Get The App

શાકભાજીની કમાલ .

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
શાકભાજીની કમાલ                                             . 1 - image

ડૉ. પ્રીતિ ત્રી. કોટેચા

'શાકભાજી ખાઈએ નહીં તો પછી શું થાય, તમને ખબર છે? પ્રોટીન, વિટામિન અને તાકાત માટે રોજ શાકભાજી ખાવા જોઈએ. ફાસ્ટફૂડ કયારેક ખવાય, દરરોજ ખાઈએ

તો શરીરને બહુ નુકસાન થાય...'

એક ગાઢ જંગલમાં  બધાં પ્રાણીઓ પ્રેમથી રહેતાં. જંગલની બાજુમાં મજાનું નાનું તળાવ હતું.તળાવમાં માછલી, કાચબો, દેડકાં બધાં આનંદથી તરતાં.

આ બધામાં કાચબાભાઈ જંગલના સૌથી વડીલ અને સમજદાર હતા.

    એક દિવસ કાચબાભાઈએ પ્રાણીઓની વચ્ચે કંઈક વાત સાંભળી. તેમનાં બચ્ચાઓ કહી રહ્યાં હતાં -  

'અમને તો શાકભાજી નથી ભાવતી! 

અમે ખાશું  પીત્ઝા- બર્ગર, 

અમે ફરશું નગર નગર

ખાવા જોઈએ ફાસ્ટફૂડ 

 ખાઈને રહે આનંદી મૂડ...'

  કાચબાભાઈને આ સાંભળીને ચિંતા થઈ. તેઓ વિચાર્યા કરે કે આ બચ્ચાઓને શાકભાજીનો સાચો મહિમા કેમ સમજાવવો...?

તેમણે તરત જ  વડીલ મિત્રોને વાત કરી એક અનોખી સ્પર્ધાનું આયોજન કર્યુ - 'શાકભાજી ચિત્રકામ સ્પર્ધા!'      

 આખા જંગલમાં ઘોષણા થતાં જ જંગલનાં બધાં બચ્ચાઓ ખુશ- 'વાહ! ચિત્રકામની સ્પર્ધા!' બધા બચ્ચા પોતાની સામગ્રી લીધી અને ચિત્ર બનાવવાનું શરૂ કર્યું.

હરણીનાં બચ્ચાં સોનુ અને મોનુએ સુંદર પાલકના પાન દોર્યાં. એમાં કમાલના લીલા લીલાં રંગ ભરીને નીચે લખ્યુંૃ

'પાલક ખાઓ... આયર્ન અને વિટામિન વધારો... તાકાત અને લોહી વધારો...'

સસલાના બચ્ચા ગોલુએ તો ગાજર દોર્યું. 

લાંબું લાંબુ  ગાજર દોરી કેસરી કલર પૂર્યો. નીચે લખ્યું-

'ગાજર ખાઓ... આંખો તેજ બનાવો... શરીર મજબૂત બનાવો.'

સાબરનું બચ્ચું મુનમુન એની મમ્મીને કહે, 'હું શું બનાવું?' મમ્મી કહે, 'દૂધી બનાવ. મુનમુને  પેન્સિલથી લાંબી લાંબી દૂધી દોરી અને તેમાં લીલો કલર પૂર્યો અને લખ્યું-

'દૂધી ખાઓ... દૂધી હલકી અને પૌષ્ટિક છે...  શરીર ઠંડું રાખે છે... પાચનમાં મદદ કરે છે...'

   સ્પર્ધા પૂરી થઈ. બધાં બચ્ચાઓએ સુંદર ચિત્રો દોરીને તે ખાવાના ફાયદા લખ્યા હતાં.  બચ્ચાઓએ એકબીજાનાં ચિત્રો જોયાં અને શાકભાજીના ફાયદા વાંચ્યા.

ત્યાં જ જંગલના રાજા સિંહ આવી પહોંચ્યા.બધાં ચિત્રો જોઈને તે બોલ્યા, 'બહુ સરસ! તમે બધાએ શાકભાજીના ગુણો ખુબ જ સારી રીતે લખ્યા છે, પણ શાકભાજી ખાઈએ નહીં તો પછી શું થાય, તમને ખબર છે? પ્રોટીન, વિટામિન અને તાકાત માટે રોજ શાકભાજી ખાવા જોઈએ. ફાસ્ટફૂડ કયારેક ખવાય, દરરોજ ખાઈએ તો શરીરને બહુ નુકસાન થાય...' 

શાકભાજીનો મહિમા સમજી ગયેલાં બચ્ચાઓએ એકસ્વરે કહ્યું-

'ફાસ્ટફૂડથી દૂર રહીશું,

જન્કફૂડથી દૂર રહેશું,

શાકભાજી ખાશું,

તાજાંમાજાં થાશું!'

 બધાએ ખુશીની તાળીઓ પાડી. બસ, તે દિવસથી જંગલનાં તમામ બચ્ચાઓએ શાકભાજી ખાવાનું શરૂ કર્યું. આ રીતે જંગલવાસીઓ વધારે તંદુરસ્ત બની ગયાં. વ્હાલા બાળકો, તમે શું વિચારો છો...?