For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ત્રણ તીર .

Updated: Nov 19th, 2022

Article Content Image

- સરયૂ સ્નાન, વંદનના વીર, પાપની પીર...

કા શી નરેશ પોતાના રસાલા સાથે પસાર થતા હતા. સામે મળી ગયા નારદમુનિ. નારદજી સામે મળે એ ભાગ્ય કહેવાય અને દુર્ભાગ્ય પણ કહેવાય! પૂછ્યું નારદજીએ : 'ઓહોહોહો! ક્યાં પધારો છો, કાશી નરેશ?

'અયોધ્યા. શ્રી રામચંદ્રજીનું આમંત્રણ છે.'

'ખરેખર ભાગ્યશાળી છો,' નારદ કહે: 'પણ બે વાત ધ્યાનમાં રાખશો. સરયૂ નદીમાં સ્નાન કરીને જજો અને ગુરૂ વશિષ્ઠને પહેલા નમન કરજો.'

પાટનગર પહોંચ્યા કાશી નરેશ. સરયૂ નદીમાં સ્નાન કર્યું, પણ શ્રી રામચંદ્રજી પાસે પહેલાં પહોંચી ગયા. ગુરૂને ઓળંગીને જવાનો અપરાધ થઈ ગયો. અપરાધ જાણીતો હોય કે અજાણ્યો હોય, પણ અપરાધ એ અપરાધ છે.

શ્રી રામચંદ્રજીએ ત્રણ તીર ગુરૂના ચરણકમળમાં મૂકી દીધા.

શ્રી રામચંદ્રજીનો એ જ નિયમ હતો. એક તીર આકરી સજા. બીજું તીર મધ્યમ સજા. ત્રીજું તીર માફી.

ત્રણ તીર દ્વારા ગુરૂ વશિષ્ઠ ન્યાય કરી દેતા.

ભૂલ થયાનો ખ્યાલ આવી ગયો. 'બચાવો! બચાવો...' કરતાં કાશી નરેશ પહોંચી ગયા, નારદજી પાસે, નારદમુનિ કહે : 'હવે આ અપરાધમાંથી તો હનુમાનજી બચાવી શકે.'

'બચાવો! બચાવો!' કરતાં કાશી નરેશ પહોંચ્યા હનુમાનજી સમક્ષ. હનુમાનજી કહે : 'સરયૂમાં સ્નાન કરીને આવો.' પાછા પહોંચ્યા કાશી નરેશ સરયૂમાં સ્નાન કરવા.

હવે હનુમાનજીનો એવો નિયમ હતો, કોઈ પાસે કદી કંઈ જ માંગવું નહીં. પ્રભુ રામ પાસે પણ નહીં. છતાં આજે તેઓ પહોંચ્યા શ્રીરામ પાસે. 'પ્રભુ, આજે માંગવા આવ્યો છું,' શ્રીરામ કહે : 'માંગી લો.'

બજરંગે રંગ બદલીને માગ્યું : 'જે કોઈ શ્રીરામ, આપનું નામ લે, તેને તમે સજા કરશો નહીં.'

શ્રીરામ કહે : 'તથાસ્તુ.'

હનુમાનની સૂચનાથી કાશી નરેશ સ્નાન કરતાં કરતાં બોલી ઊઠયા: 

'જય શ્રી રામ.'

શ્રીરામ કહે : 'બજરંગ, કાશી નરેશે ગુરૂજીને ઓળંગવાનું પાપ કર્યું છે. પહેલા નમનની અવજ્ઞાા થઈ છે.'

શ્રી હનુમાન કહે - 'પ્રભુ, હવે ન્યાય આપે તથા ગુરૂજીએ કરવાનો છે. કાશી નરેશનો અપરાધ થયો છે પણ હવે તો તેઓ સરયૂ સ્નાન સાથે મારી જેમ બોલી જ રહ્યા છે જય શ્રીરામ, જય શ્રીરામ. જય જય જય જય શ્રીરામ.'

ગુરૂ વશિષ્ઠ અને શ્રી રામચંદ્ર બંને સાથે જ બોલી ઊઠયા.

'બચના હૈ જીસીકો પાપ સે બોલતે રહો જય બજરંગ બલી, જય જય બજરંગ બલી.'

નારદજી બોલતા હતા : 'નારાયણ... નારાયણ.'

શ્રીરામ બોલતા હતા : 'જય ગુરૂદેવ, જય ગુરૂદેવ.'

કાશી નરેશનું રટણ : 

'જય શ્રીરામ, જય શ્રીરામ.'

અને એક સાથે ત્રિવેદ ભજન પ્રાર્થના વંદન સહિત ગૂંજતા હતા : 'જય બજરંગ બલી, જય જય બજરંગ બલી.'

- હરીશ નાયક

Gujarat