'જન ગણ મન'નો અનોખો સંગીતકાર એલેં દેન્યેલૂ
- આપણાં રાષ્ટ્રગીત 'જન ગણ મન'ના લેખક-કવિ કોણ ? એ તમે જાણો છો, પણ...
- એ સન્માનનીય રાષ્ટ્રગીતની સંગીત રચના, સંગીતની ધૂન કોણે તૈયાર કરી, એ જાણો છો?
- ક્રાંતિકારી ઓગસ્ટ મહિનાની વિશેષ ભેટ. રાષ્ટ્રગીત આપણું, સંગીતકાર ફ્રેંન્ચ. ભારતીય વીણા અને ફ્રેન્ચ વિદ્વાનોની સિમ્ફનીનું તે મધુર મિશ્રણ છે તમે નહિ જાણતા હો. તમારી નોટ-બૂકમાં ચીટકાવી રાખો તેવી કંઇક કૌતુક વાર્તા
- એલં સંગીતની સાથે સાથે મોટો થતો હતો. ત્યારે તેના સાંભળવામાં ભારતીય સંગીત આવ્યું. એ સંગીત તેને વધુ ગમવા લાગ્યું. ભારતીય સંગીતનાં સૂર-તાલ અને વાજિંત્રોમાં તેને ઘણી નવીનતા જોવા મળી. તેને ભારે કૌતુક અને કુતૂહલ થયું
ભા રતનું રાષ્ટ્રગીત છે. 'જન ગણ મન...' એની ધૂન તમારા હૈયામાં વસી ગઈ છે. પણ કહી શકશો કે આ ગીતને સંગીતબદ્ધ કરનાર સંગીતકાર કોણ છે ?
અમેરિકાને 'સ્વતંત્રતાની દેવી'ની ભેટ ફ્રેન્ચ લોકો દ્વારા પ્રાપ્ત થઇ હતી. ભારતના રાષ્ટ્રીય ધૂનના રચયિતા છે એક ફ્રેન્ચ સંગીતકાર શ્રી એલેં દેન્યેલૂ.
સિનેમાનાં ગીતો તમે સાંભળો છો ને ?
સાંભળો જ છો.
દરેક ગીત સાથે તેના ગીતકારનું નામ અને સંગીતકારનું નામ
બોલાય છે.
'આપણા લોકપ્રિય સંગીતકારો કયા?' એવો પ્રશ્ન તમને પૂછાય તો તરત જ તમે બોલી ઊઠશો, શંકર-જયકિશન, કલ્યાણજી-આણંદજી, લક્ષ્મીકાંત-પ્યારેલાલ, નદીમ-શ્રવણ, એ.આર.રહેમાન વગેરે.
તમારું એ બાબતનું જ્ઞાાન એટલું છે કે તમે બોલ્યે જ જશો. તમારા અભ્યાસ કરતા તમારું સિનેમાનું જ્ઞાાન વધારે જ હોય છે. જો એ પરીક્ષા લેવામાં આવે તો તમે બધાં જ પહેલા વર્ગમાં આવો. બીજો વર્ગ જ ન રહે.
પણ તમને જો પૂછવામાં આવે કે, આપણા રાષ્ટ્રગીતના સંગતીકાર કોણ ? તો તમે જવાબ આપી શકશો ?
નહિ આપી શકો. અથવા ઘણા ઓછાં કે - એક - બે વિદ્યાર્થી જ એ જવાબ આપી શકશે. તે પણ સાચો જ હોવાની ખાતરી તો નહિ જ.
જ્યારે જ્યારે રાષ્ટ્રીય પર્વ હોય છે ત્યારે 'જન ગણ મન' અવશ્ય ગવાય જ છે. રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત સાથે જ ફરફરે છે, ફરકે છે.
