- એવો લહિયો તે વળી કોણ હોય?
- જો પિતાજી જીતી જાય તો આપણે જીતવા દઈશું...
- વ્યાસ મુનિની શરત હતી કે વચમાં બોલતાં અટકીશ નહિ, ગણપતિની શરત હતી કે લખતાં હું રોકાઈશ નહિ
- હરીશ નાયક
શિષ્ય ગણપતિ એટલો સજ્જ થઈને આવ્યો કે ગણેલા ભોજપત્રો, અખંડ અણીવાળી લેખિની અને લખવા માટેની બેઠક પણ સાથે જ લાવ્યો.
જ્યાં સુધી મહાભારત પૂરું થયું નહિ, ત્યાં સુધી પિતાજી શિવજી સિંહચર્મ વગરના રહ્યા અને વ્યાઘ્રચર્મની શોધ કરતા જ રહ્યા.
એક બીજી સ્પર્ધામાં પણ ગણપતિ જીતી ગયા અને શિવજી હાર્યા.
ગુરુ વ્યાસજી હતા છતાં તેમણે વંદન ગણપતિને કર્યાં. વ્યાસ મુનિને મહાભારત લખવું છે.
તેમની પાસે જ્ઞાન છે, અનુભવ છે, શબ્દો છે, કલ્પના છે, લખવાની અને લખ્યા જ કરવાની શક્તિ છે. બધું જ એટલા મોટા પ્રમાણમાં છે કે એક મગજમાં ભરી શકાતું નથી, ગોઠવીને રાખી શકાતું નથી. ઘડો જેમ વધુ પડતા પ્રવાહીથી ઊભરાઈ જાય, તેમ વ્યાસ મુનિની વિદ્વત્તા ઊભરાઈ જ રહી છે.
તેઓ જાતે લખવા બેસે છે તો કલ્પનાઓ એક સાથે ધસારો કરે છે. ધક્કમક્કા કરતી એ કલ્પના લખવામાં અવરોધ ઊભો કરે છે. વિચારની શક્તિ લખવાની શક્તિ કરતાં વધારે છે. કલમ અટકી જાય છે. કલમમાંથી ભોજપત્ર પર ઊતરવા માગતી વાર્તાઓ અને કવિતાઓ હડસેલા હડસેલી કરે છે.
'નહિ,' વ્યાસ મુનિ બોલી ઊઠયા - 'મારું જ મહાભારત હું નહિ લખી શકું. મારે કોઈ લખનાર જોઈશે. એવો લખનાર કે જે બસ લખે જ જાય, લખે જ જાય, અટકે નહિ, આરામ કરે નહિ, ભૂલ કરે નહિ, થાપ ખાય નહિ...'
એવો લહિયો તે વળી કોણ હોય?
સાથી મુનિઓ એક સાથે બોલી ઊઠયા - 'ગણપતિને અજમાવી જુઓ વ્યાસજી...'
'ગણપતિ? ભારે શરીરવાળા, દૂંદાળા, ટીખળી, વિનોદી, કૌતુકપ્રિય... ગણપતિ?'
'જી હા મુનિશ્રેષ્ઠ! ગણપતિનું શરીર ભારે છે પણ તેમનામાં સ્કૂર્તિ અપાર છે. તેઓ દૂંદાળા છે પણ અવિરત કામમાં તેમની ફાંદ કદી તેમને નડતી નથી. તેઓ ટીખળી અને વિનોદી છે પણ તેમાં સંસ્કાર, શાસ્ત્રીયતા અને સાહિત્ય છે. તેઓ કૌતુકપ્રિય છે, પણ તેમનું કુતૂહલ નવી જ શોધની રચના કરે છે. આપની જેમ જ ક્ષમા કરશો મુનિભગવાન ! પણ આપના માર્ગે જ તેઓ વિદ્વાન છે, સ્થિર છે, કવિ છે, કાર્યની પૂર્ણાહુતિના આગ્રહી છે. એમના અક્ષર સુંદર, સુશોભિત, સ્વચ્છ છે. એમની ઝડપ અનેરી છે. જે કળામય રીતે લેખનની શરૂઆત કરે છે, એ જ શોભામય મરોડ અંત સુધી કાયમ રહે છે. લેખનની વચમાં તેમને છેકછાકની જરૂર પડતી નથી, કેમ કે તેઓ પહેલાં આખું વાક્ય, આખો શ્લોક, આખું ચરણ મનમાં સંગ્રહી લે છે, પછી લખવાની શરૂઆત કરે છે. જ્યારે લખે છે, ત્યારે નવું સૂત્ર ઉમેરાતું જાય છે અને જૂનું ભૂલ વગર લખાતું જાય છે...'
