- 'એ કહે છે કે તેણે પૈસા પાછા આપ્યા? અને આપતી વખતે ઉપર શેરા માર્યા? વાહ રે વાહ! ગરીબ ખેડૂતો પણ કેવા ચાલાક હોય છે? આ રહ્યો એ દસ્તાવેજ હજૂર. તમે તમારી જાતે જ જોઈ લો. તે ઉપર કોઈ લીટા, છેકા કે શેરાઓ દેખાય છે ખરા?'
- શાહુકાર હવે ફરીથી ઉઘરાણી કરવા લાગ્યો છે
- તમે આંસુ જોઈને પલળી ગયા છો...
હરીશ નાયક
કચ્છના રાજા દેશળરાય.
ભારે પરગજુ અને ન્યાયી રાજા. પ્રજાનાં
દુખદર્દ તેઓ કદી જોઈ શકે નહિ. પ્રજાને થતો અન્યાય તેમનાથી કદી સહન થાય નહિ.
પ્રજા શાંતિથી જીવે છે. તેને કોઈ જાતની તકલીફ નથી એ જોવા માટે તેઓ વેશપલટો કરી ઘણી વાર રાજ્યમાં નીકળી પડતા. તેઓ જુદા જુદા વેશમાં લોકો સાથે ભળી જતા અને તેમની વાતો જાણી લેતા. એ વખતે લોકોને ખબરેય પડતી નહિ કે રાજ્યના રાયજી જ તેમની વચમાં આવી ગયા છે.
એક રાતની વાત છે. દેશળરાય એવી રીતે વેશ બદલીને રાજ્યની માહિતી મેળવતા હતા. રાત અંધારી હતી અને સર્વત્ર કાળો અંધકાર છવાયેલો હતો.
ભયાનકતા ફેલાયેલી હતી. એવી વખતે રાયને કાને કોઈના રડવાનો અવાજ સંભળાયો.
રાય એ દિશામાં પહોંચ્યા. જઈને જોયું તો એક ઝાડ હેઠળ એક માનવી રડી રહ્યો છે. તેમણે પૂછ્યું, 'કોણ છે ભાઈ અને શું કરે છે?'
'ખેડૂત છું.'પેલા માનવીએ કહ્યું. 'હવે રડવા સિવાય બીજો કોઈ આરો રહ્યો નથી, માટે રડી રહ્યો છું.'
'આવી અંધારી રાતે?અને આવા ઝાડ હેઠળ?'
'હા ભાઈ, હવે તો અંધારી રાત જ મને આશરો આપે છે અને ઝાડ સિવાય બીજી કોઈ જગા રહી નથી.'
રાયજીએ પૂછ્યું - 'શું થયું? તારું બધું લૂંટાઈ ગયું?'
પેલો ખેડૂત કહે - 'અરે ભાઈ! ધોળે દિવસે આપણું ગળું કપાઈ ગયું છે.'
'તો પછી તું રાજા પાસે શા માટે જતો નથી?'
'કેવા રાજા ને કેવી વાત. અમને ગરીબ માણસને વળી રાજા શેના સાંભળે? અને રાજાના સિપાઈઓ અમને રાજમહેલમાં દાખલ પણ શું કામ થવા દે. મારા જેવા તો કંઈક ત્યાં ધક્કા ખાતા હશે.'
'નહિ નહિ.' દેશળરાયે કહ્યું, 'રાજાના દરબારમાં એવું થવાની શક્યતા નથી. આપણા રાજા બહુ ન્યાયી છે. તેને પહેરેગીરો રાજા સુધી જરૂર પહોંચાડશે.'
ખેડૂતને કોઈ ખ્યાલ આવ્યો હોય તેમ તેણે પૂછ્યું. 'હા ભાઈ, તમે કોણ છો?'
રાજવી કહે - 'હું રાય દેશળરાયનો સેવક છું. લે આ બિલ્લો લઈને તું રાજ દરબાર સુધી પહોંચશે તો તને કોઈ નહિ રોકે અને સિપાઈઓ જરૂર તને રાજા સુધી પહોંચાડશે.'
રાતનો સમય હતો. એટલે ખેડૂત બિલ્લાને કે સેવકને જોઈ શક્યો નહિ, પણ તે જ બીજે દિવસે દરબાર સુધી પહોંચી ગયો.
તેણે પહેરેગીરોને પેલો બિલ્લો બતાવ્યો.
ચમત્કાર થયો. તેની માન્યતા ખોટી ઠરી. તે માનતો હતો કે તેને કોઈ દાખલ પણ નહિ થવા દે. તેને બદલે સિપાઈઓ તેને ઠેઠ રાજા સુધી લઈ ગયા.
