- 'તમારે મીઠાઈની દુકાન નાખવાની જ નથી. જો તમે મીઠાઈની દુકાન નાખશો તો હું શેરસિંહને ખોટી ફરિયાદ કરીને તમારી દુકાન બંધ કરાવી દઈશ.'
- પ્રકાશ કુબાવત
નં દનવનમાં ફોગી શિયાળને મીઠાઈની દુકાન હતી. ચિતરંજન ચિત્તો ફોગીનો ખાસ મિત્ર હતો. ચિતરંજન શેરસિંહનો મંત્રી હતો આથી ફોગી રોજ ચીતરંજનને તેને ભાવતી મીઠાઈ મફત આપતો.
ફોગી કોઈને મીઠાઈની દુકાન નાખવા દેતો નહતો. જો કોઈ મીઠાઈની દુકાન નાખવાનું સાહસ કરે તો ફોગી ચિતરંજનને કહેતો. ચિતરંજન ધાકધમકી આપતો અને કહેતો કે, 'ફોગી સરસ મીઠાઈ વહેંચે છે. આથી તમારે મીઠાઈની દુકાન નાખવાની જ નથી. જો તમે મીઠાઈની દુકાન નાખશો તો હું શેરસિંહને ખોટી ફરિયાદ કરીને તમારી દુકાન બંધ કરાવી દઈશ.'
ચિતરંજનનો સાથ મળતા ફોગી હવે મીઠાઈનો મનફાવે તેવો ભાવ લેતો. તોલમાં પણ ઘાલમેલ કરતો. મીઠાઈ બનાવવા માટે ઘી, તેલ વગેરેમાં પણ ભેળસેળ કરતો.
એક દિવસ રેબિ સસલાને ત્યાં બપોરે અચાનક મહેમાન આવી ચડયા. મહેમાનોને જોઈને તે તો રાજીરાજી થઈ ગયો. ઘરે મિષ્ટાન્ન બનાવવામાં વાર લાગશે એમ વિચારી રેબિ બાસુંદી લેવા ફોગીની મિષ્ટાન્નની દુકાને ગયો.
ફોગી દુકાન બંધ જ કરતો હતો ત્યાં રેબિ આવ્યો અને કહ્યું, 'મને ત્રણ કિલો બાસુંદી આપો.'
રેબિની વાત સાંભળી ન સાંભળી કરી તે શટર પાડવા લાગ્યો. રેબિએ કહ્યું, 'મને બાસુંદી આપો પછી દુકાન બંધ કરો.'
ફોગીએ કહ્યું કે, 'મારે દુકાન બંધ કરવાનો સમય થઈ ગયો છે. ઘરે જમવાનું તૈયાર છે. તારે વહેલા આવવું જોઈએ ને?'
રેબિએ કહ્યું, 'અત્યારે જ મારા ઘરે મહેમાન આવ્યા. આથી દોડતો તરત જ આવ્યો. મહેરબાની કરીને મને ત્રણ કિલો બાસુંદી આપો.'
'ત્રણ કિલો બાસુંદીના બે હજાર રૂપિયા થશે. કહે તો તારા ઉપર દયા કરી દુકાન ખોલી તને બાસુંદી આપું,' ફોગી બોલ્યો.
'બે હજાર રૂપિયા તો વધારે કહેવાય. વાજબી ભાવ રાખોને. હું તમને પંદર સો રૂપિયા આપી દઈશ. દરરોજ તો તમે પાંચસો રૂપીયે કિલો બાસુંદી વેંચો છો.' રેબિ બોલ્યો.
'દુકાન બંધ કરવાના સમયે તું આવ્યો અને મગજમારી કરી તેનો આ ભાવ છે. જલ્દીથી કહે બાસુંદી જોઈએ છે કે હું ચાલતો થાવ.' ફોગી બોલ્યો.
કચવાતા મને રેબિએ બે હજાર રૂપિયા આપી બાસુંદી ખરીદી.
રેબિને ફોગીનું વર્તન જરાય ગમ્યું નહીં. તેણે ફોગીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું.
તે તેના મિત્ર હંસરાજ હાથી પાસે ગયો અને ફોગીની બધી વાત કરી. દિવસે ને દિવસે તેનો ત્રાસ વધતો જાય છે તે પણ જણાવ્યું.
રેબિએ કહ્યું કે, 'હું પણ મીઠાઈની દુકાન ખોલવા ઈચ્છું છું. મને મીઠાઈ બનાવતા આવડે છે. લોકોને વાજબી ભાવે અને શુદ્ધ મીઠાઈ મળી રહે એ જરૂરી છે. હું ચોક્કસ ગ્રાહકોને સંતોષ આપી શકીશ.'
હંસરાજને શેરસિંહ સાથે સારા સંબંધો હતા. હંસરાજે કહ્યું કે, 'તું જરૂર મીઠાઈની દુકાન નાખ. વનના બધા પ્રાણીઓને આમંત્રણ આપજે. દુકાનનું ઉદ્ધાટન તું શેરસિંહના હસ્તે રાખજે. આથી ચિતરંજન કે ફોગી તારું કશું બગાડી શકશે નહીં.'