'બોલાવો ગણપતિને...' જ્યારે ગણપતિ વિષે આટલી બધી વાતો જાણી, સાંભળી ત્યારે વ્યાસ મુનિ રહી શક્યા નહિ. તેમના મનમાં પણ કદાચ આ નામ હતું જ. તેમણે તરત કહી દીધું - 'બોલાવો ગણપતિને.'
જેમને ત્રણે લોક નમન વંદન કરે છે, એવા ગજાનન ગણેશ ગણપતિ હાજર થયા. વ્યાસ ભગવાનને વંદન કરવા લાગ્યા. પગે પડેલા ગણપતિની ફાંદ જમીનને સ્પર્શતી હતી અને સૂંઢ વ્યાસજીના ચરણકમળ પખાળતી હતી.
વ્યાસજી કહે - 'અરે અરે રાજેશ! આ શું?'
ગણપતિએ ગુરુવંદનાનો શ્લોક ઉચ્ચાર્યો -
ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ
ગુરુ દેવો મહેશ્વરો
ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ
તસ્મૈ શ્રી ગુરુવેત્ નમ:
ગણપતિ કહે - 'હું શિષ્યભાવે શિષ્ય સ્વરૂપે, શિષ્ય સાબિત થવાની ઈચ્છાથી આપની પાસે આવ્યો છું. મારી ગુરુવંદના સ્વીકારો અને આજ્ઞા કરો...'
'આપણે મહાભારતની રચન કરીએ છીએ....'
'આપની રચના કોઈ લઘુભારતની હોઈ જ ન શકે ગુરુવેશ્વર...'
'એ માટે...'
'ભોજપત્ર એટલા લાવ્યો છું કે ખૂટશે નહિ, કલમ એવી તૈયાર કરી છે કે અટકશે નહિ, રોશનાઈનો કસબ એવો છે કે લખતાંની સાથે જ શાહી સુકાતી જશે અને અક્ષરો એકસરખા વજનદાર સાબિત થશે, કોઈ ઝાંખા નહિ, કોઈ ઘાટ્ટા નહિ. મારા આસન માટે હું પિતાજીનું સિંહચર્મ લઈને આવ્યો છું...'
'સિંહચર્મ શા માટે શિષ્ય?'
'સિંહ વનપશુઓમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. મોટાઈ, વડાઈ, ભવ્યતા, દિવ્યતાનાું પ્રતીક છે. તેની ઠરેલતા દ્રષ્ટિ પ્રતિભા વજનદાર છે. ઉપરાંત...'
'ઉપરાંત?'
'પિતાજી સિંહચર્મથી વંચિત થતાં જ વ્યાઘ્રચર્મની શોધમાં નીકળી પડશે, જે મળવાની શક્યતા નથી, કેમ કે પૃથ્વીના વનને અભયારણ્ય જાહેર કર્યા બાદ કોઈ વનપુશનો શિકાર કરી શકતું નથી અને પિતાવર્ય તો સ્વયં મૃત્યુ પામેલ વ્યાઘ્રચર્મના આગ્રહી છે. વનવિકાસની પર્યાવરણ સમૃદ્ધિ બાદ એવા સ્વયંમૃત્યુ પામેલ વ્યાઘ્રનું વ્યાઘ્રચર્મ તરત મળી આવવાની શક્યતા નથી.'
