Get The App

ગાજરની કહાણી .

Updated: May 2nd, 2025

GS TEAM


Google News
Google News
ગાજરની કહાણી                               . 1 - image


- કાલુ કાગડો, રીમઝીમ મોર, ચુનુ ઉંદર, મોન્ટી બિલાડી બધાં વિચારમાં પડી ગયાં. સસ્સાભાઈ-સસલીબહેનના ઘરમાં કોઈ અવરજવર કેમ નથી? કોઈ કોલાહલ કેમ નથી?

- ગીતા પી. પોપટ

એક હતા સસ્સાભાઇ અને  એક હતાં સસલીબહેન. બન્ને પોચાં પોચાં રૂ જેવાં સફેદ .

તેઓ આનંદ  વનમાં રહે.  સસ્સાભાઇ ગામના ખેતરમાંથી અનાજ અને શાકભાજી લઈ આવે. સસલીબહેન સરસ જમવાનું બનાવે.

સસ્સાભાઈ એક વખત ખેતરમાંથી પાંચ ગાજર લઇ આવ્યા. કૂણાં કૂણાં મીઠાં મીઠાં ગાજર. આવીને સસલીને આપ્યા.

સસલાએ કહ્યું, 'સસલી રાણી, ગાજરનો મીઠો મીઠો હલવો બનાવોને!'

સસલી બોલી, 'મારા  સસ્સારાણા હલવામાં તો બહુ સાકર પડે. વધારે સાકર સ્વાસ્થ્ય બગાડે. ગાજર તો કાચાં  કાચાં જ મીઠાં લાગે. ગરમ કરીએ તો પૌષ્ટિક તત્વો ઓછાં  થઈ જાય.'

સસલાએ કહ્યું, 'ઠીક છે. ચાલ, કાચાં જ ખાઈ લઈએ, પણ ગાજર પાંચ છે. આપણે કેવી રીતે વહેચણી કરીશું? એમ કર, હું ત્રણ ગાજર ખાઈશ તારે બે ગાજર ખાવાના.'

 સસલી બોલી, 'ના હોં! હું ત્રણ ગાજર ખાઈશ, તારે બે ગાજર ખાવાના!'

આ વાતે તો ઝઘડો શરૂ થઈ ગયો. નિર્ણય કેવી રીતે લાવવો? બંને વિચારવા બેઠાં. સસલીએ  ઉપાય શોધ્યો.

'આપણે અત્યારે સુઈ જઈએ. જે મોડો ઉઠેે તે ત્રણ ગાજર ખાશે,' સસલીયે કહ્યું.

'ચાલો ત્યારે, સુઈ જઈએ,' સસ્સાભાઈ સહમત થઈ ગયા. 

એક કલાક, બે કલાક,સાત કલાક, નવ કલાક... કોઈ ઉઠે જ નહીંને! ઘરમાં ના કોઈ શોર ના કોઈ હલચલ. 

આજુબાજુ રહેતાં પડોશીઓ - કાલુ કાગડો, રીમઝીમ મોર, ચુનુ ઉંદર, મોન્ટી બિલાડી - બધાં વિચારમાં પડી ગયાં. સસ્સાભાઈ-સસલીબહેનના ઘરમાં કોઈ અવરજવર કેમ નથી? કોઈ કોલાહલ કેમ નથી? ચાલો, આપણે સૌ જોઈએ તો ખરા. ક્યાંક બંને બીમાર તો નથી પડી ગયા ને?

બધા સસ્સાભાઇ ને ઘેર આવ્યાં. ઘરમાં સંપૂર્ણ શાંતિ.

એમણે જોયું કે બંને સુતાં છે. મોન્ટુ બિલાડીએ પોતાના પંજાથી બંનેને ઢંઢોળ્યા. ઊંહું! કોઈ જવાબ નહીં. જો ઊઠે તો એક ગાજર ઓછું ખાવા મળેને! બધાએ ખૂબ મહેનત કરી , અવાજ કર્યા, રાડો પાડી પણ બન્નેમાંથી કોઈ ન ઉઠયું. 

 કાલુ કાગડો બોલ્યો, 'હવે શું કરીશું? ચાલો, આ ગાજર પડયા છે તે આપણે ખાઇ જઇએ.' 

આ સાંભળતાં જ બન્ને તરત બંને ઉઠી ગયાં. એકબીજાની સામે જોઈને બોલ્યાં: આપણે અઢી -અઢી ગાજર ખાઈશું!

પડોશી બોલ્યા, 'આ બધું શું હતું?'

સસ્સાભાઇએ માંડીને બધી વાત કરી.

બધાં હસીને લોટપોટ થઈ ગયા.

પછી તો બધાંએ સાથે મળીને ગાજર ખાધાં. અને કદી ઝઘડો ન કરવાનો નિર્ણય કર્યો.  સસ્સાભાઈ અને સસલીબહેન ખુશીથી રહેવા લાગ્યાં. 

Tags :