- પૃથાએ પોતાની મમ્મીને વિનંતીના સૂરમાં કહ્યું, 'મમ્મી, હવેથી તું મને બે ડબ્બા ભરી આપીશ? કે જેથી એક ડબ્બો હું મીરાંને આપી શકું?'
- સોહમ પોપટ
રતનપુર નામનું એક સરસ મજાનું ગામ હતું.
ગામની ચારે તરફ પહાડો આવેલા હતા.
તે પહાડોની વચ્ચેથી એક મોટી નદી વહેતી હતી. આ નદીના પાણીને કારણે આખું ગામ લીલુંછમ રહેતું હતું.
સૂર્યોેદય સમયે નદીના પાણી ઉપર સૂર્યના ંકિરણો પડતાં ખૂબ સરસ દ્રશ્ય સર્જાતું. સવારે નદીમાં ગામના છોકરાઓ તરવા માટે આવતા, તો કોઈ પોતાના ઢોરને નવડાવવા આવતા. કામના પાદરે ગામના વડીલ બેઠા વાતો કરતા
રતનપુર ગામમાં એક શાળા હતી. શાળાનું નામ હતું 'આદર્શ કન્યાશાળા'.
આ ગામ નાનું હતું તેથી ફક્ત સાત ધોરણ સુધી જ શાળામાં શિક્ષણ અપાતું હતું.
શાળાના હેડ માસ્તર સંજયભાઈ દવે હતા. એ ખૂબ જ આદર્શવાદી હતા.
કન્યાઓ ભણી, જીવનમાં આગળ વધે અને જીવનને સુગંધિત બનાવે એવી જ એમની આશા. તેઓ આ માટે સઘળા પ્રયત્નો પણ કરતા .
શાળાઓમાં કન્યા માટે બધી જ સુવિધાઓ હતી
શિક્ષકો પણ બધા માયાળુ હતા.
આ શાળામાં એક પૃથા નામની છોકરી ભણતી હતી. એ ખૂબ જ સુંદર અને ભણવામાં હોશિયાર હતી.
તેની માતા પૃથામાં સારા સંસ્કારોનું સિંચન કરતી હતી.
પૃથાને રોજ ગીતાજીના અધ્યાયમાંથી એક શ્લોકનું પઠન કરાવે.
પૃથાને કહેતા, 'બેટા, માનવસેવા એ જ પ્રભુ સેવા છે. તારે બધાને મદદરૂપ થવાનું, બધા જોડે વાત કરવાની, શિક્ષકો સાથે વિનય અને વિવેકથી રહેવાનું.'
પરીક્ષામાં પૃથાને પ્રથમ નંબર જ આવતું. વળી તે વિનયી હોવાથી બધા જ શિક્ષકોની ખૂબ જ વહાલી હતી.
વિદ્યા વિનયથી જ શોભે છે તે પૃથા જાણતી હતી.
પૃથા છઠ્ઠા ધોરણમાં ભણતી હતી. તે હંમેશા વર્ગમાં પહેલી હરોળમાં જ બેસતી હતી.
વર્ગમાં શિક્ષકો જે ભણાવતા તે ધ્યાનથી ભણતી હતી. તે હંમેશા શાળાના ગણવેશમાં સ્વચ્છ અને સુઘળ રહેતી હતી.
તેના જ વર્ગમાં એક મીરાં નામની છોકરી હતી, જે હંમેશા વર્ગમાં છેલ્લી હરોળમાં બેસતી.
તેનો શાળાનો ગણવેશ હંમેશાં ગંદો રહેતો. તેના વાળ પણ અસ્તવ્યસ્ત રહેતા.
તેનું શાળાનું ગૃહકાર્ય પણ કાયમ અધૂરું હોય.
શિક્ષકો તેને હંમેશા સમજાવતા રહેતા, પણ મીરાં પર તેની કશી અસર થતી નહીં. આથી શિક્ષકો તેના પર ક્યારેક ચિડાઈ જતા.
એક વખત તેમનો પ્રથમ પિરિયડ પી. ટી. એટલે કે ફિઝિકલ ટ્રેનિંગનો હતો.
આથી પી.ટી.ના શિક્ષક બધી જ વિદ્યાર્થિનીઓને લઈ શાળાના મેદાનમાં ગયા.
શિક્ષક બધાને ખો- ખો રમાડતા હતા. આ રમત ના નિયમો વિશે પણ સમજાવતા હતા.
