- ડો. ફાલ્ગુની રાઠોડ 'ફાગ'
- પરીબાઈ હળવેથી બોલી, 'ડર શેનો? આ જંગલનાં પશુ-પંખી બધાં મારાં મિત્રો છે. પણ સાંભળ, સૂરજ ઢળે પછી હું તારી કોઈ ઈચ્છા પુરી કરી શકીશ નહીં.'
'આ જોને, આખો દિવસ મમ્મી મારી સાથે ખીજાયા કરે છે! હવે તો હું આ ઘર છોડીને જતો જ રહું. રોજની કચકચ સાંભળીને કંટાઈ ગયો છું,' આવું કહીને બાર વર્ષનો મુન્નો ઘરથી નીકળી ગયો.
રસ્તા પર ચાલતો ચાલતો એ જંગલ તરફ પહોંચ્યો. બપોરે સૂર્યના તાપથી બચવા એક ઝાડ નીચે બેસી ગયો. ત્યાં એને એક સુંદર સોનેરી લાકડી દેખાઈ. મુન્નાએ લાકડી હાથમાં લીધી. તેને હળવેથી ઘસતાં જ અચાનક તેમાંથી ધુમાડો નીકળ્યો! બીજી જ પળે સામે એક પરી પ્રગટ થઈ.
'બોલ મુન્ના! તેં મને કેમ બોલાવી?'
'તમે... તમે કોણ?'
'અરે, હું આ જંગલની પરીબાઈ. આ ઝાડમાં રહું છું. તારા હાથમાં જે છે, એ મારી જાદુઈ છડી છે. એને જે ઘસે, તેની સામે હું આવી જાઉં છું. હવે તારે જે જોઈએ તે કહી દે, તારી બધી ઈચ્છા પુરી કરીશ.'
મુન્નો આશ્ચર્યભર્યા સ્વરે બોલ્યો, 'શું ખરેખર મારી ઈચ્છા પૂરી કરશો?'
પરીબાઈ હસતાં હસતાં કહે, 'હાસ્તો વળી! બોલ, તારી ઈચ્છા શું છે?'
'મને ભૂખ બહુ લાગી છે. મને ખાવા માટે કંઇક આપો.'
પરીએ સોનેરી છડી હાથમાં લઈને ત્રણ વખત ફેરવી. તરત જ ચારે બાજુ ખાવાની સ્વાદિષ્ટ વાનગીઓ આવી ગઈ. ભૂખ્યો મુન્નો મોજથી જમ્યો.
પછી એણે પૂછયું-
'પરીબાઈ, તમે આ જંગલમાં એકલાં રહો છો તો તમને ડર નથી લાગતો?'
પરીબાઈ હળવેથી બોલી, 'ડર શેનો? આ જંગલનાં પશુ-પંખી બધાં મારાં મિત્રો છે. પણ સાંભળ, સૂરજ ઢળે પછી હું તારી કોઈ ઈચ્છા પુરી કરી શકીશ નહીં.'
'એવું કેમ, પરીબાઈ?'
પરીબાઈએ લાંબી વાત કહી. કેવી રીતે એ ઘરમાંથી ભાગીને જંગલમાં આવી, રસ્તામાં એક જાદુગર મળ્યો, જાદુથી એને આ ઝાડમાં કેદ કરી દીધી. પછી સિંહે એ જાદુગરનો શિકાર કર્યો. જાદુગર મરતાં પેલા બોલ્યો હતો કે સૂરજ ડૂબી જાય પછી તારી શક્તિ આ ઝાડમાં સમાઈ જશે. એટલા માટે એણે કેટલીયે વાર બહાર આવવા પ્રયાસ કર્યો હતો, પણ સફળ થઈ શકી નહોતી.
આ વાત સાંભળી મુન્નાએ પૂછયું, 'પણ હું તો ઘરેથી એટલે નીકળી ગયો છું કે મમ્મી મને રોજ વાંચવા-લખવા બેસાડે છે અને ખીજાય છે. એટલે હું કંટાળી જઈ ગયો છું.'
પરીબાઈ સમજાવતાં બોલી, 'અરે, આમ ઘર છોડીને ન જવાય, બેટા! મમ્મી ક્યારેય સંતાનનો દુશ્મન નથી હોતી. એનો ગુસ્સો પણ તારા ભલા માટે જ હોય છે. મારી જેમ ભૂલ ના કર. મને હવે ઘર બહુ યાદ આવે છે, પણ મારાથી કાંઈ થઈ શકતું નથી.'
મુન્નાને વિચાર આવ્યો. એ કહે, 'તો હું એક કામ કરું? હું એવું માંગુ કે તમે તમારી મમ્મી પાસે પહોંચી જાઓ?'
પરી ખુશ થઈ બોલી, 'વાહ મુન્ના, આ તો સરસ વિચાર છે! જલ્દી ઈચ્છા વ્યક્ત કર.'
મુન્નાએ ઈચ્છા વ્યકત કરી. તરત જ બંને પરીબાઈના ઘરે પહોંચી ગયાં.
પરીબાઈ નાની બાળકીની જેમ પોતાની મમ્મીને વળગી પડી.
આ જોઈને મુન્નાને પોતાની મમ્મી યાદ આવી ગઈ. એ દોડીને પોતાના ઘરે પરત આવ્યો. રસ્તામાં એણે પેલી જાદુઈ છડી હંમેશા માટે નદીમાં ફેંકી દીધી.
ઘરે મમ્મી રડી રહી હતી અને 'મુન્ના... મારા મુન્ના...' કહીને સાદ પાડી રહી હતી.
મુન્નો દોડીને મમ્મીને ભેટી પડયો. એ કહે, 'મમ્મી, હવે ક્યારેય તને છોડીને નહીં જાઉં. સોરી. મને માફ કર.'
મમ્મીએ એને ગળે લગાડીને કહ્યું, 'હા બેટા, હવેથી હું પણ તારા પર ક્યારેય ગુસ્સો નહીં કરું.'
મમ્મીએ પ્રેમથી મુન્નાના માથે હાથ ફેરવ્યો. મુન્નો આનંદથી નાચવા માંડયો.


