ઝાડ અને પંખીઓ .
- ઝાડ હસી પડયું : 'અરે! તમે બધાં કેમ ચિંતા કરો છો? મારે તો થોડીવાર માટે જ પંખી થવું છે. ઊડવું છે. ગાવું છે. પછી પાછા ફરી ઝાડ જ બની જવું છે.'
ડૉ. સિલાસ પટેલિયા
એ ક હતું ઝાડ. ઘટા ઘેઘૂર. ઝાડનો બરાબર સામે જ એક નદી હતી. બારેમાસ પાણીથી છલોછલ નદી. ઝાડની ડાળીઓ નદી પર ઝૂકતી. પાંદડાં પાણીના તરંગોને અડતાં. ઝાડને બહુ સારું લાગતું. સવારે તડકો ધીરેધીરે ઘટા પર ઢળે. પાંદડે પાંદડે સૂર્ય કિરણો ચમકી રહે! પંખીઓ આવે. જુદા જુદા કંઠે ગાય. ઘટામાં માળો બાંધે. ઈંડાં મૂકે. ઈંડાં સેવે. બચ્ચાંના કલશોરથી ઘટા ગાજી ઊઠે. ઝાડ આનંદથી ઝૂમી ઊઠે. સાંજે પંખીઓ પાંછાં ફરે. સવારની જેમ કલરવથી ઝાડ આનંદથી ખીલી ઊઠે. ઝાડને બહુ ગમે. બપોરનો આકરો તાપ. નદીને જોતાં જોતાં ઝાડ વેઠી લે. નદી પરથી વાતો ઠંડો પવન તાપને શાંત પાડે. ઝાડને ગમે.
રાતે તારાઓ નદીમાં ડૂબે. ઝાડ નમી નમીને જુએ. ચાંદો જળતરંગો પર તરે. ઝાડ ઝૂકી ઝૂકીને જુએ. બહુ મજા પડે. પંખીઓ જંપી ગયાં હોય. ઝાડ પાંદડાં હલાવી પંખીઓ પર પવન ઢોળે. પંખીઓને મીઠી નિંદરમાં જંપેલા જોઈ, ઝાડને ખુશી થાય. કદીક વાંદરાઓ આવે. કૂદાકૂદ કરે. બચ્ચાં ઘટામાં સંતાઈ જાય. ડાળ પર લટકે. પંખીઓ ઊડાઊડ કરી મૂકે. ઝાડ જુએ. બધાંને વધાવી લે. ચોમાસે વરસાદ વરસે. ઝાડ ઝૂકી ઝૂકી પલળે. પવનમાં ઝૂમે. પવન જોરજોરથી હલાવે. ત્યારે એય જોરજોરથી હસે. મજા જ મજા! ફૂલ ફુટે. ફળ ફુટે. ફળ મોટું થાય. ડાળડાળ ફળથી લચી પડે. પંખીઓ આવે. ટોચે ખાય. ખેડૂત ફળ વેડી લે. ઝાડને નિરાંત થાય. બધાંને એનાં ફળ ખાતાં જોઈ આનંદ થાય. મજા જ મજા!
એક દિવસની વાત છે. સવાર સવારમાં જ ઝાડે બધાં જ પંખીઓ જોડે વાત માંડી. ઝાડ કહે : 'મારે ય પંખી થવું છે. મારેય આકાશમાં ઊડવું છે. ગીતો ગાવાં છે. તમે બધાં ભગવાન પાસે જાઓ. કહો, મને ય પંખી બનાવી દે...'
આ સાંભળી બધાં પંખી વિચારમાં પડી ગયાં. કોયલ બોલી : 'ઝાડ રે ઝાડ! તને પંખી થવું છે. ઈચ્છા બરાબર છે. પણ તું પંખી બનીશ તો અમારું શું? અમે ક્યાં જઈશું? માળા ક્યાં બાંધીશું? વરસાદ અને તાપથી બચવા તારી ઘટા ક્યાં શોધીશું? ચણ ચણવા અમારી ધરતી પર જવું પડે છે. પાંખો છે તો આકાશમાં ઊડીએ છીએ. પાછાં તારી પાસે જ આવીએ છીએને! તું નહીં હો તો..! આ ધરતીમાં તારાં મૂળ છે. ધરતીમાતાના ખોળામાં તું છે. અમે તારા ખોળે છીએ...'
આટલું સાંભળી ઝાડ હસી પડયું : 'અરે! તમે બધાં કેમ ચિંતા કરો છો? મારે તો થોડીવાર માટે જ પંખી થવું છે. ઊડવું છે. ગાવું છે. પછી પાછા ફરી ઝાડ જ બની જવું છે.'
આ સાંભળી દેવચકલી કહે : 'ઝાડ રે ઝાડ! સાંભળ રે... ધારો કે ભગવાનને અમે વિનવીએ કે તને પંખી બનાવી દે. ને ભગવાન તને ફરી ઝાડ બનાવવાનું ભૂલી જાય તો? ભગવાનને તો આખી દુનિયાનું ધ્યાન રાખવાનું હોય ને! ને તારી જેમ બધાંય ઝાડ પંખી થવાની ઈચ્છા રજૂ કરે તો... ઝાડ જ ના રહે! બધે પંખીઓ જ પંખીઓ... ઝાડને શોધતાં પંખીઓ જ પંખીઓ! એ ક્યાં જાય?'
ઝાડ હસી પડયું : 'સાચી વાત છે તારી. જે છું એ જ બરાબર જ છું. તમે બધાંય કેટલો બધો આનંદ આપો છો! બસ, આટલો આનંદ બસ છે. જાઓ, ઊડો ને વહેલાં વહેલાં આવો મારા ખોળે...'
કલશોર કરતાં કરતાં પંખીઓ આકાશ ભણી ઊડી ગયાં. ઝાડ એમને જોઈ આનંદથી ઝૂમી ઊઠયું.