'ગજબંધુ! આપણા કાર્ય માટે તમે શિવેશ્વરને શા માટે કષ્ટ આપ્યું?'
'એક અટને ખાતર...'
'કેવી અટ?'
'જ્યારે કાર્તિકેય અને મારી વચમાં પૃથ્વી પ્રદક્ષિણાની યોજાઈ ત્યારે જ્યેષ્ઠ બંધુ ખરેખર પૃથ્વી પ્રદક્ષિણા કરી આવ્યા. મેં માત્ર માતાપિતાની જ પ્રદક્ષિણા કરી. ત્યારે ન્યાય મારી તરફેણમાં થયો કે માતાપિતાની પ્રદક્ષિણા પૃથ્વીની પ્રદક્ષિણાથી ચઢિયાતી વસ્તુ છે. ગુરુવર્ય! તે વખતે મારા પરમપિતાએ જરાક હસી દીધું હતું! મને પણ એ ન્યાય બહુ ગમ્યો ન હતો. ગુરુજી! માતાપિતાની પ્રદક્ષિણા ભલે શ્રેષ્ઠ હોય પણ પૃથ્વીની પ્રદક્ષિણા કોઈ ઊતરતી ચીજ કે કક્ષા નથી. પૃથ્વીની પ્રદક્ષિણા કોઈ પારંગત બની જનાર મોટાભાઈને હું આજે ય વરિષ્ઠ માનું છું, ગણું છું, વંદું છું. પણ ત્યારે પૃથ્વી પ્રદક્ષિણાને હસી લીધેલ પિતાશ્રીને પૃથ્વી પ્રદક્ષિણા કરાવવાની ઈચ્છા મારા મનમાં જાગ્રત થઈ હતી. આજે એ ઈચ્છાની પૂર્ણાહુતિનો પ્રારંભ થયો છે...'
'પ્રારંભ?'
'હા ગુરુદેવ! આજે અમારી પિતા-પુત્રની સ્પર્ધા યોજાઈ છે. તેઓ વ્યાઘ્રચર્મ વહેલું મેળવી લે છે કે આપણે મહાભારત વહેલું પૂરું કરીએ છીએ...'
'તો શું ગણપતિ! આપણે ઉતાવળ કરવી પડશે?'
'ઉતાવળ જરાય નહિ. જો પિતાજી જીતી જાય તો આપણે જીતવા દઈશું. સ્પર્ધામાં સામાની જીતને સન્માનવી એ જ સ્પર્ધકની મનોવાંચ્છના હોવી જોઈએ, ભલે પછીએ સ્પર્ધક પિતા હોય...'
વ્યાસ મુનિએ જોઈ લીધું કે શિષ્ય કેટલી તૈયારી સાથે આવ્યો છે. તમામ સાધનો સહિત, તમામ ઉત્સાહ, વિનોદ ખેલદિલી સહિત, તમામ પ્રકારની તૈયારી સહિત પધારેલ શિષ્ય ગુરુજનનું અનેરું સદ્ભાગ્ય છે. ગુરુજન બેઠા હતા તેનાથી સહેજ નીચી માચી પર ગણપતિ લઈને આવ્યા હતા. એ મેજ પર ભોજપત્ર ગોઠવી કલમ ખેંચી ગણપતિ કહે - 'પ્રારંભ કરો અદ્વિતીય...'
'પ્રારંભ સાથે જ મારે કેટલીક વાતો કહી દેવી પડશે ગણેશ ! કે જેથી વચમાં સૂચના માટેનો કોઈ અવરોધ ઊભો થાય નહિ...'
'આજ્ઞા કરો વંદનીય...'
'પ્રથમ તો મારો બોલાયેલો કોઈ શબ્દ રહી જવો ન જોઈએ.'
