- કોયલબેન, કાબરબેન, ચકલીબેન, પોપટભાઈ નક્કી કર્યું કે હવેથી રોજ સવારે વહેલાં ઉઠવું છે અને આ ટીટોડીબેનની કહેલી વાત કેટલી સાચી છે તે જોવું છે!
- મેહુલ સુતરિયા
એક ખૂબ મોટું જંગલ હતું. જંગલની બિલકુલ બાજુમાં થઇને એક નદી વહેતી હતી. નદીમાં બારેમાસ પાણી રહેતું હતું.
આ નદીના કિનારે એક ટીટોડીબેન રહેતાં હતાં. ટીટોડીબેન તો બહુ રમતિયાળ. આખો દિવસ નદીની આજુ-બાજુ ઉડયાં કરે અને ટીક...ટીક... કર્યા કરે.
ટીટોડીબેન નદીનાં કિનારે આવેલાં એક નાના ઝાડ પર માળો બાંધીને રહે. જંગલના બધાં પંખીઓ જ્યારે સવારે સૂતાં હોય ત્યારે ટીટોડીબેન વહેલી સવારે ઉઠીને ટીક...ટીક... કરીને બધાં પંખીઓને ઉઠાડી દે.
ટીટોડીબેન તો સવારે ઉઠીને ગાતાં જાય અને ઉડતાં જાય-
'નદી કિનારે હું ફરું છું,
ટીક ટીક હું કરું છું...'
ટીટોડીબેનની ટીક...ટીક... સાંભળીને એક દિવસ કોયલબેન, કાબરબેન, ચકલીબેન, પોપટભાઈ તેમની પાસે આવ્યાં. કોયલબેને કહ્યું, 'ટીટોડીબેન, તમારે તો આખો દિવસ જંગલમાં ફરવાનું હોય છે, પણ અમારે તો આખો દિવસ કામ કરવાનું હોય છે. તમે રોજ સવારે ટીક...ટીક... કર્યા કરો છો તેનાથી અમારી ઊંઘમાં ખલેલ પડે છે.'
કોયલબેનની વાત સાંભળીને ટીટોડીબેન તો હસવા લાગ્યાં અને બોલ્યાં, 'કોયલબેન, સવારે વહેલાં ઉઠવાના ફાયદા તમે જાણો છો? સવારે વહેલાં ઉઠવાથી આપણું આરોગ્ય સારું રહે છે. આપણામાં તાજગી અને સ્ફૂર્તિ આવે છે. આપણામાં કામ કરવાની શક્તિમાં વધારો થાય છે.'
ટીટોડીબેનની વાત સાંભળીને કોયલબેન તો વિચારમાં પડી ગયાં. કોયલબેન, કાબરબેન, ચકલીબેન, પોપટભાઈ નક્કી કર્યું કે હવેથી રોજ સવારે વહેલાં ઉઠવું છે અને આ ટીટોડીબેનની કહેલી વાત કેટલી સાચી છે તે જોવું છે!
કોયલબેન, કાબરબેન, ચકલીબેન, પોપટભાઈએ તો સવારે વહેલાં ઊઠવાનું શરૂ કરી દીધું. થોડા દિવસ પછી તેમણે અનુભવ્યું કે સવારે વહેલાં ઉઠવાથી તેમનાં બધાં કાર્યો સમયસર થઇ જતાં હતાં. તેમનામાં તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ થવા લાગ્યો હતો. હવે આખો દિવસ કામ કર્યા પછી પણ તેમને થાક લાગતો નહોતો.
કોયલબેન, કાબરબેન, ચકલીબેન, પોપટભાઈ તો ટીટોડીબેન પાસે ગયાં અને તેમનો આભાર માન્યો.
ટીટોડીબેન તો હસીને ગાવા લાગ્યાં,
'નદી કિનારે હું ફરું છું
ટીક..ટીક...હું કરું છું...!'
હવે જંગલમાં પંખીઓને ટીટોડીબેનની ટીક..ટીક..થી કોઈ તકલીફ નથી. અને બધાં પંખીઓ સવારે વહેલાં ઉઠીને પોતાનું કાર્ય કરવા લાગે છે.
તો મારા જિંગલ જિંગલ ઝગમગ બાળમિત્રો, આપણે પણ રોજ સવારે વહેલાં ઉઠવું જોઇએ અને જંગલનાં આ પંખીઓની જેમ આપણા કાર્યો કરવા લાગી જવું જોઇએ.
બોલો, સવારે વહેલાં ઉઠશોને!


