Get The App

ટામેટાને લાગી ઠંડી .

Updated: May 9th, 2025

GS TEAM


Google News
Google News
ટામેટાને લાગી ઠંડી                                   . 1 - image


- કોઇક કંઈક લેવા આવે તો ટામેટાભાઈ હરખથી ફુલાઈને મોટા થાય, એને ત્રાજવામાં મૂકે ને વજન વધે તો લારીવાળો એને પાછું નીચે મૂકે

- ડો. પારુલ અમિત 'પંખુડી'

એક હતું ટામેટું .

એ તો શાકભાજીની લારીમાં રહે.

અને ડોક ઊંચી કરી રોજ સપના જુએ કે હું ક્યાં કોઈના ઘરમાં કે હોટલમાં રહેવા જઉં.

'મને લાગે સૂરજની ગરમી..

છાંટો થોડું થોડું પાણી 

ખાડાવાળા રોડમાં ફરી 

જાઉં છું હું તો ગબડી...'

એનો માલિક રોજ એને અલગ અલગ સોસાયટીમાં ફેરવે અને બૂમો પાડેઃ ટામેટાં લઈ લો... ટામેટાં લઈ લો .

ને એ ડોલતાં ડોલતાં બોલેઃ  

'ગોળમટોળ લાલ લાલ 

ખાશો મને થશે ગાલ લાલ'

કોઇક કંઈક લેવા આવે તો ટામેટાભાઈ હરખથી ફુલાઈને મોટા થાય, એને ત્રાજવામાં મૂકે ને વજન વધે તો લારી વાળો એને પાછું નીચે મૂકે.

ટામેટું તો ડોળા કાઢે. બોલે -

'શા માટે મને નીચે મૂકે 

જવા દે બાળકો સૂપ પીશે...'

 ટામેટાભાઈને પાછી એની જગ્યાએ જોઈ કોથમીર બોલીઃ

'લાલ રંગના ટામેટા, જો મને... હું છું કેટલી પાતળી ને લીલીછમ્મ! મને લઈ જાય છે સૌ કોઈ સજાવવા માટે, તું બેઠાં બેઠાં જાડો થઈ ગયો છો...'

ભીંડાભાઈ બોલ્યા, 'દોસ્ત ટામેટા, આવ આપણે બંને બેસીએ અને પાણીના ફૂવારાથી તાજા રહીએ.'

ટામેટાભાઈ તો કૂદકો મારી સામેની બાજુ ગયા.

'ટામેટાભાઈ તો રિસાઈ ગયા.

રીંગણા, વટાણા પીસાઈ ગયા.'

...ને બટાકાં ને ડુંગળી બોલ્યાં, 'ભાઈ ટામેટા અહીં છે તો ખુશ છે...'

ટામેટું ગુસ્સાથી લાલ લાલ થઈ ગયું.. બોલ્યું: 

'નથી રહેવું આવી ગરમીમાં..

જવું છે કોઈના મસ્ત મજાના ઘરમાં...'

 ટામેટું તો ગુસ્સામાં મોં ફુલાઈને બેઠું હતું . ત્યાં તો એને કોઇક લેવાં લાવ્યું..

એ તો ખુશ...

'હું છું મજાનું ટામેટું.

લાલ લાલ ટામેટું.

જાડુ પાડું ટામેટું.

ખાટું મીઠું ટામેટું...'

 શાકભાજીની લારીમાંથી શાકભાજીની થેલીમાં ટામેટું તો કૂદકો મારી ખુશ થઈને ચાલ્યું...

  ઘેર પહોંચી ટામેટું તો સીધું ગયું ફ્રીજમાં.

 થોડીવારમાં ટામેટાને તો વટાણા , દૂધી ને ટિંડોરા સાથે દોસ્તી થઈ ગઈ. 

થોડીવારમાં તો ટામેટાં ભાઈને ધૂ્રજારી આવવા લાગી..

લારીમાંથી સૂરજ દાદાનો તડકો યાદ આવવા લાગ્યો.

ફુલાવર અને કોબીજની હુંફ યાદ આવવા લાગી.

ટામેટાભાઈ ને ધૂ્રજતાં ધૂ્રજતાં જોઈ બીજા શાકભાજી ગાવા લાગ્યાં..

'ટામેટાંભાઈને તો લાગી ઠંડી 

 જટ પહેરવાં આપો કોઈ બંડી...'

Tags :