- શ્વાનને પોતાની પાસે આવતો જોઈને ઘવાયેલા માણસને લાગ્યું કે જરૂર એ તેને કરડવા જ આવે છે. તેણે પોતાનો તીક્ષ્ણ છરો તૈયાર રાખ્યો અને જેવો તેરમો ધર્મગુરુ તેને ખેંચવા માટે કોટના કોલર પકડવા ગયો કે ત્યાં જ...
- ટોમીની તુલનામાં અમારી ભક્તિ સાવ તુચ્છ છે
- શ્વાને ભસી ભસીને રીંછને દૂર ભગાડી મૂક્યું
- હરીશ નાયક
હિમાલય ઉપર બરફ રહે છે. યુરોપમાં એક એવો બરફથી છવાયેલો પર્વત છે. નામ તેનું આલ્પ્સ છે. આમ તો આલ્પ્સ પર્વત પર બારેમાસ બરફ રહે છે પણ શિયાળામાં બરફના થરના થર જામી જાય છે.
તે છતાં યુરોપના લોકો એ બરફથી ટેવાયા છે અને એ પર્વત જ્યાં વિસ્તરેલો છે તે ઈટલી દેશમાં તો અમુક જગાએથી લોકો એ બરફના પર્વતને ઓળંગે છે પણ ખરા.
જે જગાએથી આવો બરફનો રસ્તો જાય છે ત્યાં ઊંચી જગાએ એક ધર્મશાળા આવેલી છે. એ ધર્મશાળાનું નામ 'બાર ધર્મગુરુઓની ધર્મશાળા' છે. એ ધર્મશાળામાં બાર સંત નિવાસ કરે છે. તેઓ આવતાં જતાંની સેવા કરે છે અને આવા એકાંત વાતાવરણમાં ઈશ્વરનું નામ લે છે.
અમુક દિવસોમાં પર્વતનો આ રસ્તો વિકટ બની જાય છે. જરૂર વગર ભાગ્યે જ કોઈ આ રસ્તે નીકળે છે. નીકળે તો રાત પહેલાં ધર્મશાળા સુધી પહોંચી જવાનો આગ્રહ રાખે છે. રાત ધર્મશાળામાં પસાર કર્યા પછી જ તેઓ આગળ વધે છે.
આ બાર ધર્મગુરુઓનો એક સાથી હતો રાતના સમયે ધર્મગુરુઓ તો ઘરમાં ભરાઈ જતા, પણ એ સાથી ધર્મશાળાની ચોકી કરતો. એટલું જ નહીં, રાત-મધરાત કોઈ મુસાફર મુશ્કેલીમાં આવી પડયું હોય તો તેની મદદે પણ દોડી જતો. લોકો તેને તેરમો ધર્મગુરુ કહેતા હતા. એ તેરમો ધર્મગુરુ એક શ્વાન હતો. નામ તેનું ટોમી.
ધર્મગુરુઓ કહેતા- 'સાચા સંત અમે નથી, એ જ છે. એની સેવાની તુલનામાં અમારી સેવા કે ભક્તિ સાવ તુચ્છ છે.'
એક વખતની વાત છે. બે પ્રવાસીઓ અગત્યના કામે નીકળ્યા હતા. સાંજ તો નીકળતી વખતે જ પડી ગઈ હતી. પર્વતનો બરફ ચઢતાં ચઢતાં મધરાત થવા આવી. હજી ધર્મશાળા થોડી દૂર હતી. એક સાથીના પગ હવે લથડતા હતા.
તે કહે- 'હવે મારે આવવું નથી. હું પાછો જઈશ.'
બીજો સાથે કહે- 'પાછા જવું ભારે મુશ્કેલ છે. ધર્મશાળા કંઈ દૂર નથી. થોડી હિંમત રાખ. આપણે તરત જ ત્યાં પહોંચી જઈશું.'
પણ આ શ્રીમાનના પગે પહેલેથી જ તકલીફ હતી. પર્વતના વજનદાર બૂટને લઈને એ તકલીફ ઘણી વધી ગઈ હતી. પગનું વજન મણ મણથી વધી ગયું હતું. પગ ઉપાડાતો જ ન હતો. તેમાં બરફને લઈને વેદના વધારે થતી હતી. ઠંડો પવન, ટાઢ કહે મારુ કામ. ચાલવાની ઈચ્છા તો હતી જ નહીં.
તેનો સાથી પકડીને તેને ખેંચવા ગયો તો તે ગુસ્સે થઈ ગયો- 'મારે નથી આવવું જા!'
એમ કહીને તેણે હડસેલો માર્યો.
પણ એમાં જ તેણે પોતાની સમતુલા ગુમાવી લીસા બરફ પરથી સડસડાટ લસરવા લાગ્યો.
તેનો સાથી તેને કંઈ જ મદદ ન કરી શક્યો.
પાછા જવાનો કોઈ અર્થ ન હતો. તે ઝડપથી ધર્મશાળામાં પહોંચ્યો. તેણે ધર્મગુરુઓને વાત કહી.
આ વાત પેલો શ્વાન સાંભળતો હતો. એ તેરમા ધર્મગુરુ ટોમીને અફસોસ થયો કે મને આટલી મોડી જાણ શું કામ થઈ? જો પહેલેથી ખબર પડી હોત તો જરૂર હું મદદે દોડી ગયો હોત!
પણ વાત જાણ્યા બાદ તેને માલિકના હુકમની જરૂર ન હતી. જે તરફ પેલો બીજો મિત્ર હાથ કરીને બતાવતો હતો એ જ તરફ શ્વાને દોટ મૂકી.
સફેદ બરફ ઉપર શ્વાન ટોમીની સફેદ કાયા જોતજોતામાં અદ્રશ્ય થઈ ગઈ.
