Get The App

કપટીને મળ્યું મોત .

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
કપટીને મળ્યું મોત                                           . 1 - image

- 'હું તને આ અંગુઠી આપું  છું. આ મામુલી અંગુઠી નથી. આ અંગુઠી પાસે તું જે માગીશ તે મળશે. હા, ખાસ યાદ રાખજે. આ અંગુઠીનો ઉપયોગ તું ફકત એક જ વખત કરી શકીશ!'

- હરીશ મણિયાર

એક ગામ. ગામમાં એક ભલો ખેડૂત સંતોષી જીવ. થોડી ઘણી જમીન પોતાની પાસે હતી તે ખેડીને ગુજરાન ચલાવે. તેના હૃદયમાં પરોપકારની ભાવના સદૈવ જીવંત રહેતી. ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી માટે તે હંમેશ તત્પર, તૈયાર રહેતો. ભલાઈ માટે આજુ-બાજુવાળાઓ પણ તેને માનથી જોતા. આદર આપતા.

વૈશાખના દિવસો હતા. સૂર્ય પૂરા ઝનૂનથી તપી રહ્યો હતો. ભયંકર ગરમી પડી રહી હતી. ખેડૂત પોતાના ખેતરમાં કામ કરી રહ્યો છે. દૂરથી કોઈના કણસવાનો અવાજ આવે છે. ખેડૂત દોડીને ત્યાં જાય છે. જોયું તો વૃધ્ધ ડોશીમા 'પાણી... પાણી... ' તેમ કણસતાં-કણસતાં બોલી રહ્યાં હતાં. ખેડૂત દોડીને પાણી ભરી લાવ્યો. ડોશીમાને પીવડાવ્યું. ડોશીમાએ આશીર્વાદ આપ્યા. અને સાથે સાથે એક અંગુઠી આપી. બોલ્યા - 'બેટા, તે મારો આત્મા ઠાર્યો છે. હું તને આ અંગુઠી આપુ છું. આ મામુલી અંગુઠી નથી. આ અંગુઠી પાસે તું જે માગીશ તે મળશે. હા, ખાસ યાદ રાખજે. આ અંગુઠીનો ઉપયોગ તું ફકત એક જ વખત કરી શકીશ. ભગવાન તારું ભલું કરે.' 

ડોશીમા અદ્રશ્ય થઈ ગયાં.

ખેડૂત તો સ્વપ્ન જોઈ રહ્યો હોય તેમ સ્તબ્ધ થઈ ગયો. 'ડોશીમા ક્યાં ગયાં? 'આ શું ચમત્કાર છે?' ખેડૂત અંગુઠી સામે જોઈ રહ્યો. 'આની પાસે શું માગવું? ચાલ, ઘેર જઇને પછી વાત.' આવું વિચારતો ઘર ભણી ઉપડયો.

ગામમાં દુનિચંદની સોના-ચાંદીની દુકાન હતી. દુનિચંદ પારકી વસ્તુ પચાવી પાડવામાં પાવરધો હતો. કોઈ ગ્રાહકનું સોનુ-ચાંદી કાઢી લેવા. કોઈની સાથે બનાવટ કરવી. આવો દુનિચંદ દુકાનના થડે બેઠો હતો. ગરમીને હિસાબે ઘરાકી હતી નહીં. નવરો દુનિચંદ હાથ પંખાથી હવા ખાઈ રહ્યો હતો. પેલો ખેડૂત ત્યાંથી પસાર થયો. દુનિચંદનું ધ્યાન પડયું. ખેડૂતની દ્રષ્ટિ મળી. ખેડૂતે રામ-રામ કર્યા. દુનિચંદ બનાવટી હસતાં બોલ્યો. 'રામ-રામ... ભલા માણસ, આવા ખરા તડકામાં કયાં આંટા મારે છે?' 

જવાબમાં ખેડૂતે બધી વાત કરી. દુનિચંદની હૃદયની પાટીમાં કપટનો એકડો ઘુંટાવા લાગ્યો. 'લાવ, બતાવ તો એ અંગુઠી.'  

ખેડૂતે એ અંગુઠી દુનિચંદને આપી. દુનિચંદે અંગુઠી આમ-તેમ ફેરવીને જોઈ. 'આ તો સાવ મામુલી અંગુઠી છે. આવા અંગુઠીયા તો બજારમાં મામુલી ભાવે મળે છે. અને એ ડોશી તને ઉલ્લુ બનાવી ગઈ. માટે જો આ અંગુઠી ભૂલી જા, તું ભલો માણસ છે. તારે જોઇતી હોય તો હું બીજી અંગુઠી આપું. સંકટમાં એ ક્યારેક કામ આપશે.' 