અચાનક પૃથા રમતમાં આઉટ થઈ ગઈ. આથી તે રમતમાંથી બહાર થઈ ગઈ.
ખૂબ દોડીને પૃથા થાકી ગઈ હતી. તેના આખા શરીરે પસીનો વળી ગયો હતો.
તેને પાણીની તરસ લાગી હતી. પરંતુ તે વોટર બેગ તો ક્લાસમાં જ ભૂલી ગઈ હતી.
તે ક્લાસમાં વોટર બેગ લેવા ગઈ.
વર્ગમાં પ્રવેશતાં જ તેણે જોયું કે મીરાં તેની જ જગ્યા પર બેસીને તેના બેગમાંથીમાંથી નાસ્તાનો ડબ્બો બહાર કાઢીને ખાઈ રહી હતી. તે મોટા-મોટા ફાંકડા ભરી રહી હતી.
પૃથાને આવતી જોઈ તેણે મોઢું બંધ કરી દીધું અને હાથ પાછળ છુપાવી દીધા.
પૃથા પાસે આવી.
મીરાંના ખભે હાથ મૂકી વહાલથી કહ્યું, 'મીરાં, ઉતાવળથી નહી ખા, શાંતિથી નાસ્તો ખાઈ લે. હું કોઈ શિક્ષકને વાત નહીં કરુ. આટલું ઝડપથી ખાઈશ તો ગળામાં ફસાઈ જશે. મારી મમ્મી ખૂબ જ સરસ નાસ્તો બનાવી આપ્યો છે. તને ભાવે છે ને?તો શાંતિથી ખાઈ લે. આમ પણ મારે રિસેસમાં થોડું લેશન કરવાનું છે જેથી મને ખાવાનો સમય નહીં મળે.'
એણે ઉમેર્યું, 'આજે સવારે ગરમ આલુ પરોઠા ખાધા છે એટલે મને તો ભૂખ પણ નથી લાગી.'
આટલા પ્રેમથી તો મીરાં જોડે અગાઉ કોઈએ વાત જ નહતી કરી.
મીરાં રડી પડી. તેની આંખના આંસુ પૃથાએ લૂછીકાઢયાં.
એણે કહ્યું, 'પહેલાં શાંતિથી ખાઈ લે. હું ખરેખર કોઈક શિક્ષકને તારી ફરિયાદ નહીં કરું.'
મીરા એ શાંતિથી નાસ્તો કર્યો. એટલી વારમાં તાસ પૂરો થયો.
ચાર તાસ પછી રિસેસ પડી. પૃથા મીરાં પાસે ગઈ. અને બોલી, 'મીરાં, તને ખૂબ ભૂખ લાગી હતી ને? પણ હવેથી તો કોઈ દિવસ ચોરી ના કરતી. ચોરી કરવી એ મોટું પાપ છે . તું કેમ તારો ડબ્બો જાતે ઘેરથી નથી લાવતી?'
મીરાં ફરી રડી પડી.
પ્રથાના વહાલના શબ્દોથી તે ખૂબ ઢીલી થઈ ગઈ. એણે પોતાની આપવીતી કહી સંભળાવી, 'મારી માતા એ સાવકી માતા છે, જે મને નાસ્તાનો ડબ્બો ભરી નથી આપતી. વળી, જ્યારે હું શાળાએ આવું ત્યારે ઘરનું બધું જ કામ કરીને આવું પડે છે.
તેથી ઘણી વખત મને સમય ન મળે તો હું ભૂખી જ શાળાએ આવું છું. મારે ભણી ગણીને આગળ વધવું છે, જેથી હું મારી માતાના જુલમમાંથી બહાર નીકળી શકું.
તે મને માથું પણ ઓળી નથી આપતી. ગણવેશ પણ ધોવામાં નથી નાખવા આપતી.
...પણ મારે ભણવું છે. આથી હું શિક્ષકની વઢ ખાઈને પણ ચૂપચાપ શાળામાં ભણવા આવું છું.'
આ સાંભળીને પૃથાની આંખમાં પણ આંસુ આવી ગયાં. તેણે મીરાંને કહ્યું, 'શાળા પૂરી થતાં તું મારી સાથે મારે ઘેર આવજે .'
આમ પૃથા અને મીરાં બેનપણી બની ગઈ.
