સંત કબીરની આકરી કસોટી .
- વગર વિચાર્યે જો ખર્ચ કરો તો સંત સામે પણ કટોકટી ઉભી થાય
- પુત્ર કમાલ સાથે કબીરજી ચોરી કરવા તો ગયા પણ કહે :'હું સાચું બોલીશ!'
- ચોરી કરવી અને સાચું બોલવું એ બે વાત એક સાથે ફળે ખરી?
- હરીશ નાયક
આ વાર્તા મને અમેરિકામાંથી જ મળી છે. અમેરિકાય હવે ભારતીય સંતોની જ્ઞાાનકથાઓ વિવિધરૂપે સ્વીકારે છે. ભારતીય સંસ્કૃતિનો, એ વિજય જ કહી શકાય ને!
સંત કબીરને ત્યાં રાતના ભજનમંડળી જામે. એવી જમાવટ થાય કે સમયનું ભાન જ ન રહે, પણ રાત તો રાત છે. લોકોએ જવું જોઈએ કે નહિ? ના, પણ ભજનમાં આવેલા કોઈ જ ભગત જાય નહિ. કારણ? પ્રસાદ અને તે પણ કબીરનો. કબીરને ભજનની પૂર્ણાહુતિમાં કહેવાની આદત પડી ગઈ હતી : 'ખાઈ પીને જજો.'
ભજનભક્તો કરતાં ભોજનભક્તો જ વધારે હોય છે. ભજન પૂરાં થયાં નથી કે ભોજન પર તૂટી પડયા નથી!
'બહુ સરસ, બહુ સરસ વાહ!'
શું? ભજન કે ભોજન? હવે આ રોજના ભોજનની જવાબદારી કોની?
સંત કબીર તો : 'ભોજન કરીને જ જજો' કહેવા ટેવાયેલા પણ બધાને જમાડવાનું કામ કંઈ ભજન લલકારવા જેટલું સહેલું નથી હોતું. રોજનું ઘણું બધું અન્ન લાવવું પડે, તેને રાંધવું પડે, બધાંને સારી રીતે જમાડવું પડે. જો કે જમણ પછીની જવાબદારી ય ખરી જ. એમાં ય કમાલ એની માતાને મદદ કરે. માતા ચૂપ રહે પણ કમાલ બબડયા વગર ના રહે.
'માં!' તે કહે : 'બાબાને ભજન કરવાં હોય તો કરે પણ આ ભોજનની વળી શી ઉપાધિ? એમાં કંઈ મંજીરાં વગાડીને ઊંઘી જવાનું નથી!'
મા કહે : 'મારાથી ના કહેવાય. તારે કહેવું હોય તો કહે તારા અબ્બાને.'
કમાલે કહી જ દીધું : 'બાબા, આ રોજનું ભોજન વળી શું કામ?'
'જેમ રોજનું ભજન, તેમ રોજનું ભોજન.'
'પણ ભજનમાં તો તાળી પાડયા સિવાય કંઈ કરવાનું નથી જ્યારે ભોજનમાં તો પચીસ-પચાસ માણસનું રાંધવું પડે છે...'
'એ કામ તમે કરો જ છો. તમો બંને મા-દીકરો બહુ સારાં છો.'
'સારા રહેવામાં અમારો દમ નીકળી જાય છે બાબા.'
'એની તો મને ખબર જ નહિ.'
'એટલે જ ખબર કરીએ છીએ. કમાલે શરૂ કર્યું : 'બાબા! રસોઈની મહેનતનો સવાલ નથી, મા પહોંચી વળે તેવી છે, પણ રોજનું આટલું સીધુંસામાન લાવવું ક્યાંથી? શું આપણે ત્યાં ધનધાન્યના ભંડાર ભરેલા છે? તમે તો લોકોને કહી દો છો કે, ભોજન કરીને જજો, પણ ભોજન ઘરમાં છે કે નહિ, એનો ય ખ્યાલ હોય છે તમને?'
'એ ખ્યાલ તમે રાખો જ છો, બેટા.'
'હવે તમારે ય રાખવો પડશે.'
'કેમ, તમે નહિ રાખો?'
'ના બાબા. કેમ કે ખ્યાલ રાખવા માટે ય અનાજપાણી હોતાં જ નથી. આપણી કમાણી જ એટલી નથી કે આપણે રોજની મિજબાની રાખીએ?'
'બેટા! મારાથી તો ભક્તોને એમ ને એમ વિદાય નહિ જ કરાય, ભજન પછી પ્રસાદ તો હોય જ. વિચાર કરવો પડશે.'
'કરવો જ પડશે,' કમાલ કહે :'કેમ કે ઘરમાં મોટે ભાગે કંઈ હોતું જ નથી. એ ભગતડાઓ ઝાપટી જાય છે પછી અમારે તો ભૂખ્યા જ સૂવું પડે છે...'
'મારે નહિ?'
'ના. તમને ભગવાન ભૂખ્યા નથી રાખતો બાબા, ખુદાતાલાએ એ માટે જ અમને નિયુક્ત કર્યા છે, પણ હવે સાંભળી લો. હવે આ બધી ભોજન-મિજલસ બંધ.'