'તેમ જ થશે.'
'દરેક શબ્દ કે અક્ષર તેના વજન સહિત પૂરેપૂરો શ્રવણ કરવાનો રહેશે. હેં કે શું ને કોઈ અવકાશ નહિ રહે...'
'મારા કાન એ માટે જ મોટા છે મહોદય!'
'પ્રત્યેક પદ પૂરી સમજૂતીથી લખવું પડશે ન સમજાયેલું કે અર્ધસંભળાયેલું કંઈ જ લખાવું ન જોઈએ...'
'મારો એવો જ પ્રયાસ રહેશે...'
'ક્વચિત્ મારા કાવ્યોત્સાહમાં હું ઝડપ કરું કે વેગીલો બનું તો એ સાથે તમારી લેખનગતિ ગોઠવવી પડશે...'
'આપની પુણ્યગતિ લેખનગતિ પ્રગટ કરતી જ રહે એવા આશીર્વાદ આપો બરાબર...'
જ્યારે શબ્દ, બ્રહ્મ અને સાહિત્યના વ્યાસ રૂપ વ્યાસ મુનિએ તે ઉપરાંતની બધી શરતો કહી સંભળાવી અને પૂછ્યું કે - 'વત્સ! હવે પ્રારંભ થાય છે આપણું મહાકાવ્ય! તમારે કંઈ પૂછવુ છે?'
'મારી માત્ર એક જ શરત છે વેદત્વના વ્યાસજી,' ગણપતિએ પૂર્ણ તૈયારી સાથે તત્પર થતાં કહી દીધું, 'અને તે એ કે એક વખત આપની જ્ઞાનવાણી મારા દ્વારા લખાવાની શરૂઆત થશે પછી વચમાં તે અટકશે નહિ, ક્ષણાર્ધ માટે પણ તે રોકાશે નહિ. મારી લેખિનીસતત લખતી જશે બસ લખતી જ જશે. આપની લખાવવાની વચમાં અટકશો, અચકાશો, વિચારવા માટે રોકાશો, છંદ કે પ્રાસ શોધવા ખચકાશો તો... મારી કલમ અટકી જશે. બસ, મારી લેખિની સતત લખતી રહે એ જોવાનું કાર્ય આપનું. મને શુભાશિષ પાઠવો અને પ્રારંભ કરો.'
ગણપતિએ પોતાના સાહિત્ય સહિત ગુરુવંદન કરી સજ્જતા જાહેર કરી.
ગુરુજીએ શિષ્યને સન્માનતો શ્લોક ઉચ્ચાર્યો-
'ગણાનાં ત્વા ગણપતિ હવામહે !
કવિં કવીન્મુપમશ્રવસ્તમં ાા
જ્યેષ્ઠરાજ બ્રમ્હણાં બ્રમ્હણસ્પત આનઃ
શ્રૃણ્વન્ નૂતિભિ- સીદ સાદનમ્ ાા'
તાત્પર્ય કે - હે ગજાનના, વક્રતુંડા, લંબોદરા, હેડંબા, વિદ્યાદેવા, તમે મહાન છો, અલૌકિક છો, અહર્નિશ છો. શબ્દરચનાનું વસ્ત્ર તમે પરિધાન કર્યું છે, કાવ્ય-નાટયશૃંગારનો અલભ્ય પટ્ટો તમારો કમરપટ્ટો બની રહ્યો છે. બ્રહ્મજ્ઞાનના મોદકનો આહાર કરી તમે પરિતૃપ્ત થયા છો, તમે સુખકર્તા છો અને દુખહર્તા છો, હે સિદ્ધિવિનાયક, હે વિઘ્નનાશક, મારા અણમોલ કાર્યમાં મને સહાયભૂત થાવ, મારી પર પ્રસન્ન થાવ. અને જે કાર્ય આપના સિવાય બીજું કોઈ પાર પાડી શકે તેમ નથી એ મારું મહાભારત નામનું મહાકાવ્ય પૂર્ણ કરવામાં મને સાથ સહકાર આપો. હે મહાકાય! એ મહાભારત ભલે મારા દ્વારા રચાતું હોય પણ એના લેખક આપ બનો, કેમકે એ માટે આપ સમર્થ છો અને આપનું સામર્થ્ય જ મારી સિદ્ધિનો સુમાર્ગ મોકળો કરી રહે છે.
