સપ્ટેમ્બરની કથા વ્યથા
સમ્રાટો નહિ, પણ સમ્રાટોનાં શાસ્ત્રીઓ પંડિતો લડયા, અને સપ્ટેમ્બરનો એક દિવસ ઝાટકા સાથે 'સ્લેશ' થઈ ગયો
કથા અને વ્યથા મહિનાઓની પણ હોય છે. આ સનેપાતી કથા છે - સપ્ટેમ્બરની.
સપ્ટેમ્બર મહિનો એક રાજકિય લડાઈનો ભોગ બન્યો છે.
અંગ્રેજીમાં એક કહેવત છે :
રોબ પીટર, ટુ પે પોલ
જો પોલને આપવું હોય, તો પીટરને લૂંટો.
આપણે ત્યાંય કહેવત છે:
ગાયને દોહીને કૂતરાને પાવ
કથા ઠેઠ જુલિયસ સિઝરના દાદાથી શરૂ થાય છે. એક મહાન લડાઈમાં વિજય મેળવીને દાદાજી કાલુસ ઓકટેવિયસ મહાન સમ્રાટ બની રહ્યાં. તેમના મહાવિજયની યાદમાં રોમના રોમન પંડિતોએ તેમનું નામ ઓકટેવિયસ પરથી ઓગસ્ટસ કરી નાખ્યું. સમ્રાટ ઓગસ્ટસનાં સામ્રાજ્યને 'સુવર્ણ-યુગ'નું બિરૂદ અપાયું. એ સમયને 'શાંતિ-યુગ' કહેવાનું શરૂ થયું. સુવર્ણ શાંતિ યુગની કાયમી યાદમાં વર્ષના આઠમા મહિનાને ઓગસ્ટસનો મહિનો કહેવાની શરૂઆત થઈ.
ત્યારે ઓગસ્ટના ત્રીસ (૩૦) દિવસ હતા અને જુલાઈના એકત્રીસ (૩૧) દિવસ હતા. જુલાઈનું નામ જુલિયસ સિઝર પરથી પડયું હતું. હવે જુલાઈના ૩૧ દિવસ હોય અને ઓગસ્ટના ૩૦ દિવસ હોય એ વળી કેવું ?
રોમન ખગોળ ભૂગોળ ગણિત અને અવકાશ શાસ્ત્રીઓ ડરી ગયા. તેમને થયું કે ઓગસ્ટને જરૂર જુલાઈના એક વધારાના દિવસની ઈર્ષા થશે.
હવે થાય શું ? જુલાઈ ઉર્ફે જુલિયસનો એક દિવસ કંઈ કપાય ?
પંડિત શાસ્ત્રીઓએ સજા કરી સપ્ટેમ્બરને. તેમણે સપ્ટેમ્બરમાંથી એક દિવસ ખેંચી લઈને ઓગસ્ટને આપી દીધો. હા, ત્યારે સપ્ટેમ્બરના ૩૧ દિવસો હતા.
એ દિવસને 'સ્લેશીંગ ઓફ ધી ડે' કહેવામાં આવે છે. એક દિવસની કત્લેઆમ. એક દિવસની ખેંચા ખેંચ. એક દિવસનો આંચકો.
હવે જુલાઈ અને ઓગસ્ટ સરખા થયા ૩૧.
એટલે કે સમ્રાટો જુલિયસ અને ઓગસ્ટસના સમાન થયા.
ત્યારે જે કવિતાઓ રચાઈ તે આ પ્રમાણે હતી.
ચઢે ભલે એકતરીસને રીસ
શાંત કરો પહેલાં ત્રીસની ચીસ
ત્યારબાદ આખું કેલેન્ડર બદલાયું. કેલેન્ડરની કવિતા બદલાઈ.
નવી કેલેન્ડર કવિતા આ રહી:
જાન્યુઆરી માર્ચ મે જુલાઈ ઓગસ્ટ
ઓક્ટોબર ડિસેમ્બર હેથ થર્ટીવન (૩૧)
થર્ટી ડેઈઝ હેથ સપ્ટેમ્બર
એપ્રિલ જૂન એન્ડ નવેમ્બર (૩૦)
ફેબુ્રઆરી હેવ બટ ટવેન્ટીએટ (૨૮)
લીપ-યર ફોર્થ-યર ટ્વેન્ટી નાઈન (૨૯)
ધીસ ઈઝ હાઉ ઈઝ કેલેન્ડર
ટવેલ્વ મંથ્સ મેઈકસ એ રોકીંગ યર
આપણે એનું ગુજરાતી જોઈ લઈએ:
જાન્યુઆરી માર્ચ મે જુલાઈ ઓગસ્ટ
તથા ઓક્ટોબર ડિસેમ્બરના એકત્રીસ
ત્રીસ દિવસ છે સપ્ટેમ્બરના
એપ્રિલ જૂન અને નવેમ્બરના
પણ ફેબુ્રઆરીના દિન અઠ્ઠાવીસ
ચોથા લીપ વર્ષે ગણજો ઓગણત્રીસ
આમ રચાયું જુઓ કેલેન્ડર
કરશો તમે ના કોઈ બ્લન્ડર
સમ્રાટોના વિવાદો સમયને પણ કેવા બદલી નાખે છે, તેની કથા આપણાં આ સપ્ટેમ્બરની કથા કે વ્યથા છે ! ખરૂં કે નહિ ?