થોડી જ વારમાં તે પેલા મિત્રો અગાઉ ઊભા હતા, તે જગાએ આવી પહોંચ્યો. ત્યાંથી એ બેમાંનો એક લપસ્યો હતો એ જગાએ તેણે ધ્યાનથી જોયું. પોતે પણ એ જ રીતે લપસવા લાગ્યો.
લપસતો લપસતો પેલો ઘવાયેલો માનવી પડયો હતો ત્યાં તે પહોંચી ગયો.
તેણે પીડાતા માનવીને શોધી કાઢ્યો. તેને તેનો અત્યંત આનંદ થયો. તે એ માનવીને મદદ કરવા આગળ વધ્યો.
પણ અગાઉ વેદનાથી પીડાતો એ માનવી ઊંચેથી પડવાને લઈને વધુ ચીડિયો બની ગયો હતો.
આ શ્વાનને પોતાની પાસે આવતો જોઈને તેને એમ લાગ્યું કે જરૂર એ તેને કરડવા જ આવે છે. તેણે પોતાનો તીક્ષ્ણ છરો તૈયાર રાખ્યો અને જેવો તેરમો ધર્મગુરુ તેને ખેંચવા માટે કોટના કોલર પકડવા ગયો કે તરત જ તેના ગરદનમાં એ છરો હુલાવી દીધો.
સફેદ શ્વાનની સફેદ ગુચ્છાદાર ગરદનમાંથી રક્તની લાલ લાલ રેખાઓ ટપકવા લાગી. ધોળો બરફ લાલમલાલ થવા લાગ્યો.
પણ તે છતાં એ શ્વેત દેવદૂતમાં હજી પ્રાણ બાકી હતા. કહો કે ઘણા પ્રાણ બાકી હતા. તે કોઈ પણ સંજોગોમાં આ માનવીને ધર્મશાળા સુધી ખેંચી જવા માગતો હતો.
પણ પેલો માનવી ભારે ગુસ્સામાં હતો. તે એને હડસેલતો જ રહ્યો. એક વાર તો જોરથી ઝાપટ મારીને તેણે ધર્મગુરુને નીચે લપસાવી નાખ્યો.
શ્વાને ઉપર ચઢીને આવતાં વાર થાય તેમ હતી. પણ ત્યારે જ એક એવી ઘટના બની કે જેણે માનવીને તેનો દોસ્ત બનાવી દીધો.
આ બરફના પ્રદેશમાં બધું જ સફેદ હોય છે. જેમ શ્વાન સફેદ હતો તેમ જ આવનાર રીંછ પણ સફેદ હતું. એ રીંછ પડેલા માનવીની નજીક આવી પહોંચ્યું હતું.
ધર્મગુરુ પણ તકલીફમાં તો હતો જ છતાં તેણે બધું સાહસ એકઠું કરીને રીંછ સુધી પહોંચવાનો નિર્ણય કર્યો. રીંછ પેલા પીડાતા માનવીને વધુ પીડે કે પરેશાન કરે તે પહેલાં જ એ ત્યાં પહોંચી ગયો. ભસી ભસીને તેણે રીંછને પોતાની સાથે યુદ્ધ કરવા લલકાર્યું.
રીંછ તેની સાથે લડવા માગતું ન હતું. શ્વાને ભસી ભસીને તેણે દૂર ભગાડી મૂક્યું. રીંછને લાગ્યું કે માનવી તથા શ્વાન એમ બંને ભેગા થતાં આપણું આવી જ બનશે, એટલે તેણે ચૂપચાપ ચાલતી જ પકડી.
આ બધી ધમાલમાં અને ભયમાં પેલો માનવી બેહોશ જ થઈ ગયો. એક તો તે ઉપરથી પડયો હતો અને બીજું રીંછે તેની પર હુમલો કર્યો હતો.
પણ છતાં તેની આંખ મીંચાઈ ત્યારે તેને ટોમી પર વિશ્વાસ બેસી ગયો હતો.
માનવી બેહોશ થયો એ ટોમી માટે સારું જ થયું. હવે તે તેના જાડા કોટનો કોલર પકડીને આસાનીથી તેને ખેંચી શકે તેમ હતું.
થોભતો, ખેંચતો, ઊભો રહેતો હપ્તે હપ્તે ટોમી ધર્મશાળા સુધી પહોંચ્યો પણ એટલા કામમાં તેને એટલો તો શ્રમ પડયો કે જ્યારે ધર્મગુરુ તથા મિત્ર સામા મળ્યા ત્યારે તેણે પોતાના પ્રાણ છોડી દીધા.
તેણે પોતાની છેલ્લી ફરજ બજાવી હતી. તે પોતે સાચા અર્થમાં તેરમો ધર્મગુરુ સાબિત થયો હતો.
જ્યારે સવારે પેલો ઘાયલ માનવી ભાનમાં આવ્યો ત્યારે જ તેને બધી હકીકતનું ભાન થયું. પોતે વગર વિચાર્યે કરેલા આઘાત પર તેને ભારે અફસોસ થયો.
પણ હવે ઘણું મોડું થયું હતું.
એ શ્વાનને આજે પણ બાર ધર્મગુરુઓની ધર્મશાળા પાસે દફનાવેલો જોવામાં આવે છે. રોન ઘાટીમાં એ કૂતરાની સમાધિ છે અને એ સમાધિ પર આ મુજબની તક્તિ અંક્તિ થયેલી છે.
તેરમો ધર્મગુરુ ટોમી જેણે ચાળીસ માનવીઓના પ્રાણ બચાવ્યા અને એકતાળીસમાએ તેના પ્રાણ લીધા.