છુટ્ટી પડતાં જ પૃથા મીરાંને પોતાને ઘેર લઈ ગઈ. પોતાની મમ્મી સાથે ઓળખાણ કરાવી. મીરાંની બધી વાત કરી. પૃથાની મમ્મીએ મીરાંને પેટ ભરીને જમાડી. પછી મીરાં પોતાને ઘેર ગઈ.
રાત્રે પૃથાએ પોતાની મમ્મીને વિનંતીના સૂરમાં કહ્યું, 'મમ્મી, હવેથી તું મને બે ડબ્બા ભરી આપીશ? કે જેથી એક ડબ્બો હું મીરાંને આપી શકું?'
મમ્મીએ હા પાડી. પપ્પા પણ ખૂબ ખુશ થયા.
પપ્પાએ કહ્યું, 'કાલે જ્યારે શાળાએથી છૂટો ત્યારે મીરાંને ઘેર લાવજે આપણે. તેને એક શાળાનો ગણવેશ પણ લાવી આપીશું.'
પૃથાએ કહ્યું, 'વાહ, પપ્પા... ખૂબ સરસ!'
બીજા દિવસે પૃથાએ મીરાંને વર્ગમાં જોઈ.
મીરાં આજે પોતાના વાળ જાતે ઓળીને આવી હતી. તે પૃથાની બાજુમાં આવીને બેસી ગઈ. બન્નેએ બે ડબ્બામાંથી મોજથી નાસ્તો કર્યો.
શાળાએથી છૂટી બંને સખીઓ પ્રથાને ઘેર ગઈ. પૃથાના પપ્પાએ બજારમાંથી મીરાંને એક નવો ગણવેશ અપાવ્યો.
ખૂબ જ વહાલથી મીરાંના માથ પરહાથ ફેરવીને પૃથાની મમ્મીએ કહ્યું, 'મીરાં, તને કશું પણ જોઈતું હોય તો અમને કહેજે.'
તે પછીના દિવસે મીરાંએ ચોખ્ખો યુનિફોર્મ પહેર્યો હતો, વાળ ઓળેલા હતા. તે સ્વચ્છ અને સુઘડ લાગી રહી હતી.
બે ડબ્બામાંથી ફટાફટ નાસ્તો પતાવી શાળાનું ગૃહકાર્ય પણ કરી લીધું. મીરાંને જે નહોતું સમજાતું તે પૃથાએ તેને ભણાવી દીધું. રોજનો આ નિયમ થઈ ગયો. મીરાંહવે પોતાનો યુનિફોર્મ જાતે જ તે ધોઈ લેતી અને માથું પણ ઓળી લાવતી. હવે વર્ગમાંથી નાસ્તાના ડબ્બા ચોરાતા ન હતા. વળી, મીરાં પૃથા પાસેથી ભણવા પણ લાગી હતી.
શિક્ષકોને પણ તે વર્ગમાં પુછાયેલા પ્રશ્નોના સચોટ અને સાચા જવાબ આપવા લાગી. શિક્ષકો તેની ઉપર રાજી રહેવાલાગ્યા. મીરાંનો તો જાણે કાયાપલટ થઈ ગયો હતો. બંને સખીઓ હવે જોડે જ રહેતી હતી. હવે વર્ગમાં કોઈને પણ મીરાથી ફરિયાદ ન હતી.
વર્ષના અંતે પરીક્ષાના દિવસો નજીક આવવા લાગ્યા. મીરાં રાત્રે જાગીને પણ પોતાનું ભણવાનું વાંચી લેતી હતી .દિવસે તેની માતાને બહુ કામ કરી આપતી હતી. તેથી રાત્રે જાગીને વાંચન કરતી હતી. મીરાંના પરીક્ષાના પેપર ખૂબ જ સારા ગયા. તે છેલ્લા ક્રમાંકથી સીધી પ્રથમ ક્રમાંકે એ આવી ગઈ. પૃથાનો દ્વિતીય નંબર આવ્યો.
આમ છતાં પૃથા મીરાંને ભેટી પડી અને કહ્યું, 'મીરાં, હું તારા માટે ખૂબ જ ખુશ છું. મારી મમ્મી તને આજે ઇનામ આપશે.'
પૃથાની મમ્મીએ બંનેને નવા દફતર ઇનામમાં આપ્યા.
બને ખુશ થઈ ગઈ.