સ્વતંત્રતા દિવસ, ગણતંત્ર દિવસ, ગાંધી જયંતી જેવા રાષ્ટ્રીય તહેવારોમાં 'જન ગણ મન' અવશ્ય વાગે જ છે. રાષ્ટ્રપતિના રાષ્ટ્રીય પ્રવચન વખતે પણ એ રાષ્ટ્રગીતની રાષ્ટ્રીય ધૂન વાગે છે.
એ ધૂનના ઢાળ, હલ, લય એકસરખા રહે છે. રાષ્ટ્રગીતને કોઈ બીજા ઢાળમાં ઢાળવાની કે ગાવાની છૂટ નથી. કોઈ ગાતું પણ નથી.
તો ફરીથી પ્રશ્ન પૂછીએ છીએ, 'જન ગણ મન' ગણગણો અને કહો જોઇએ કે એની ધૂન કોણે તૈયાર કરી હતી ? એના સંગીતકાર કોણ ?
એ તો તમે જાણતા જ હશો કે 'જન ગણ મન'ના કવિ છે ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોર, જાણો છો ને ? કે એ પણ નહોતા જાણતા ?
ઠીક, ચાલો હવે તમારી બહુ કસોટી નહિ કરીએ. 'જન ગણ મન અધિનાયક, જય હે ભારત ભાગ્યવિધાતા' જેવા આપણાં રાષ્ટ્રગીતના સંગીતકાર છે.
જી ના. એ કોઈ ભારતીય સંગીતકાર નથી.
જેમ અમેરિકાના પ્રવેશદ્વારે જે 'સ્વતંત્રતાની દેવી' ભી છે, હાથમાં મશાલ લઇને, એ પ્રતિમા કોઈ અમેરિકને બનાવી નથી. બલકે આઝાદીની એ પ્રિતમા જ અમેરિકન નથી. એ પ્રતિમા ફ્રેન્ચ લોકોની ભેટ છે.
આપણા રાષ્ટ્રગીત 'જન ગણ મન'ની ધૂન પણ એ જ રીતે એક ફ્રેન્ચ સંગીતકારની ભેટ છે.
નવાઈ લાગે તેવી એ વાત છે. છતાં એ હકીકત છે. સત્ય છે. એ ગીતને ધૂન આપનાર સંગીતકારનું નામ છે એલેં દેન્યેલૂ.
હવે જરૂર તમને દેન્યેલૂ વિષે અને એ ધૂન તેમણે કેવી રીતે તૈયાર કરી એ વિષે જાણવાનું મન થશે જ !
તો સાંભળો બાળમિત્રો ! એલેં દેન્યલૂનો જન્મ ફ્રાંસમાં ૧૯૦૭માં થયો હતો. નાનપણથી જ બાળક એલેંને સંગીતનો ભારે શોખ હતો. તમે જેમ જાતજાતનાં રમકડાંઓથી રમો છો. તેમ બાળક એલેં સંગીતનાં રમકડાંઓથી રમતો. નાની વાયોલીન, નાનુ વાજું, નાનાં તબલાં, અરે તબલાં કે ઢોલ વળી શાનાં ? ડબલાઓ કે થાળીઓ પર જ તે સંગીત વગાડવા મંડી પડતો.
તેનાં માતાપિતાએ તેનો એ શોખ જોયો. તેમણે નાનપણથી જ એલેં ને સંગીતશિક્ષણ આપવું શરૂ કર્યું. સંગીતનો વિદ્યાર્થી માત્ર વિવિધ વાજિંત્રો વગાડતાં જ શીખતો ન હતો, તે એ વાદ્યો પર પોતાની સંગીતધૂનો પણ તૈયાર કરતોહતો. કોઈ પણ જાતના માનવીય શબ્દો વગર જે સંગીતધૂન તૈયાર થાય છે તેને 'ઓરકેસ્ટ્રા' કહેવામાં આવે છે. વિદ્યાર્થી એલેં આવી સ્વતંત્ર ઓરકેસ્ટ્રાઓ તૈયાર કરતો અને સાથીઓ સાથે તે વગાડતો. જાહેરમાં તેના કાર્યક્રમો પણ આપતો.
