપૂર્ણ સમર્પિત અને ઉપરવાળાને પણ અર્પિત!
દરેક વ્યક્તિને ઈશ્વર પોતાની જરૂરિયાત મુજબ યાદ કરે છે. જો સાથે સાથે ચાલી શકાય તો અંતિમ મુકામ અતિ સુંદર બની રહે.
એક સંતે પણ લખ્યું છે,
'તમે એકબીજાના ભાર ઊંચકો, અને એ પ્રમાણે ઈશ્વરના નિયમને આધીન થાઓ. જો તમે પોતાને એટલા બધા મોટા અને મહત્ત્વના માનો છો કે તમે કોઈની મદદ કરી શકો નહિ, તો તમે માત્ર તમારી જાતને મૂર્ખ બનાવી રહ્યા છો, તમે કાંઈ એટલા બધા મહત્ત્વના નથી.'