સિંહાસન પર દેશળરાય બિરાજેલા હતા. ખેડૂત તેને ઓળખી શક્યો નહિ. દેશળરાયે પૂછ્યું - 'શી ફરિયાદ છે તારી ભાઈ? તારે જે કંઈ કહેવું હોય તે નિ-સંકોચ કહે.'
'હું એક ગરીબ ખેડૂત છું, મહારાજ!' ખેડૂતે પોતાની આપવીતી શરૂ કરી,'જેમ તેમ કરીને ખેતી કરતો હતો, પેટ ભરતો હતો. પણ ખેતી માટે મેં શાહુકાર પાસે થોડાક રૂપિયા લીધા હતા.'
'કેટલા?'
'એક હજાર રૂપિયા લઈને સવા હજાર પાછા આપવાનો વાયદો કર્યો હતો.'
'શું થયું પછી?'
'મહારાજ, મેં તનતોડ મહેનત કરી. બે-ત્રણ વર્ષમાં જ મારું તમામ દેવું ચૂકતે કરી નાખ્યું.'
'પછી?'
'પછી જ બધી ચિંતા વળગી મહારાજ! શાહુકાર હવે ફરીથી ઉઘરાણી કરવા લાગ્યો છે. તે નવેસરથી સવા હજાર રૂપિયાની ઉઘરાણી કરીને મને તંગ કરે છે. મારી પાસે તો હવે એક ફૂટી બદામ પણ નથી. દેવામાંથી મુક્ત થવાની લાયમાં મેં બધું જ શાહુકારને આપી દીધું છે. હવે નવેસરથી સવા હજાર રૂપિયા ક્યાંથી લાવું? અને એ આપેલા પૈસા ન આપી શક્યો એથી શાહુકારે મારું ખેતર તથા મારી ઝૂંપડી પણ આંચકી લીધાં છે. હવે ઝાડ સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.'
રાજાએ ધ્યાનથી બધી વાત સાંભળીને પૂછ્યું - 'તેં સવા હજાર રૂપિયા પાછા આપ્યા તેનો કોઈ પુરાવો તારી પાસે છે?'
'પુરાવો તો છે મહારાજ, પણ તે હવે કોઈ સાચો માને તેમ નથી.'
'કેમ? એવું તે શું છે પુરાવામાં?'
'મહારાજ!' ખેડૂતે વિગતો આપવા માંડી - 'જ્યારે મેં હજાર રૂપિયા લીધા ત્યારે અમારી વચમાં એક લખાણ થયું હતું. એ લખાણમાં એવું લખવામાં આવ્યું હતું કે હું એક હજાર રૂપિયા લઉં છું અને સવા હજાર પાછા આપવા બંધાઉં છું. એ રૂપિયા હું સૂર્ય-ચંદ્રની સાક્ષીએ સ્વીકારું છું. એ લખાણ થયા બાદ મેં સવા હજાર પાછા આપી દીધા. દસ્તાવેજ ઉપર મેં જાતે જ છેકા મારી દીધા. પણ મહારાજ મને શી ખબર કે દસ્તાવેજ એ રીતે રદ થાય નહિ. હું તો ભણેલો નહિ એટલે બીજી ગતાગમ ક્યાંથી હોય? મેં તો માન્યું કે ઉપર લીટા મારવાથી દસ્તાવેજ રદ થઈ જશે. પણ આ શાહુકાર ઉસ્તાદ નીકળ્યા.'
'શું કર્યું એણે?'
'એ ફરીથી મને એ જ દસ્તાવેજ બતાવે છે અને ફરીથી સવા હજાર રૂપિયા માગે છે.'
'એ દસ્તાવેજ પર તારી છેકા મારેલી લીટીઓ તો છે ને?'
'હજૂર! નથી.'
'નથી? કેમ નથી?'
'મહારાજ, એ લીટીઓ શાહુકારે કોઈક રીતે ભૂંસી નાખી છે. એવી સિફતથી ભૂંસી નાખી છે કે મૂળ દસ્તાવેજ જેવો ને તેવો લાગે છે.'
દેશળરાય વિચારમાં પડી ગયા. આવું કદી બન્યું હતું. બન્યું હશે કે કેમ એ કેવી રીતે કહી શકાય? એક પક્ષને સાંભળીને ન્યાય થઈ પણ કેવી રીતે શકે?
તેમણે ખેડૂત પાસે શાહુકારનાં નામઠામ જાણી લીધાં અને 'કાલે આવજે' કહીને તેને વિદાય કર્યો.
બીજે દિવસે ખેડૂત હાજર થયો તો તેણે જોયું કે શાહુકાર પણ ત્યાં હાજર હતો.