ખેડૂત તો વિચારે ચડયો. આવડો મોટો શેઠીયો વેપારી સાચુ જ કહેતો હશે ને? 'ભલે તમો કહો તેમ...' ખેડૂત બોલ્યો. દુનિચંદે બીજી અંગુઠી કાઢીને ખેડૂતને આપી. ખેડૂત અંગુઠી લઈને ગયો. દુનિચંદના હોઠ પર ખંધુ સ્મિત ફરકી ગયું. 'એ મૂરખાને કેવો બનાવ્યો, હવે હું ઘરે જઈને, રાત્રે મનગમતું માંગીશ. એયને મારો તો બેડો પાર. આવા મુરખાઓ ન જાણે કેટલાં છે આ જગતમાં! પણ ત્યારે મનોમન હરખાઈ રહેલા દુનિચંદને ક્યાં ખબર હતી કે, વિધાતાએ શું નિર્માણ કર્યું છે.

આથમવાની ઉતાવળ હોય તેમ સૂર્યે પાતાળમાં ડૂબકી મારી. પંખીઓ પોતાના માળામાં પાછા ફરવા જાણે ઉતાવળે ઉડીને આવી રહ્યાં હતાં. ખેતરેથી કામકાજ આટોપીને આવી રહેલા ખેડૂતો, ગાડે જોડેલા બળદોને ગળે બાંધેલ ઘુઘરીઓનો અવાજ સાંજ પડી ગયાની ચાડી ખાતો હતો. દુનિચંદના હૈયે હરખ સમાતો ન હતો. 'ક્યારે રાત પડે ને ક્યારે પેલી અંગુઠી પાસે માંગુ...' 

સમય સર્યો. અવનિ પર અંધકાર ઉતરી આવ્યો. ગામ જંપી ગયું. દુનિચંદ જાગતો હતો. પોતાના ઓરડામાં બેઠો છે. પેલી જાદુઈ અંગુઠી સામે પડી છે. દુનિચંદ અંગુઠીને કહે છે, 'અબ્બે અંગુઠી, તું ચમત્કારી છે. મનગમતી ઈચ્છા પૂરી કરી શકે છે. તો સોનામહોરોનો વરસાદ વરસાવ. મારો આ ઓરડો ભરાઈ જાય...' 

અને ચમત્કાર થયો. સોનામહોરો વરસવા લાગી! દુનિચંદને સ્વર્ગ હાથવેંતમાં લાગ્યું. સોનામહોરો અવિરત વરસવા લાગી. દુનિચંદ ખુદ તેમાં દટાવા લાગ્યો. દુનિચંદ મુંઝાવા લાગ્યો. ' આ શું? સોનામહોરના ડગલામાં હું દટાઈને મરી જઈશ' પરંતુ હવે શું? દુનિચંદને પોતાના કપટનો બદલો મળી રહ્યો હતો. સોનામહોર રૂપી મોત ટપકયું હતું. અને બન્યું પણ એવું જ. દુનિચંદે માગ્યા પ્રમાણે આખો ઓરડો ભરાઈ ગયો. દુનિચંદ તે ઢગલા નીચે દબાઈને મૃત્યુ પામ્યો.

સવારે દુનિચંદના ઘર પાસે લોક ભેગુ થયું. ઓરડામાં સોનામહોરના ઢગલો જોઈ બધાની આંખોમાં અચરજ ઉછળી રહ્યું હતું. પેલો ખેડૂત પણ ત્યાં આવે છે. ગામના મુખીને બધી વાત કરે છે. મુખી કહે, 'સાંભળો ગ્રામજનો, આ ભલા માણસની વાત ખોટી ન હોય શકે. સોનામહોરોનો સાચો માલિક આ ભલો માણસ છે. દુનિચંદની અંતિમ ક્રિયા આપણે સૌ સાથે મળીને કરીશું. બધાએ મુખીની વાત વધાવી લીધી. પેલો ખેડૂત બોલ્યો, 'મુખીજી, આપની લાગણી બદલ આભાર. પરંતુ, મારી એક અરજ છે. આ સોનામહોરો પર મારો એકલાનો નહીં આપણા બધાનો હક્ક છે. આ સોના થકી આપણે ગામમાં તળાવ, નિશાળ, મંદિર, ચબુતરો, ધર્મશાળા બાંધીશું.'

'ધન્ય છે ભલા માણસ, ધન્ય છે તને'..... ભલા માણસની વાત સાંભળી સર્વ ગ્રામજનોની આંખોમાં હર્ષાશ્રુ ચમકી રહ્યાં.