ગુરુ દ્વારા શિષ્યની એ મુજબની પ્રાર્થના દ્વારા મહાભારતનું લેખન શરૂ થયું. સુયોગ્ય શિષ્ય માટેની ગુરુજનની સદા શોધ રહે છે. સારો શિષ્ય અને જ્ઞાની સત્ગુરુએ સાહિત્યનું સન્માન છે.
જ્યારે એ લેખન-યજ્ઞા ચાલતો હતો ત્યારે સાક્ષાત્ સરસ્વતી ત્યાં આવીને વિરાજી ગયાં, કેમકે તેમના ય જ્ઞાનમાં આજે વૃદ્ધિ થવાની હતી અને જે કંઈ સમૃદ્ધિ તેમની પાસે છે તેનું પુનરાવર્તન થવાનું હતું. જ્ઞાનના વિકાસ માટે જ્ઞાનનું આવું પુનરાવર્તન અત્યંત જરૂરી છે.
ગુરુ-શિષ્યની બંનેની શરત બરાબર જળવાતી રહી. ગુરુ દર સો શ્લોકે એક કૂટ શ્લોક ઉચ્ચારી દેતા કે જે સમજતાં ગણપતિને સહેજ વાર થતી. ગણપતિ એ સૂક્ષ્મ બોધ સમજીને લખે એટલામાં વ્યાસજી નવા શ્લોકોની તૈયારી કરી દઈ બોલવાની શરૂઆત કરી દેતા. ક્યારેક કોઈ દ્વિઅર્થી શબ્દજૂથ કે ત્રિઅર્થી વાક્યભેદ ગોઠવી દેતાં.
પણ ગણપતિ કોને કહ્યાં છે? સૂક્ષ્મમાં સૂક્ષ્મ મર્મ સમજી જતાં તેમને વાર લાગતી નહિ.
આ રીતે મહાભારત સતત લખાતું ગયું. મહાકાવ્યોની રચના કદાચ એ જ રીતે થાય છે. એમાં સાતત્યનું મહત્વ રહે છે. વચમાં જો તે તૂટી જાય છે તો અટકી જાય છે યા અધૂરું રહી જાય છે. પણ મહાનમાં મહાન કહી શકાય તેવું મહાભારત આપણી સૂક્ષ્મ છે. એમાં વેદ, પુરાણ, શાસ્ત્રો, શસ્ત્રો, શબ્દો, શ્લોકો વગેરે તમામે તમામ વાતની માહિતી આપવામાં આવી છે. ઈશ્વરની ગતિ અને માનવે કેવું જીવન જીવવું એ માટેનું તેમાં માર્ગદર્શન છે.
મહાભારતમાં અનેકાએક કથાઓ છે. કેટલીક મૂળ કથાઓમાંથી નાની મોટી કંઈક કથાઓ નીકળતી જાય છે. પણ એ બધી એકબીજા સાથે કડીબદ્ધ સંકળાયેલી છે. દરેક કથાનો પહેલાં, વચ્ચે, છેલ્લે કે ગમે ત્યાં પૂર્વાપર સંબંધ આવે જ છે. કોઈ એક શ્લોક અર્ધો રચાયો હોય તો તે અધૂરો હરગિઝ નથી રહ્યો, ક્યાંક ને ક્યાંક તેનું સાધન અને અનુસંધાન અવશ્ય આવ્યું છે. એ પણ એવી રીતે કે અગાઉનો શ્લોક પણ ધન્ય બની રહે.