રાજાજી શાહુકારને ધમકાવતા હતા. 'આ બધું શું ચાલી રહ્યું છે શાહુકાર? ચોર લોકોને મારા રાજ્યમાં કેવી સજા થાય છે, શું તેની તમને ખબર નથી?'
શાહુકાર નિરાંત જીવે કહે - 'મહારાજ, આપણો શાહુકારી ધંધો ખૂબ ન્યાયનો ધંધો છે. એમાં ઘાલમેલ ચાલે જ નહિ. પણ કેટલાક ગરીબ માણસો રૂપિયા લઈ ગયા પછી અમારા ધંધાને બદનામ કરે છે. શું કહું. તમને મહારાજ, તેમાં આ ખેડૂત તો ભારે ગઠિયો છે. ગરીબ છે એટલે તમે એનું જ માનશો?'
રાજાજી કહે - 'એ બધી પંચાત જવા દો. એણે તમને શરત પ્રમાણે તમારા રૂપિયા પાછા આપ્યા કે નહિ?'
'નથી આપ્યા.'
'પણ એ તો રડીને કહે છે. એ તો કહે છે કે એણે રૂપિયા આપ્યા છે. ઉપરથી તેં એનાં ખેતર તથા ઝૂંપડી આંચકી લીધાં છે.'
શાહુકાર કહે - 'મહારાજ, સમય પૂરો થયો એટલે મારે કોઈક રીતે તો મારા રૂપિયા વસૂલ કરવા કે નહિ? એની પાસે ખેતર અને ઝૂંપડી સિવાય બીજું કંઈ છે નહિ. એ વસ્તુઓ લઈને હું એને ઋણમુક્ત કરવા પ્રયાસ કરું છું.'
રાજાજી કહે - 'ઠીક છે એ બધી વાતો. જ્યારે એણે તમને પૈસા પાછા આપ્યા ત્યારે દસ્તાવેજ પર એણે લીટીઓ મારી હતી કે નહિ?'
શાહુકાર હસીને કહે - 'એ કહે છે કે તેણે પૈસા પાછા આપ્યા? અને આપતી વખતે ઉપર શેરા માર્યા? વાહ રે વાહ! ગરીબ ખેડૂતો પણ કેવા ચાલાક હોય છે? આ રહ્યો એ દસ્તાવેજ હજૂર. તમે તમારી જાતે જ જોઈ લો. તે ઉપર કોઈ લીટા, છેકા કે શેરાઓ દેખાય છે ખરા?'
દેશળરાયે દસ્તાવેજ જોયો. દસ્તાવેજ ચોખ્ખો હતો. દસ્તાવેજ જોતાં તો ખેડૂત જ ચાલાક લાગતો હતો પણ તે છતાં એમ ઉતાવળો ન્યાય આપી દેવો વાજબી ન હતો.
તેમણે દસ્તાવેજ પોતાની પાસે રાખીને બંને જણાને કહ્યું - 'પરમ દિવસે દરબારમાં હાજર થજો.'
તેમના ગયા બાદ દેશળરાય ફરી ફરીને દસ્તાવેજ નીરખવા લાગ્યા. જાસૂસની નજરે તેમણે દસ્તાવેજનું અવલોકન કર્યું, પણ તેમને કંઈ જાણવા મળ્યું નહિ. તેમને તો શંકા ગઈ કે કદાચ ખેડૂત પણ ચાલાક હોઈ શકે! ગરીબો ઘણી વાર આંસુ સારીને એવી ચાલાકી કરી જતા હોય છે.
છતાં દેશળરાય સાચો ન્યાય કરવા માગતા હતા. તેમણે દસ્તાવેજ ફરીથી એક વાર વાંચ્યો. દસ્તાવેજમાં સૂર્યચંદ્રની સાક્ષી સામેલ કરવામાં આવી હતી.
દેશળરાયે વિચાર્યું કે શાહુકારે જાતે જ દસ્તાવેજ લખ્યો હતો. ખેડૂત તો કંઈ ભણેલો ન હતો. એટલે લખાણની પદ્ધતિ શાહુકારની પોતાની હતી. તેણે સૂર્ય-ચંદ્રની સાક્ષી એટલા માટે રાખી હતી કે એ બેમાંથી કોઈ સાક્ષી તરીકે હાજર રહી શકે નહિ. પૈસાની આપલેનો કોઈ વિવાદ ઊભો થાય તો સૂર્ય કે ચંદ્ર થોડા સાક્ષી પૂરવા દરબારમાં હાજર થઈ શકે?
આમ ચિંતામાં ને ચિંતામાં રાત પડી. કોઈ વાર બંને નિર્દોષ લાગતા તો કોઈ વાર બંને પર શંકા જતી.
