Get The App

ત્રિકોણ, ચોરસ અને ગોળ .

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
ત્રિકોણ, ચોરસ અને ગોળ                              . 1 - image

- પીઝા ગોળ હોય, પીઝાનો ટુકડો ત્રિકોણ જેવો હોય, જ્યારે પીઝા જે ખોખામાં પાર્સલ થઈને આવે તે ચોરસ હોય. જો પીઝા ગોળ હોય તો તેનું ખોખું ગોળ કેમ ન હોય? 

- હેમંત વાળા

મને હંમેશા એ પ્રશ્ન થતો હતો કે પીઝા ગોળ હોય, પીઝાનો ટુકડો ત્રિકોણ જેવો હોય, જ્યારે પીઝા જે ખોખામાં પાર્સલ થઈને આવે

તે ચોરસ હોય, ઘનાકાર હોય. મુખ્ય પ્રશ્ન એ હતો કે જો પીઝા ગોળ હોય તો તેનું ખોખું ગોળ કેમ ન હોય? બહુ વિચાર કર્યો તોય 

મને ખબર ન પડી. પહેલાં થયું કે હું મારા ભૂમિતિના શિક્ષકને પૂછી જોઉં. ભૂમિતિના શિક્ષક એટલા માટે કારણ કે તેઓ જાતજાતના ભૌમિતિક આકાર વિશે વાત કરતાં હોય. પરંતુ તેમને પૂછતાં મને સંકોચ થયો. અંતે મેં મારી નાનીને જ પૂછી જોયું. મેં નાનીને એમ પણ કીધું કે ભૂમિતિના શિક્ષકને પૂછવાનું મને મન થયું હતું પણ મેં તેમ ન કર્યું. 

બીજે દિવસે નાની મારી સાથે શાળાએ આવ્યા અને અમે ભૂમિતિના શિક્ષક પાસે ગયાં. મેં તેમને પ્રશ્ન પૂછયો કે પિઝાનો ટુકડો ત્રિકોણ હોય, પીઝા ગોળ હોય અને પીઝાનું ખોખું ચોરસ હોય, એમ કેમ?     

ભૂમિતિના શિક્ષકે સમજાવવાની શરૂઆત પીઝાથી કરી. તેમણે જણાવ્યું, 'જ્યારે વચ્ચેના ભાગમાં જ્યોત હોય, વચ્ચેના ભાગથી ગરમી મળતી હોય તો તે ગરમી ચારેબાજુ ગોળાકારમાં પ્રસરે. જુના જમાનામાં ઓવન તો હતા નહીં, ચૂલા પર તવો મૂકીને પીઝાનો રોટલો બનાવતો. જો પીઝા ગોળ હોય તો જ આખા પીઝાને વ્યવસ્થિત ગરમી મળી શકે. જો તે ચોરસ હોય તો શક્ય છે કે ખૂણા થોડા કાચા રહી જાય. તેથી પીઝા પરંપરાગત રીતે ગોળ હોય.

'હવે પીઝાના ટુકડાની વાત કરીએ. પીઝાના રોટલા પર ચીઝ, ટામેટાનો કેચઅપ, ઘોલર મરચા બધું પાથરવામાં આવે. આ પીઝાના જો, શક્કરપારાની જેમ ચોરસ કે સમબાજુ ચતુષ્કોણ જેવાં ટુકડા કરવામાં આવે તો બની શકે કે પિઝાની વચ્ચેના ટુકડામાં ચીઝ જેવી સામગ્રી વધુ રહે અને બહારની ધારના ટુકડામાં તે ઓછી હોય. તેવા સંજોગોમાં જેને વચ્ચેનો ટુકડો મળે તેને મજા આવી જાય અને જેને ધારનો ટુકડો મળે તેને તકલીફ પડે. પરંતુ જો પીઝાના ટુકડા એ રીતે કરવામાં આવે કે જેનાથી દરેકને વચ્ચેનો ભાગ પણ મળે અને ધાર પણ તેના ભાગમાં આવે તો બધાને ન્યાય થાય. પીઝાના ત્રિકોણ જેવાં ટુકડા કરવાથી જ આમ થઈ શકે. અહીં પીઝાની મધ્યમાંથી બહારની તરફ કાપો મૂકીને ટુકડા તૈયાર કરાય.'

શિક્ષકે કહેલી આ વાત મારી સમજમાં આવી ગઈ. પછી મેં પીઝાના ખોખા વિશે પૂછયું કે તે ચોરસ કેમ હોય છે? શિક્ષકે સમજાવ્યું, 'ચોરસ ખોખા બનાવવામાં અને ગોઠવવામાં સરળ રહે. પીઝાના ખોખા ચોરસ હોય છે તેમાં પીઝા વિષયક કોઈ નિર્ણય નથી

હોતો. આ તો અન્ય પ્રકારની બનાવટનો નિર્ણય છે.' 

શિક્ષકે ઉમેર્યું, 'દરેક આકારનો એક ચોક્કસ કારણ હોય. દડો ગોળ હોય તેનું એક કારણ હોય જ્યારે બેટના આકારનું

બીજું કારણ હોય. વ્યવસ્થિત કારણને આધારે ભમરડાનો આકાર નક્કી થાય અને એવાં જ અન્ય કારણોસર બાજી રમવાનો કૂકો

ઘનાકાર બનાવાય. મમ્મીના રસોડામાં જે વેલણ હોય છે તેનો આકાર પણ વ્યવસ્થિત રીતે નક્કી થયો હોય અને રોટલી ફેરવવા માટે

જે તવીથો વપરાય છે તેની ડિઝાઇન પણ તેવી જ રીતે વિચારીને નક્કી કરાઈ હોય.' 

મારા ભૂમિતિના શિક્ષકે પછી મને  જુદા જુદા આકાર વિશે વિચાર કરવા કહ્યું. તેઓ કહે, 'તું વિચાર કરી જો અને જો સમજણ ન પડે તો મને પૂછવા આવજે.' 

આ આખી પ્રક્રિયામાં સૌથી મોટી વાત એ થઈ કે મારો ભૂમિતિના શિક્ષક માટેનો ડર નીકળી ગયો. એ માટે હું નાનીનો તો આભાર

માનીશ જ. દરેક આકાર માટે કોઈક કારણ હોય છે તેની મને ખબર પડી ચૂકી હતી. હું સમજી શક્યો કે દરેક આકાર એમ જ

નક્કી નથી થઈ જતો, તેની પાછળ એક વ્યવસ્થિત વિચાર હોય છે. હવે તો મને જુદા જુદા રંગ માટે, જુદા જુદા માપ માટે, જુદી

જુદી સામગ્રી માટે પણ પ્રશ્નો ઊભા થાય છે, પરંતુ એક વિશ્વાસ  હવે છે કે દરેક પ્રશ્નનો જવાબ હોય છે અને તે મળી રહે. 

મિત્રો, તમે પણ જે ચીજ-વસ્તુ તમારી આજુબાજુ જુઓ છો તેનો આકાર કેવો હોય છે તે સમજવા પ્રયત્ન કરજો અને તે આકાર

તેવો કેમ હોય છે તે તમારાં મમ્મીપપ્પા કે અન્ય વડીલને કે શિક્ષકને પૂછીને જાણવાનો પ્રયત્ન કરજો, ઓકે?