Get The App

1971ની યુદ્ધકથાઓ ત્રણ તિકટ મહા વિકટ .

Updated: May 23rd, 2025

GS TEAM

Google News
Google News
1971ની યુદ્ધકથાઓ ત્રણ તિકટ મહા વિકટ                                 . 1 - image

- ઓપરેશન સિંદૂર વર્તમાન છે, તો ૧૯૭૧નું યુદ્ધ અતીત

- ૧૯૪૭-48, 1965 અને 1999માં પણ આપણે પાકિસ્તાન સાથે યુદ્ધો કરેલાં

- હરીશ નાયક

પાકિસ્તાન ક્યારનું 'લડું લડું' થઈ રહ્યું હતું.

૨૫મી માર્ચ ૧૯૭૧ બંગલાદેશમાં હોળી સળગી હતી. એ કાળા દિને બંગનેતા શેખ મુજીબુરને પકડીને ગુમ કરી દેવામાં આવ્યા હતા. પાક લશ્કરે બંગલા દેશ પર અગનવર્ષા શરૂ કરી હતી. બિચારી બંગાળી જનતા ભાગી ભાગીને ભારતમાં આશરો લેતી હતી.જોતજોતામાં ભારતમાં લાખ્ખો શરણાર્થીઓ દાખલ થઈ ગયા. પાકિસ્તાન તેમને પાછા બોલાવવા માંગતું ન હતું, ઉપરથી પોતાના જુલ્મો છુપાવવા તે યુદ્ધ ઈચ્છતું હતું. બીજા દેશ સાથે લડાઈ થાય તો જ તે પોતાના આ ગુના છુપાવી શકે. એટલે તે ભારત સાથે લડવાનાં બહાનાં શોધતું હતું.

ભારત પર તેણે જાતજાતના આક્ષેપો કર્યા. અરે, ભારતનું એક નાગરિક વિમાન લાહોર લઈ જઈને ફૂંકી મારવામાં આવ્યું. એવા દરેક પ્રયાસ દ્વારા તે એમ ચાહતું હતું કે ભારત તેની સાથે લડે. પણ ભારત લડાઈમાં એકદમ સામેલ થવા તૈયાર ન હતું. તે યુદ્ધની આપત્તિઓ પિછાનતું હતું. એટલે પાકિસ્તાને ૧૧૩ વખત આપણી હવાઈ સરહદોનો ભંગ કર્યો ત્યાં સુધી આપણે ચેતવણીઓ જ આપી. પણ ચેતવણીઓનો અર્થ ઊંધો થવા લાગ્યો. 'ભારત દમ વગરનું છે, એ કંઈ કરી શકે તેમ નથી.' એમ માની પાકિસ્તાને છેડછાડ ચાલુ રાખી.

ભારતને લાગ્યું કે હવે પરચો બતાવ્યા વગર છૂટકો નથી. તે દરેક રીતે તૈયાર હતું. તેની શાંતિની પાછળની તૈયારી પૂરેપૂરી હતી. એટલે જ જ્યારે ૨૩મી નવેમ્બરે ચાર પાકિસ્તાની સેબરજેટ આપણી સરહદમાં ઘૂસી આવ્યાં ત્યારે જોતજોતામાં આપણાં ત્રણ નેટે જમીન પરથી હવાઈ કુદકો માર્યો.  બંગલા દેશની પાક સીમામાંથી ચાર સેબર એફ ૮૬ કલકત્તાથી ત્રીસ માઈલ સુધીની ભારતીય સીમામાં દાખલ થઈ ગયાં. તેમના મનમાં કે ભારત સૂતું છે. પણ એ ઊંઘ તો સિંહની ઊંઘ હતી. એ ત્રણ પાક સેબરજેટ હજી તો આપણી સીમામાં ઘૂસ્યાં હતાં ત્યાં જ ત્રણ નાનકડાં ભારતીય નેટ વછૂટયાં.

જેમ રાઈફલમાંથી ગોળી છૂટે એમ એ નેટે જેટનો પીછો કર્યો. ત્રણ નાનકડાં ભારતીય નેટ. ચાર મોટાં પાકિસ્તાની જેટ.  જોતજોતામાં આકાશ રણક્ષેત્ર બની ગયું.

ભારતીય નેટ વિમાનથી પાક વિમાનો આમેય ડરે છે. તેમાં સેબરજેટ તો નેટને જોઈને જ થરથર ધુ્રજવા લાગે છે. કારણ કે ૧૯૬૫માં આપણાં નેટે પાક સેબરજેટનો ખુડદો કાઢી નાંખ્યો હતો. કેમ કે શુદ્ધ ભારતીય બનાવટનાં એ નાનકડાં નેટ છુટે છે. ત્યારે તીરની જેમ છુટે છે અને તેનું નિશાન કદી ખાલી જતું નથી. ત્રણ નેટને આવી પહોંચેલા જોઈ ચાર જેટ ગભરાઈ ગયાં.

