- દિવસે ને દિવસે પ્રદૂષણ, ગરમી અને બિમારીઓ વધતી જાય છે. આ બધાથી છૂટકારો મેળવવો હોય તો આપણે સૌએ ભેગાં મળીને વધુ ને વધુ વૃક્ષો રોપવાં જોઈએ અને એનું જતન પણ કરવું જોઈએ.
- ભરત એલ. ગોઠડીયા
બાળ નાટિકા
પ્રકૃતિ - ઓ ભાઈ, તીર્થ! આ તું હાથમાં શેના શેના છોડ લઈને ફરે છે?
તીર્થ - ઓ બહેન, જોને... આ લીમડો, વડ, પીપળો છે... અને આ જાસૂદ, મોગરો વગેરે પુષ્પોના છોડ છે.
પ્રકૃતિ - તું આ બધાં છોડ ક્યાંથી લઈ આવ્યો?
તીર્થ - નર્સરીમાંથી ખરીદી લાવ્યો છું. કેટલાક છોડ અને વેલાં આપણા ઘરની આજુબાજુમાંથી શોધીને લાવ્યો છું.
પ્રકૃતિ - એ બધું બરાબર, પણ તું શું કરીશ આ બધાનું?
તીર્થ - આપણે સૌ ભેગા મળી આપણા ઘર નજીક આ છોડ રોપીશું. એ મોટા થશે પછી એના છાંયડે બેસીશું.
પ્રકૃતિ - સાચી વાત. આપણે પછી વડની વડવાઈએ મોટ્ટા મોટ્ટા હીંચકા ખાઈશું અને વડનું દાતણ પણ કરીશું.
તીર્થ - હા,સાચી વાત છે તારી. વડ,લીમડો કે બાવળનું દાતણ આપણા શરીર અને દાંત માટે ખૂબ જ અસરકારક છે.
પ્રકૃતિ - તને ખબર છે, તીર્થ? લીમડો સ્વાદે કડવો હોય છે પણ ગુણકારી હોય છે. લીમડો તાવ દૂર કરે, થાક દૂર કરે. એનો રસ પીવાથી આપણા શરીરને લાભ થાય છે.
તીર્થ - પ્રકૃતિ, આ લીમડા વિશે ખલીલ ધનતેજવી સાહેબ શું કહેતા હતા? એ કહેને,હું ભૂલી ગયો.
પ્રકૃતિ - 'કડવો છું પણ લીમડાની ડાળ જેવો છું...'
તીર્થ - પેલું એક બીજું ગીત હતુંને?
પ્રકૃતિ - 'એક જાડો પાડો લીમડો...'
તીર્થ - અરે,વાહ! મજા આવી. જો,પ્રકૃતિ... દિવસે ને દિવસે પ્રદૂષણ,ગરમી અને બિમારી વધતી જાય છે. આ બધાથી છૂટકારો મેળવવો હોય તો આપણે સૌએ
ભેગાં મળીને વધુ ને વધુ વૃક્ષો રોપવા જોઈએ અને એનું જતન પણ કરવું જોઈએ.
પ્રકૃતિ - સાચું કહ્યું તેં. ઉનાળામાં જોને ઘેર ઘેર એ.સી.ના કારણે આપણને કેટલી બધી ગરમી લાગે છે. સાચે જ વૃક્ષો એ આપણું જીવન છે, મિત્રો છે.
તીર્થ - સારું, હવે તું એક કામ કર. કેશવી, હિયા, હેયાંશ, હિર, પ્રિશા, દીપ, ધ્યાની, હેતવી, કીઆન, વંશ, દિશા, દ્રષ્ટિ ને બાકીનાં આપણા મિત્રોને બોલાવી
લાવ.આપણે સૌ ભેગાં મળીને વૃક્ષારોપણ કરીએ.
(એક પછી એક બધાં મિત્રો આવે છે)
બધાં - ચાલો ચાલો, આપણે વૃક્ષારોપણ કરીએ...
ચાલો ચાલો, આપણે ધરતી હરિયાળી કરીએ..


