- 'ઓ લીવરભાઈ, ઓ કલચભાઈ! મારી પણ વાત સાંભળો. કાંઈ ગિયર બદલાવવાથી અને લીવર આપવાથી કાર ન ચાલે, મારો એટલે કે બ્રેકનો ઉપયોગ ન કરો તો તમે જશો ખીણમાં, સમજ્યા?'
ભરત પાઠક 'નયન'
ગડબડદાસને ધંધો રોજગાર સારો ચાલે. આજુબાજુનાં ગામોમાં જઈને માલ પહોંચાડે. પછી તો તેણે એક ચમચમાતી નવી કાર લીધી.
નવી કારને રાખવા માટે શેડ બનાવ્યો.
દરરોજ તેની સાફસફાઈ-ધોવા-લૂછવાની વ્યવસ્થા કરી. કારને તો મઝા પડી ગઈ.
ગડબડદાસની કાર તો સડસડાટ રોડ ઉપર દોડવા લાગી. સાંજે કારને પાર્કિંગમાં મૂકે ત્યારે પોતાની કારના ભરપૂર વખાણ કરે. આ સાંભળીને કારમાં રહ્યા રહ્યા લીવરભાઈ ફુલાયા અને બોલે-
'જોયું? આપણા શેઠ ગરબડદાસ લીવર આપે એટલે ગાડી કેવી સ્પીડ પકડે છે...'
તો વળી ક્લચભાઈ બોલ્યા- 'અરે! ઓ લીવરીયા, હું ક્લચ બોલું છું. હું ન હોઉં તો ગિયર બદલાય જ નહીં, અને તમારી કાર સ્પીડ પકડે નહી, સમજ્યો?'
બન્નેની વાતો સાંભળીને બ્રેકબેન કાંઈ મુંગાં થોડાં રહે? બ્રેક બોલી- 'ઓ લીવરભાઈ, ઓ કલચભાઈ! મારી પણ વાત સાંભળો. કાઈ ગિયર બદલાવવા અને લીવર આપવાથી કાર ન ચાલે, મારો એટલે કે બ્રેકનો ઉપયોગ ન કરો તો તમે જશો ખીણમાં, સમજ્યા? મારૂ કામ અગત્યનુ છે.'
લીવર, કલચ, બ્રેકની વાતો સાંભળીને સ્ટિયરિંગથી ન રહેવાયું. તેણે કહ્યું- 'શેઠ, લીવર દબાવે, કલચ દબાવે, બ્રેક દબાવે, પરંતુ સ્ટિયરિંગ ના ફેરવે તો તમે રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ, ક્યાંય જઈ શકો નહીં. મારા વડે ગાડીને જ્યાં જવું હોય ત્યાં લઈ જઈ શકાય, સમજ્યા? અને...'
આ બધી વાતો સાંભળીને ચારેય ટાયરથી ના રહેવાયું. તેમણે એક અવાજે કહ્યું- 'ભાઈ, તમારી બધાની વાત સાચી છે, પરંતુ અમારા વખાણ તો કરો! અમે બરાબર ન હોય તો તમારું શું થાય? તમે ક્યાંય જઈ શકો નહી...'
વ્હીલની વાત સાંભળીને લીવરભાઈ, ક્લચભાઈ, બ્રેકબેન હસી પડયાં.
અભિમાની લીવર બોલ્યું- 'ઓ કાળા કાળા ટાયર... તું તો સાવ ખરબચડું, ગારાવાળું, ધૂળવાળું... તારા વખાણ કોણ કરે? તું રોડ ઉપર દોડયા કરે એટલું બસ છે, સમજ્યો?'
આ અભિમાની લીવરને સાંભળી વ્હીલ કશું ના બોલ્યાં. ચારેય વ્હીલને નક્કી કર્યુ કે સમય આવે આપણે બતાવી દઈશું.
બીજે દિવસે ગડબડદાસે પોતાની ગાડી સ્ટાર્ટ કરી. રોડ ઉપર કાર દોડવા લાગી. સુમસામ રસ્તો, ખાસ કોઈ વાહનની અવરજવર નહીં. અચાનક એક બમ્પ આવ્યો અને ત્યાર પછી ખાડાવાળો રોડ શરૂ થયો. ગાડી એક તરફ ખેંચાવા લાગી. ટાયર ખિજાયું. ગડબડદાસે નીચે ઉતરીને જોયું તો કારમાં પંચર! કોઈની મદદ મળે તેવુ ન્હોતું.
હવે શું કરવું? ગડબડદાસ વિચાર કરતા બેઠા. પછી ટાયરને દયા આવી. તેણે શેઠને કહ્યુટ- 'પાછલી ડિકીમાં સ્પેરવ્હીલ છે તે બદલાવી નાખોને!'
થોડા સમય પછી કોઈ બીજી કારવાળા ભાઈએ મદદ કરી અને વ્હીલ બદલાવ્યું.
ફરી રોડ ઉપર કાર દોડવા લાગી.
ત્યાં સુધી પેલા લીવરભાઈ, કલચભાઈ, બ્રેકબેન અને સ્ટિયરીંગ મૂંગાં મૂંગાં બેસી રહ્યાં. એ બધાંનું અભિમાન ઉતરી ગયું હતું. તે સહુને સમજાયું કે કોઈપણ વાહનના કે યંત્રનો દરેક પાર્ટ અગત્યનો છે. જેમ દરેક મનુષ્યના શરીરનાં અવયવો અગત્યના છે તેવી જ રીતે દરેક વાહનમાં પણ તેના નાના નાના પાટ્ર્સ અગત્યના છે. આ તો પેલા સૂત્ર જેવું છે - 'સૌનો સાથ... સૌનો વિકાસ.. પછી થાય સફળ પ્રવાસ...!'