ગુનેગાર હંમેશા પોતાના ગુનાથી ખળભળી ઉઠે છે. ચોરી પકડાઈ જતાં ચોરની કેવી હાલત થાય છે એ જાણીતી વાત છે. ચોર ગમે તેવો મોટો હોવા છતાં તે નજરે પડી જતાં ખોટો સાબિત થવા લાગે છે.

ચાર સેબર જેટમાંથી એકે તો તરતોતરત જ ભાગમભાગ કરી મૂકી. પણ ભાગીને તે જાય ક્યાં ? આકાશમાં નેટ ઉડયાં હતાં તો જમીન પર વિમાનવિરોધી તોપો તૈયાર હતી. આપણી એ તોપો ધણધણી ઉઠી. અને ભાગતાં વિમાનને આકાશ ભારે થઈ પડયું. એક સેબર રઘવાયું રઘવાયું જેમ તેમ પાક ભૂમિ પર પહોંચ્યું, પણ બાકીનાં ત્રણનો આરોવારો ન હતો.

ત્રણ નેટ તેમને ભાગવા દે તેમ ન હતું. જે દિશામાં ભાગે એ દિશા રોકાઈ જતી હતી. અતંમાં શત્રુ સેબરોએ ગર્જના કરી. તેમના મનમાં કે એ ગર્જનાથી ભારતીય વિમાનો ઠરી જશે.

પણ સેબરની ગર્જના સેબરને ભારે પડી ગઈ. સામે એવી તો નિશાનબાજી ચાલી કે એકનું પૂંછડું, એકની ટાંકી અને એકની છાતી સળગી ઊઠી. અને જાત સળગે પછી બાકી શું રહે ?

એ ત્રણમાંથી આગ ઓકતું સેબર તો માંડ તેમની સરહદમાં પહોંચ્યું. પણ બાકીનાં બે તો ભારતીય સરહદમાં જ ભસ્મીભૂત થઈ ગયાં. સંજોગવશાત્ એ બંને શત્રુ સેબરના ચાલકો પરવેઝ મહેંદી અને ખલીલ અહેમદ જીવતા રહી ગયા. આપણા માટે એ સારું જ થઈ ગયું. ઘવાયેલા અને શરણે આવેલા એ શત્રુ પાયલોટોએ ઘણી કિંમતી માહિત આપી દીધી.

૨૩મી નવેમ્બર ૧૯૭૧. 

ભારતભરમાં એ દિવસે ખુશીની લહેર દોડી ગઈ. ત્રણ નાનકડા નેટના અવાજોને એકી અવાજે સહું યાદ કરવા લાગ્યા. ત્રણ નેટના ત્રણ તિકટ અને મહાવિકટ એવા એ હવાબાજોનાં નામ છે ફ્લાઈંગ આર.મસી, ફ્લાઈંગ લેફટેનન્ટ એમ.એ. ગણપતિ તથા ફ્લાઈંગ ઓફિસર ડી. લાઝારસ.

ત્રણ નાનકડા નેટના આ ત્રણ નાનકડા પાયલોટો હતા. પહેલા બેની ઊંમર ૨૮ વર્ષની હતી. જ્યારે લાઝારસની ઊમર તો માંડ ૨૫ વર્ષની હતી. ત્રણેની આ પહેલી લડાઈ હતી. અને પહેલી જ લડાઈમાં તેમણે અણધારી સફળતા મેળવી હતી. આપણા એ ત્રણેય વીર જવાનો કુંવારા હતા. અને ત્રણમાંથી એક મસીનાં તો ત્યાર બાદ પંદર દિવસ રહીને લગ્ન થવાનાં હતાં. પોતાની એ ફરજ બજાવી મસી પંદર દિવસ રહીને લગ્ન માટે ઉપડયા પણ ખરા.

પાકિસ્તાનને આપણા આ ત્રણ નિશાનબાજ પાયલોટોએ સારો એવો બોધપાઠ આપી દીધો. પોતાના ચાર ચાર વિમાનો પહેલે જ ધડાકે જમીન-દોસ્ત થતાં પાકિસ્તાન કાગારોળ કરી ઉઠયું. મરી ગયા રે..મરી ગયા કરીને આકાશ ગજાવવા લાગ્યું અને ત્યાર બાદ જ ત્રીજી ડિસેમ્બરે પાકિસ્તાને ૧૮ વિમાન પશ્ચિમના ક્ષેત્રમાં મોકલીને ઉઘાડું યુદ્ધ જાહેર કર્યું.

પણ જેમ પહેલાં ત્રણ નેટ ભારે પડી ગયાં હતાં તેમજ આ ત્રીજી તારીખ પણ તેને ભારે પડી ગઈ. ત્રણનો આંતક તેને માટે કમનસીબ સાબિત થયો.

૨૩મી નવેમ્બરે ડહાપણ કરવા જતાં બંગલા દેશમાં ચાર વિમાન ગુમાવ્યાં.

ત્રીજી ડિસેમ્બરે યુદ્ધનું દોહઢડહાપણ કરવા જતાં આખો બંગલા દેશ જ ગુમાવ્યો.