દશેરાના દિવસે 'રેબિ સ્વીટ્સ' નામની દુકાનનું ઉદ્દઘાટન રાખ્યું.
ઉદ્દઘાટન સમયે રેબિએ કહ્યું, 'જંગલના બધા પ્રાણીઓને શુદ્ધ તેમજ સસ્તી મીઠાઈ મળી રહે એ જ મારો ઉદ્દેશ છે. ગ્રાહકનો સંતોષ એ જ મારો સંતોષ છે. હું નફો ચોક્કસ લઈશ, પણ મારો નફો વાજબી હશે.'
ઉદ્દઘાટનમાં રેબિએ લસ્સી રાખી હતી. સૌ પ્રથમ શેરસિંહને લસ્સી આપવામાં આવી. પછી બધાં પ્રાણીઓને લસ્સી પીરસવામાં આવી.
શેરસિંહે જેવો લસ્સીનો ઘૂંટડો ભર્યો તેવા તે કંપી ઊઠયા. થૂ-થૂ કરતાં લસ્સીનો ગ્લાસ ઢોળી નાખ્યો. બીજા પ્રાણીઓએ પણ લસ્સી બેસ્વાદ લાગતા ઢોળી નાખી.
શેરસિંહ ખૂબ જ ક્રોધે ભરાયા અને રેબિને કહ્યું, 'આવી લસ્સી તું સસ્તા ભાવે આપે કે મફત આપે, કોઈ ન ખરીદે. ભલે વસ્તું મોંઘી હોય પણ ગુણવત્તા જળવાવી જોઈએ. ફોગી કરતા સસ્તી મીઠાઈ આપવાની તે જાહેરાત કરી પણ તારી મીઠાઈ ખાવા યોગ્ય છે જ નહીં. કાલથી તારી દુકાન બંધ કરી દેજે.'
રેબિએ પણ લસ્સી ચાખી. ખરેખર તેને પણ લસ્સી બેસ્વાદ લાગી. હંસરાજે લસ્સી બનાવવા માટે જે દૂધ લીધું હતું તે જોયું. લસ્સી બનાવતા થોડું દૂધ વધેલું હતું. હંસરાજે તે દૂધ ચાખ્યું. દૂધમાં કશી ખામી નહોતી. દૂધની બાજુમાં જ દળેલી ખાંડની તપેલી પડી હતી. હંસરાજે તે ખાંડ ચાખી. ખાંડ મીઠી લાગવાને બદલે કડવી, તૂરી અને સહેજ ખાટી પણ લાગી. લસ્સી સાવ બેસ્વાદ લાગી.
તરત હંસરાજ રેબિ પાસે ગયો અને કહ્યું કે, 'આ દળેલી ખાંડ તે કોના પાસેથી લીધી હતી?'
રેબિએ કહ્યું, 'કાલે હંસી હરણી મારી દુકાને આવી હતી અને મને કહ્યું, તમે ઉદ્દઘાટનમાં લસ્સી રાખવાના છો તે મને ખબર છે. આથી હું દળેલી ખાંડ વેચવા આવી છું. હું તમને સસ્તા ભાવે દળેલી ખાંડ આપીશ.'
'હું તેની વાતમાં આવી ગયો અને મે તેની પાસેથી સસ્તા ભાવે દળેલી ખાંડ લીધી. મે ત્યારે ખાંડ ચાખી નહતી , તે મારી ભૂલ.' રેબિ બોલ્યો.
ચિતરંજને રેબિને અને શેરસિંહને દળેલી ખાંડ ચખાડી.
શેરસિંહે તરત જ હંસીને બોલાવવાનો હુકમ કર્યો. હંસી બે હાથ જોડી શેરસિંહ સામે ઊભી રહી. શેરસિંહે તેને સાચી હકીકત જણાવવા કહ્યું. જો તે ખોટું બોલશે તો જેલમાં પૂરી દેવામાં આવશે તેમ પણ કહ્યું.
હંસીએ રડતાં રડતાં કહ્યું, 'ફોગીએ મને લાલચ આપી હતી. રોજ મહિના સુધી એક કિલો બાસુંદી મફત આપવાની. આથી મે દળેલી ખાંડમાં મીઠું, ફટકડી, લીંબુના ફૂલ વગેરે સફેદ વસ્તું વધારે પ્રમાણમાં નાખી. આથી લસ્સી મીઠી બનવાને બદલે વિચિત્ર સ્વાદવાળી લાગે. ઉદ્દઘાટનમાં જ આવી લસ્સી પીવડાવવામાં આવે તો બીજા દિવસથી કોઈ ગ્રાહક તેને ત્યાં આવે નહીં. આવું વિચારી ફોગીએ મને સસ્તાભાવે દળેલી ખાંડ વેચવા ત્યાં મોકલી.'
હંસીની વાત સાંભળી શેરસિંહ ખૂબ જ ગુસ્સે ભરાયો. હંસી અને ફોગીને જેલમાં પૂરી દીધા.
હવે નંદનવનના પ્રાણીઓ 'રેબિ સ્વીટ્સ' દુકાનથી ખૂબ જ ખુશ છે. રેબિની મીઠાઈની મીઠાશ બીજા વનમાં પણ પ્રસરવા લાગી.