વ્યાસનો અર્થ વર્તુળની સીમારેખા જેવો થાય છે. વ્યાસજીના વ્યાસે તમામ સીમારેખાઓને શબ્દોથી બાંધી લીધી છે. મહાભારત લખી તેઓ વેદવ્યાસ બની રહ્યાં છે. તેમની સાહિત્યપ્રતિભા અને વિદ્વત્તા માટે કહેવાયું છે કે -
'વ્યાસોચ્છિષ્ટં જગત્ સર્વમ્'
એટલે કે જે કંઈ લખાયું, કહેવાયું, ગયાયું છે તે બધું જ વ્યાસ દ્વારા અગાઉ મહાભારતમાં કહેવાઈ જ ચૂક્યું છે. એટલે જે કંઈ છે તે વ્યાસકથનનું જ તારત છે. વ્યાસજીએ ન છેડયો હોય તેનો કોઈ વિષય બાકી નથી, વ્યાસજીએ ચીંધ્યું હોય એવું કોઈ માર્ગદર્શન શેષ નથી.
ચિરંજીવી સાહિત્યની વ્યાખ્યા એ જ કે જે સેંકડો હજ્જારો વર્ષો સુધી જીવિત રહે, બલકે સમયથી પર રહીને ચિરંજીવી બની રહે. મહાભારત એવું મહાકાવ્ય છે. એ મહાકાવ્યની રચના ભલે વેદવ્યાસે કરી પણ એના લેખક એટલે લખનાર તો ગણપતિ ગજાનન જ. જો ગણપતિ જેવા અવિરત લખનાર ન હોત તો મહાભારત આ ધરતી પર અવતરત નહિ!
ગણાનંત્વા ગણપતિ બીજી અનેક રીતે વંદનીય પૂજનીય છે પણ મહાભારતના લેખકની તેમની સમૃદ્ધિ તો અજોડ અને બેજોડ છે. આટલું શીઘ્રાતિશીઘ્ર સ્થિરતાપૂર્વકનું પરિપૂર્ણ લેખન આ અગાઉ ન તો કોઈએ લખ્યું છે ત્યાર બાદ લખી શકાયું છે. શ્રી ગણેશાય નમઃની વંદના એટલા માટે જ પ્રચલિત બની છે કે આવી અપાર અમાપ અભૂતપૂર્વ શક્તિ આપણામાંય આવી રહે.
રહી વાત પેલા વ્યાઘ્રચર્મની. એમાંય જીત્યા તો ગણપતિ જ, કેમકે શિવજી પોતાને અનુરૂપ સ્વંયમૃત વ્યાઘ્રચર્મની શોધ કરતા રહ્યાં, કરતા રહ્યાં, તે ન મળ્યું તે ન જ મળ્યું. જ્યારે પુત્ર ગણપતિએ પોતાનું કાર્ય પતાવી સિંહચર્મ પરત કરવાનું વિચાર્યું ત્યારે જ શિવજીને એક અનુરૂપ વ્યાઘ્રચર્મ મળ્યું. તેની કથા એવી છે કે દાનવબંધુઓ અહીરાવણ મહીરાવણને સ્વર્ગનું રાજ્ય જોઈતું હતું. દેવો સાથે યુદ્ધે ચઢ્યાં. યુદ્ધ લાંબું ચાલ્યું. દાનવો જ્યારે ન ફાવ્યા ત્યારે તેમણે પૃથ્વી પરનાં જંગલો સળગાવી મૂક્યાં. પર્યાવરણનો વિનાશ થયો. આગમાંથી ભાગવા જતાં એક વાઘ દાઝી ગયો. મૃત્યુ પામ્યો. દાઝેલું, અગ્નિમાં શેકાયેલું એ જ વ્યાઘ્રચર્મ શિવજીને મળ્યું. પણ મહાભારત પતાવી ગણપતિએ સિંહચર્મ પિતાજીને પરત કરી દીધું.


