Get The App

સાચી ભાઈબંધી .

Updated: Jun 20th, 2025

GS TEAM

Google News
Google News
સાચી ભાઈબંધી                                      . 1 - image

- 'મને તો વરસાદ પડેને ત્યારે કળા કરીને નાચવાનો ભારે શોખ છે... પણ મારી પાસે ઝાંઝર નથી. નાચતી વખતે મારા પગમાં ઝાંઝર હોય તો નાચવાની એવી મજા પડેને! છમ-છમ-છમ-છમ...'

- ડૉ. જ્યોતિ સ્નેહલ અમરેલિયા

ચિન્ટુએ પોતાની મમ્મીને કહ્યું, 'મમ્મી, આજે રવિવાર છે. શાળામાં પણ રજા છે. તો હું આપણી વાડીએ ફરવા જાઉં?' મમ્મીએ તેની સામે સ્મિત કર્યું, 'હા, હા બેટા. ચોક્કસ જા, પણ સરસ નાસ્તો કરીને જા. તને વાડીએથી આવતાં મોડું થશે.'

ચિન્ટુએ હોંશે હોંશે નાસ્તો કરી લીધો અને વાડીએ જવા નીકળ્યો. રસ્તામાં ગીતો ગાતાં ગાતાં બે-ત્રણ ખેતરો પસાર કર્યા. ત્યાં તો એની વાડી આવી ગઈ. ચિન્ટુ તો લીલીછમ વાડી જોઈને ખુશ ખુશ થઈ ગયો. વાડીમાં ફરતાં ફરતાં તેણે એક સુંદર મોર જોયો. એને મોર સાથે વાતો કરવાનું મન થઈ ગયું. એ ધીમે પગલે મોર પાસે ગયો અને કહ્યું:

'મોરલાભાઈ આવોને...

ટેહૂક... ટેહૂક બોલોને...

ભાઈબંધ મારા થાઓને...'

મોરભાઈને વાતો કરવી ખૂબ ગમતી. એ તો નાનકડાં ચિન્ટુને જોઈને ખુશ થઈ ગયા. મોરે કહ્યું, 'આજથી તું મારો ભાઈબંધ, બસ!' 

ચિન્ટુએ મોરભાઈને પોતાનો પરિચય આપ્યો. ચિન્ટુએ મોરને કદી નજીકથી જોયો નહોતો. એ મોરભાઈની સાવ નજીક ગયો, તેમના માથે શોભતી સોનેરી કલગી, શરીરનો નીલો રંગ, એમની આંખો, રંગબેરંગી સુંદર પીંછાં જોઈને રાજી રાજી થઈને ગાવા લાગ્યો:

'સુંદર કલગી શોભે છે...

નીલા નીલા અંગ છે રે...

રંગબેરંગી પીંછાં છે...'

ચિન્ટુનું ગીત સાંભળીને મોરભાઈ તો વધારે ગેલમાં આવી ગયા. ચિન્ટુ કહે, 'મોરભાઈ, તમને એક વાત પૂછું?' મોરભાઈ ડોક હલાવીને કહે, 'અરે પૂછો પૂછો!' ચિન્ટુ પૂછ્યું, 'મોરભાઈ, તમને શાનો બહુ શોખ છ, કહોને?' મોરભાઈ તો મીઠું મીઠું મલકતા કહે, 'ચિન્ટુભાઈ, મને તો વરસાદ પડેને ત્યારે કળા કરીને નાચવાનો ભારે શોખ છે. પણ એક વાત કહું?' મોરભાઈ એકદમ દુખી થઈ ગયા. કહે, 'મારી પાસે ઝાંઝર નથી. નાચતી વખતે મારા પગમાં ઝાંઝર હોય તો મને નાચવાની એવી મજા પડેને! છમ- છમ-છમ-છમ...'

મોરભાઈની વાત સાંભળીને ચિન્ટુ વિચારમાં પડી ગયો. પછી ઉત્સાહભેર કહે, 'મારા ઘરે મીઠો અવાજ આવે તેવા ઝાંઝર છે. મારી મમ્મીને હું જઈને કહીશ. એ તમને જરૂર ઝાંઝર આપશે, બસ!' મોરભાઈ તો રાજીના રેડ થઈ ગયા. ચિન્ટુને ભેટી પડતા કહે, 'ચિન્ટુભાઈ, તમે મારા સાચા ભાઈબંધ છો.' ચિન્ટુ કહે, 'ચાલો મોરભાઈ, આપણે મારા ઘરે જઈએ...' બન્ને મિત્રો વાતો કરતાં કરતાં, કૂદકા ભરતાં ભરતાં ચિન્ટુને ઘેર પહોંચ્યા. ઘરના દરવાજે જઈને

ચિન્ટુ કહે:

'મમ્મી બારણું ખોલોને...

નગારાં વગડાવોને...

દોસ્ત મારો આવ્યો છે, જુઓને...'

મમ્મીએ દરવાજો ખોલ્યો. ચિન્ટુએ મમ્મીને પોતાના નવા ભાઈબંધનો પરિચય કરાવ્યો. મમ્મી તો ખુશ થઈ ગઈ. એણે  મોરભાઈને અનાજના દાણા ખાવા આપ્યા, પાણી આપ્યું. ચિન્ટુએ મમ્મીને ઝાંઝરની વાત કરી. મમ્મીએ તરત કબાટમાંથી પોતાના ઝાંઝર કાઢી આપ્યા, એટલું જ નહીં, સરસ રીતે મોરભાઈના પગમાં પહેરાવી પણ દીધા. મોરભાઈ તો પગમાં ઘુંઘરું પહેરીને છમ... છમ... છમ... છમ... કરતા, કેડ હલાવતા ચાલવા લાગ્યા. 

એટલામાં તો વાદળોનો ગડગડાટ થવા માંડયો. ઠંડો પવન ફુંકાવા લાગ્યો. વીજળીના ઝબકારા થવા લાગ્યા અને વરસાદ પડવા માંડયો. મોરભાઈ તો તાનમાં આવીને સરસ કળા કરવા લાગ્યા. ટેહૂક... ટેહૂક... બોલતા જાય અને ગોળ ગોળ ફરતા જાય. એના પગમાં બંધાયેલા ઝાંઝર મીઠું મીઠું રણકવા લાગ્યા. મોરભાઈ તો રાજી રાજી. ચિન્ટુ અને તેની મમ્મી પણ મોરનું નૃત્ય જોઈને ખુશ ખુશ! ચિન્ટુએ મોરને કહ્યું, 'ચાલો ભાઈબંધ, આપણે વરસાદમાં સાથે નાચીએ, નાહીએ અને ગાઈએ...'

નાચતા નાચતા ચિન્ટુ ગાવા લાગ્યો:

'વર્ષારાણી આવોને...

છમ... છમાછમ... છમ

મોરલાને બોલાવાને...

ટેહૂક... ટેહૂક... ટેહૂક...

મોરલાને નચાવોને...

થન... થનાથન... થન...

ઝાંઝર તો રણકાવોને... 

છન... છન... છન... છન...!'