હવે આ રીતે એલં સંગીતની સાથે સાથે મોટો થતો હતો. ત્યારે તેના સાંભળવામાં ભારતીય સંગીત આવ્યું. એ સંગીત તેને વધુ ગમવા લાગ્યું. ભારતીય સંગીતનાં સૂર-તાલ અને વાજિંત્રોમાં તેને ઘણી નવીનતા જોવા મળી. તેને ભારે કૌતુક અને કુતૂહલ થયું.
૧૯૩૨માં ભારતીય સંગીત શીખવા માટે જ એલેં દેન્યેલૂ ભારત પધાર્યા. ત્યારે નવયુવાન એલેંની ઉંમર માત્ર પચીસ વર્ષની હતી. વારાણસી અથવા બનારસ અથવા કાશી સંગીતનું સ્વર્ગધામ મનાતું.
એલેં કાશી પધારી સહુથી ઊંચા પીઢ પરપકવ ગુરુની શોધ કરવા લાગ્યા. તેમનો ભેટો ત્યારનાસંગીતાચાર્ય શિવેન્દ્રનાથ બસુ સાથે થઇ ગયો. ફ્રેંચ વિદ્યાર્થી એલેંએ શિવેન્દ્રનાથને ગુરુસ્થાને સ્થાપી પોતાની સંગીતસાધના શરૂ કરી તેને ભારતીય વીણામાં વધુ રસ પડયો અને વીણાવાદનમાં તે પારંગત થતો ગયો.
ભારતીય વીણા અને ફ્રેન્ચ પિયાનોના સંગીતનું તે સંમિશ્રણ કરવા લાગ્યો. એલેંનો ઇરાદો દેશી-વિદેશી સંગીતના માધ્યમ દ્વારા કોઇ નવું જ સંગીત, નવી જ ધૂનો શોધવાનો હતો.
ગુરુદેવ શિવેન્દ્રનાથ બંગાળી હોવાને લઇને એલેં પર બંગાળી ગીતો, બંગાળી સંગીતની ગાઢ અસર પડી. એ સંગીત તેને કલકત્તા ખેંચી ગયું. અને કલકત્તામાં શાંતિનિકેતન તો બંગાળી સંગીતની માતૃભૂમિ જ હતી. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર જાતે જ અવનવાં ગીતો લખતા અને તેને ભારતીય શાસ્ત્રીય તથા સુગમ સંગીતમાં સંગીતમય બનાવી રહેતા.
શાંતિનિકેનત પહોંચી ગયેલા એલેં દેન્યેલૂને તો મજા જ પડી ગઈ. ગુરુદેવ ટાગોરનાં કંઇક જાણ્યાં અજાણ્યાં ગીતોને તેણે સંગીતબદ્ધ કરવા માંડયાં.
એલેં પહેલાં પોતાની ધૂન તૈયાર કરતો અને જ્યારે સંગીતરચના પૂરેપૂરી તૈયાર થાય ત્યારે જાહેર સમારંભમાં તેની રજૂઆત થતી.
એ સંગીતરચના ઉપર ચર્ચા-વિચારણા થતી. સૂચનો મેળવાતાં અને એમાં સુધારાવધારા સહિત છેવટની ધૂનને મંજૂરી મળી જતી. પછી એ ગીત એ જ માન્યતાવાળી ધૂનમાં ગાવામાં આવતું.
એલેં દેન્યેલૂ શાંતિનિકેતનના આ કાર્યક્રમમાં એટલા ઓતપ્રોત થઇ ગયા કે એક પછી એક કંઇક ગીતોને તેમણે સંગીતબદ્ધ કરી નાખ્યાં.
આ વર્ષો દરમિયાન જ એલેં દેન્યેલૂએ ટાગોરના પ્રસિદ્ધ ગીત જન ગણ મનની ધૂન તૈયાર કરી નાખી. એ ધૂનમાં તેણે મિલિટરી બેન્ડ અને સિમ્ફની એરકેસ્ટ્રાનો ઉપયોગ કર્યો. ત્યારે એ ગીત કૂચ ગીત, લશ્કરી ગીત કે કવાયત ગીત તરીકે ગવાઈ રહેવું.