'એવું તો ન જ બને.'
સંત કબીરે જેવું કહ્યું કે, 'એવું તો ન જ બને', કે કમાલ સમસમી ઊઠયો. તે કહે : તો શું અમારે ચોરી કરવા જવું?'
આ વાક્ય દીકરાએ બાપુજીને એટલા જોરથી કહ્યું હતું કે ઘા વાગે.
પણ સંતને કદાચ ઘા વાગતા જ નહિ હોય! કબીર અબ્બાએ તો તરત જ કહ્યું: 'એ સારો વિચાર છે. એમ જ કરવું જોઈએ.'
'શું ઉં ઉં ઉં ...?' કમાલ બોલી ઊઠયો : 'હવે આપણે ભજનિકોને ભોજન કરાવવા માટે ચોરી કરીશું?'
શાંત ચિત્તે પિતા કહે : 'કરી જોઈએ, એમાંય શો વાંધો છે? ચોરી પણ ભજનને માટે જ છે ને!'
'ભજનને માટે નહિ', કમાલ હજી તમતમતો હતો : 'ભોજનને માટે.'
'હા, એમ તો એમ. ભોજનના બહાને ય લોકો ભજન તો કરે છે ને! કેટલું સારું કામ! એટલા કલાક દરમિયાન તો એમને ભગાવાન પાસે રહેવા મળે છે ને!'
બાબાને શું કહેવું તે ય કમાલને સૂઝ્યું નહિ.
તે તો આભો જ બની ગયો. ભજનમાં હંમેશા મહેનત કરીને ખાવા પર ભાર મૂકતા, ખોટું કે જૂઠું નહિ કરવાની બાંગ પોકારતા અને ચોરી તો નહિ જ નહિ, એવું કહેતાં અબ્બાહજૂર આજે ચોરી કરવા ય તૈયાર થઈ ગયા. કમાલે અમ્મી સામે જોયું.
અમ્મી કહે : 'તું જાણે ને તારા બાબા જાણે.' પણ કમાલ એટલો ગુસ્સામાં આવી ગયો હતો કે, આજે તો બાબાને ય બતાવી આપું? ચોરી કરવાનું કહે છે ને? લઉં એમને પણ સાથે. તેણે ગુસ્સામાં પૂછ્યું : 'ચોરી ક્યારથી કરવી છે?'
કબીર તો ગંભીર જ હતા. તેઓ કહે : 'આજે રાતથી જ વળી. નહિ તો કાલથી ભજનમંડળી ભૂખી નહિ રહે શું?'
અને રાત પડતાં જ કમાલ કહે : 'ચાલો,'
સંત તૈયાર જ હતા : 'બધું લઈ લીધું છે ને? ચાલો જઈએ.'
મધરાતે. બાપ-દીકરો ગયા ચોરી કરવા. પસંદ કર્યું એક સમૃદ્ધ ઘર. હા વળી, ગરીબને ઘરે મળે શું ઘરમાં ઘૂસતાં માલિક જાગી ઊઠયો, પૂછ્યું: 'કોણ છે એ?'
કબીર કહે : 'અમે છીએ, કબીર અને કમાલ.'
કબીરનું નામ સાંભળી ઘરમાલિક જાગી ગયો. ઊઠયો. દોડયો. પગે પડયો કબીરને.
'સંત! સંત!!' તે કહેવા લાગ્યો : 'આ શું કરો છો આપ, અડધી રાતે?'
કબીર કહે : 'ચોરી.'
નવાઈ પામ્યો શ્રેષ્ઠી : 'ચોરી?! અને આપ કરો? માની શકાય જ નહિ પણ... શું કામ?'
'આ મારો દીકરો કમાલ કહે છે,' સંતે સત્યાવાણી ઉચ્ચારી,'ભજન બાદ ભોજનની સગવડ કરવી જ પડે છે. એ કહે છે, ચોરી જ ઉપાય છે. એટલે અમે બાપ-દીકરો ચોરી જ કરવા નીકળ્યા છીએ.'
'અરરરર!' બોલી ગયો શ્રેષ્ઠી.
વારંવાર પગે પડીને તે કહે : 'સંતે! સંત!! ગામમાં શું શેઠ, શાહુકારો, શ્રેષ્ઠીઓ મરી ગયા છે કે સંતને પ્રસાદ માટે ચોરી કરવી પડે? જાવ... આજથી ભજન પછીના ભોજનની જવાબદારી મારી, અમારી...'
કહે છે કે કબીરનો, કમાલનો, અમ્માનો એ પ્રશ્ન કાયમને માટે ઊકલી ગયો.
કબીરે તો ભજનકથા સાથે વાતે ય કરી : 'જે કામ કરો તે નિષ્ઠાથી કરો, અલ્લાહને સમર્પિત કરો, તો જવાબદારી અલ્લાતાલા પોતાને માથે ઉપાડી જ લે. ચોરી પણ નિષ્ઠાથી કરો અને જુઓ પરિણામ.'
કબીરા ખડા બજારમેં,
સબકી સુધી લેત,
જિસકી જિતની ચાકરી,
ઉતની ઉસકો દેત.