છેવટે ચંદ્રની સાક્ષી હોવાને લઈ દેશળરાયે દસ્તાવેજ ચંદ્ર સામે ધર્યો.
એક ચમક આવી.
તેમણે ફરી ફરીને દસ્તાવેજ ધર્યો.
તેમના આનંદનો પાર રહ્યો નહિ.
મુકરર સમયે શાહુકાર તથા ખેડૂત હાજર થયા. દરબાર ભરેલો હતો.
દેશળરાયે શાહુકારને પૂછ્યું - 'દસ્તાવેજમાં સૂર્ય-ચંદ્રની સાક્ષી શા માટે રાખવામાં આવી છે?'
શાહુકાર કહે - 'એવું લખવાનો રિવાજ છે, મહારાજ.'
'રિવાજ એટલા માટે છે કે એ બેમાંથી કોઈ સાક્ષી પૂરવા આવી જ શકે નહિ? પણ દોસ્ત શાહુકાર સંજોગવશાત સૂર્ય અને ચંદ્ર બંને આ બાબતમાં સાક્ષી પૂરી ગયા છે.'
શાહુકાર બોલી ઊઠયો - 'મહારાજ, તમે જરૂર ખેડૂતને પક્ષપાત કરી રહ્યા છો. તેનાં આંસુ જોઈ પલળી ગયા છો.'
રાજા કહે - 'ન્યાયના દરબારમાં આંસુની કિંમત નથી. ન્યાય હંમેશાં પુરાવા પર આધાર રાખે છે. મારી પાસે ચોક્કસ પુરાવો છે શાહુકારજી, કે ચાલાકી તમે જ કરી છે.'
શાહુકાર આક્રંદ કરીને બોલી ઊઠયો - 'મારે વિશે મહારાજ આવી વાણી કેવી રીતે ઉચ્ચારી શકે? શું મહારાજ કોઈ વાત સાબિત કરી શકે છે?'
મહારાજ કહે - 'હા, આ ભર્યા દરબારમાં એ વાત સાબિત થઈ શકે છે અને એવાત તમે જાતે જ સાબિત કરી શકો છો. તમારો આ દસ્તાવેજ હાથમાં લો અને તમારા સાક્ષી સૂર્ય સામે ધરીને તે જુઓ?'
શાહુકારને દસ્તાવેજ સૂરજ સામે ધરવાની ફરજ પડી. તરત જ તે ગેં ગેં ફેં ફેં થઈ ગયો.
સૂર્ય સામે એ કાગળ ધરતાં જ પેલી ભૂંસેલી લીટીઓ ફરીથી ઊપસી આવતી હતી. એમ તો એ રેખાઓ સ્પષ્ટ જણાતી ન હતી પણ તે છતાં એ છેકાઓ ઉપર કોઈ ઘાલમેલ થઈ છે તેની શંકાઓ તો જતી જ હતી.
મહારાજાએ ગર્જના કરીને કહ્યું - 'શી ચાલાકી કરી છે શાહુકાર? જણાવો જોઈએ.'
શાહુકારને એ વાત જાહેર કરવાની ફરજ પડી. તે કહે - 'આ ખેડૂત લખાણ પર શાહીના છેકા મારી ગયો પછી મેં એ સુકાયેલી શાહી ઉપર દળેલી ખાંડ નાખી દીધી હતી. બૂરું ખાંડ શાહી ચૂસી ગઈ અને જ્યાં શાહીનાં નિશાન હતાં ત્યાં ધોળામાં ધોળું મળી ગયું. પણ હજુ મને એ વાતની ખબર નહિ કે બૂરું ખાંડનો પાસ રહી જતાં કીડીઓ પણ ત્યાં જમા થશે. કલ્પના તો એવી હતી કે કીડીઓ ખાંડ ખાઈ જશે તે સાથે જ શાહીના રહ્યાસહ્યા અવશેષો પણ ખાઈ જશે. પણ એ ખાતી વખતે કીડીઓ ઝીણા ઝીણા ન દેખાય તેવા છેદ પાડી જશે એની કલ્પના મને ન હતી. મનમાં ચોરી હોવાને લઈને એ કાગળ મેં બહાર કાઢ્યો ન હતો. પણ આજે સૂર્યપ્રકાશમાં એ ભૂંસાયેલી રેખાઓ તથા તે પરના કીડીઓના નાના નાના અડધા છેદ સ્પષ્ટ દેખાઈ આવે છે. હું મારો અપરાધ કબૂલ કરું છું, મહારાજ!'
'મહારાજા દેશળરાયનો જય હો...' ખેડૂત બોલી ઊઠયો. તેને તેની જમીન તથા ઝૂંપડી પાછાં મળી ગયાં અને શાહુકારને યોગ્ય સજા થઈ.


