- માણસના મોઢા પર કોઈ હાવભાવ ન આવે. આખરે છેલ્લું વાસણ ખોલવામાં આવ્યું. માણસની આંખો ચમકી ઉઠી. એણે વાસણ લઈ લીધું અને ત્યાં ને ત્યાં જ વાસણમાં રાખેલી વસ્તુઓ આરોગવા માંડયો.
- જતીન ભટ્ટ 'નિજ'
વેકેશન પડયું તે પહેલાંની વાત છે. એક દિવસ સુમિતસરવર્ગખંડમાં આવ્યા. એમનો પિરીયડ છેલ્લો હતો. એમણે જોયું કે એમના વર્ગના વિધાર્થીઓ આખો દિવસ ભણીભણીને થાકી ગયા છે. એમને લાગ્યું કે પહેલાં વિદ્યાર્થીઓને હસાવવા પડશે, મૂડમાં લાવવા પડશે. એમણે કહ્યું, 'બાળમિત્રો, મને ખબર પડી ગઈ કે તમે લોકો આજે કંટાળી ગયાં છો. કંટાળી ગયાં છો ને?'
સામેથી સામુહિક અવાજ આવ્યો, 'હા સર.'
'તો પછી તમને આજે અકબ-બીરબલની જૂની વાર્તા નવી રીતે કહી બતાઉં?'
બાળકો ખુશખુશ થઈ ગયાં, 'હા સર...હા સર.'
સુમિતસરે વાર્તા માંડી...
એક વખત ભરી સભામાં એક માણસ આવ્યો. અકબરને કહે કે, 'હે રાજા, હું દેશભરમાં ભ્રમણ કરતો કરતો તમારી પાસે આવ્યો છું. મારી એક ચેલેન્જ છે કે આપણા દેશના બધાં રાજ્યોની બધી જ ભાષાઓ મને આવડે છે, પણ હું મૂળ કયા રાજ્યનો તે તમારે જણાવવાનું. તમારી પાસે બીરબલ છે ને? બહુ હોંશિયાર છે ને? આજે મને પણ ખબર પડી જશે કે મેં જે બીરબલ વિશે સાંભળેલું એ સાચું છે કે ખોટું. જો હું ખોટો પડું તો તમારો દાસ અને જો બીરબલ ખોટો પડયો તો તમારે મને દશ સોનામહોર આપવાની, બોલો છે મંજૂર?'
અકબરે બીરબલને પૂછ્યું, 'બિરબલ, ચેલેન્જ મંજૂર?'
'હા મહારાજ, મંજૂર.'
બીરબલે બધી રીતે એ માણસની પરીક્ષા લઈ લીધી, પણ એ માણસને ખરેખર દેશના બધાં જ રાજ્યોની ભાષા આવડતી હતી.
'જુઓ ભાઈ, તમે ખરેખર બધાં જ રાજ્યોની ભાષા જાણો છો એ અમને બધાને ખ્યાલ આવી ગયો છે, પણ તમારું મૂળ રાજ્ય જાણવા માટે મારે એક પ્રયોગ કરવાની ઈચ્છા છે. તો તમે મને એક પ્રયોગ કરવાની રજા આપશો?'
'હા.'
બીરબલે એના સિપાઈઓનેઈશારાથી કશુંક સમજાવ્યું.
વીસેક મિનિટ નિકળી ગઈ. પેલા માણસની ધીરજ હવે ખૂટવા લાગી. 'બીરબલ, કેટલી વાર હજી?'
'બસ હવે, થોડીક જ વાર.'
બીજા અડધા કલાક પછી સિપાઈઓ એક પછી એક સુંદર ભરતકામ કરેલાં કપડાં ઢાંકેલાં વાસણ લઈને આવવા માંડયા. એક પછી એક વાસણ પેલા માણસની સામે ખોલે. માણસના મોઢાં પર કોઈ હાવભાવ ન આવે. આખરે છેલ્લું વાસણ ખોલવામાં આવ્યું. માણસની આંખો ચમકી ઉઠી. એણે વાસણ લઈ લીધું અને ત્યાં ને ત્યાં જ વાસણમાં રાખેલી વસ્તુઓ આરોગવા માંડયો.
'મહારાજ, આ માણસ પાક્કો ગુજરાતી છે.'
'તને કેવી રીતે ખબર પડી, બીરબલ?'
'કારણ કે, એ માણસ જે આરોગી રહ્યો છે એ છે ગુજરાતનાં પ્રસિદ્ધ ફાફડા-જલેબી, વણેલાગાંઠિયા અને જે કટોરી છે એમાં છલોછલ ચા છે!'
વાર્તા સાંભળીને બાળકો ખડખડાટ હસવા માંડયાં. તેમણે એ જ વખતે નક્કી કરી નાખ્યું કે વેકેશન પડે એટલે સૌથી પહેલાં ફાફડા-જલેબીની પાર્ટી કરવી છે...