ત્યારે આપણો દેશ આઝાદ ન હતો અને જન ગણ મનની ધૂન કોઈ વિશેષ હેતુ માટે વિશેષ રૂપે તૈયાર થઇ ન હતી.
પણ એ ગીત એ એ ધૂન તૈયાર થતાં જ લોકપ્રિય થઈ. ઠેર ઠેર ગવાવા લાગી. શાંતિનિકેતન આઝાદીની શાંત લડતનુંકેન્દ્ર હતું. એટલે એ ગીત એ જ સંગીતમાં વખતોવખત વાગતું થઇ ગયું. પછી તો ઠેર ઠેર આખા દેશમાં એની હવા જામી ગી.
૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે ભારત આઝાદ થયું. ત્યારે એ જ ગીત સર્વત્ર વાગતું થઇ ગયું. પણ ૧૯૫૦ના જાન્યુઆરીની ૨૪મી તારીખે 'જન ગણ મન' અને તેની એલેં દેન્યેલૂની ધૂનને રાષ્ટ્રીયતા બક્ષવામાં આવી. એ ગીતને ભારતીય સંસદ દ્વારા રાષ્ટ્રગીતની માન્યતા આપવામાં આવી. ત્યારે રાષ્ટ્રીય હતા બાબુ રાજેન્દ્ર પ્રસાદ.
એ ગીત સાથે જ 'વંદે માતરમ્' ને પણ રાષ્ટ્રભક્તિના આદર્શ ગીતનો દરજ્જો આપી દેવાયો. 'વંદે માતરમ્' પણ બંગાળીના જાણીતા કવિ-લેખક બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની જ રચના હતી. એ ગીત તેમણે તેમની નવલકથા 'આનંદમઠ' માટે તૈયાર કર્યું હતું અને એ નવલકથામાં જ તે પ્રગટ થયું હતું. પણ એ ગીતને ય સ્વાભાવિક ખ્યાતિ મળી રહી.
આમ આપણાં બંને રાષ્ટ્રભક્તિનાં ગીતો બંગાળમાંથી આવીને દેશભરમાં પ્રચલિત થયાં.
પણ આવી અમર ધૂન બક્ષનાર ફ્રેન્ચ સંગીતકાર એલેં દેનયેલૂ ત્યારબાદ કંઇ શાંત બેસી ન રહ્યા. તેઓ તો ભારતીય સંગીતમાં એવા ઓતપ્રોત થઇ ગયા કે સારાય ભારતની તેમણે સંગીતસફર શરૂ કરી. ઉત્તર ભારતના સંગીતથી તેઓ એવા પ્રભાવિત થયા કે તેમણે 'નોર્ધર્ન ઇન્ડિયન મ્યુઝિક' નામનું ઉત્તર ભારતીય સંગીત જેવું યાદગાર પુસ્તક પ્રસિદ્ધ કરી દીધું. એપુસ્તક તૈયાર કરતાં તેમને ૧૯૩૭થી ૧૯૪૩ જેવો છ વર્ષનો સમય લાગી રહ્યો.
તેમની સંગીત વિદ્વત્તા હવે દેશભરમાં ખ્યાતિ પામી ચૂકી હતી. ૧૯૪૫માં તેમને બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સંગીત વિભાગના આચાર્ય બનાવી દેવાયા. એક ફ્રેન્ચ માનવી આ રીતે ભારતીય સંગીતકારોને ભારતીય સંગીત શીખવાડતા થઇ ગયા.
પણ એલેં દેન્યેલૂ તો સંગીતક્ષેત્રે એથી ઘણું કામ કરવું હતું તેથી ૧૯૫૪થી ૧૯૫૬ સુધી મદ્રાસની 'આડયાર લાઈબ્રેરી ઓફ સંસ્ત મેન્યુસ્ક્રીપ્ટ'ના અધ્યક્ષ બની રહ્યા. ભારતીય સંગીતરચના લિપિબદ્ધ થવી જ જોઇએ, એ તેમનો આગ્રહ રહ્યો.
ભારતમાં આ રીતે ૧૯૩૨થી ૧૯૫૭ સુધી પચીસ વર્ષ સંગીત-કાર્ય કરીને, તેમના મત મુજબ સંગીત શીખીને તેઓ પાછા યુરોપ ગયા અને ત્યાં જઇને ભારતીય સંગીતને લોકપ્રિય બનાવતા રહ્યા. એ કાર્ય તેમણે પુસ્તકો દ્વારા પણ કર્યું. તેમનું ફ્રેન્ચ ભાષામાં લકાયેલ પુસ્તક 'ધુ્રપદ એવ લી મ્યુઝિક ઇન્ડિયન એ સા ટ્રેડિસિયા' તો ભારતીય સંગીતની વિશ્વભરની ગીતા મનાય છે. ૧૯૬૦માં ભારતીય સંગીત પરનું એક મોટું સંકલન યુરોપની વિવિધ ભાષામાં તૈયાર થઇને સહુને માટે પ્રાપ્ત થઇ રહ્યું.
વિદેશી હોવા છતાં એલેં દેન્યેલૂએ ભારતીય સંગીત માટે એટલું મહાન કાર્ય કર્યું. જે કોઈ ભૂલી શકે તેમ નથી. ૧૯૯૧માં ભારતની કેન્દ્રીય સંગીત નાટક અકાદમી દ્વારા 'સંગીતરત્ન'ની ઉપાધિથી તેમને વિભૂષિત કરવામાં આવ્યા.
જો કે એલેં એવી કંઇક ઉપાધિઓથી પર છે. ભારતીય સંગીત દ્વારા તેનું જે સન્માન થાય તે ખરું, પણ ભારતની પ્રજાને 'જન ગણ મન'ની રાષ્ટ્રીય ધૂન બક્ષીને તો સંગીતકાર એલેં દેન્યેલૂએ ભારત પર મોટો ઉપકાર જ કર્યો છે.
બાળમિત્રો ! હવે તમને ભારતના રાષ્ટ્રગીતના સંગીતકારનું નામ યાદ રહેશે ને ?
કાયમ યાદ રાખવી જેવી 'જન ગણ મન'ની વિગતો
'જન ગણ મન' આપણું રાષ્ટ્રગીત છે, એ કવિવર રવીન્દ્રનાથ ટાગોરની રચના છે, એ ગીત સહુ પ્રથમ ૨૭ ડિસેમ્બર ૧૯૧૧ના રોજ રાષ્ટ્રીય કોંગ્રેસમાં ગવાયું હતું. ભારતીય ઘટના સમિતિએ ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ એને રાષ્ટ્રગીતની માન્યતા આપી. ગીત કુલ પાંચ કડવાંનું છે, પણ ફક્ત પહેલા જ કડવાને રાષ્ટ્રગીતનો દરજ્જો પ્રાપ્ત છે. આખું રાષ્ટ્રગીત ગવાઈ રહેતાં બાવન સેંકડ લાગે છે, પણ પહેલી અને છેલ્લી પંક્તિઓ ૨૦ સેકંડમાં પૂરી થઇ શકે છે, એ ગીત આ પ્રમાણે છે.
સ્વાધીન ભારતનું રાષ્ટ્રગીત
જન ગણ મન અધિનાયક
જય હે ભારત ભાગ્યવિધાતા
પંજાબ, સિંધુ, ગુજરાત, મરાઠા, દ્રાવિડ ઉત્કલ બંગા
વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગા
તવ શુભ નામે જાગે
તવ શુભ આશિષ માગે
ગાહે તવ જયગાથા
જન ગણ મંગલદાયક, જય હે, ભારત ભાગ્યવિધાતા
જય હે, જય હે, જય જય જય જય હે.