પ્રાકૃતિક સૌંદર્યનું રહસ્ય ભૂમિતિ .
વૃક્ષો, ફૂલો, પર્વતો અને આકાશમાં રહેલા વાદળોનું સૌંદર્ય અનોખું છે. આ બધું સુંદર કેવી રીતે બન્યું હશે તે જાણો છો ? વૃક્ષોના પાન સરસ રીતે બે ભાગમાં વહેંચાયેલા લાગે. બધું જ સપ્રમાણ અને સુંદર પૃથ્વી પરની સજીવ સૃષ્ટિનો વિકાસ ચોક્કસ પ્રમાણમાં થયો છે. અને તેમાં ભૂમિતિના સિદ્ધાંતનો આધાર જોવા મળે છે.
પ્રાચીન ઇજિપ્તમાં નાઇલ નદી કિનારે વસતા લોકોએ જમીનની વહેંચણી કરવા તેને માપવાની રીત શોધી હતી. તેને ભૂમિતિ કે જ્યોમેટ્રી કહેવાય છે. ત્યારબાદ યુકિલડ, પાયથાગોરાસ જેવા ગણિત શાસ્ત્રીઓએ વર્તુળ, ચોરસ અને ત્રિકોણના આકારો વચ્ચે ગણિતિક સંબંધો શોધ્યા અને ભૂમિતિના અલગ શાસ્ત્રની રચના થઈ. ભૂમિતિ જમીનના માપ પૂરતી મર્યાદિત રહી નહીં. આપણી આસપાસની ચીજવસ્તુઓમાં ભૂમિતિના સિદ્ધાંતો જોવા મળે છે. માત્ર સુંદરતા જ નહીં પણ વસ્તુને મજબૂત કરવામાં ય ભૂમિતિનો ઉપયોગ થાય. ઘણાં જંગલોમાં વૃક્ષોના આકાર ભારે વરસાદ અને પવનનો સામનો કરી શકે છે તે ભૂમિતિને આધારે છે. પૂલો, મકાનો અને ગગનચૂંબી ટાવરો બાંધવામાં ભૂમિતિનો ભરપૂર ઉપયોગ થાય. આપણે કંપાસ અને ફૂટપટ્ટી લઇને બેસવું પડે પરંતુ પ્રકૃતિનો વિકાસ આપમેળે જ થયો છે. મધમાખી એક સરખા કદના ષટકોણ ખાના બનાવી મધપૂડો તૈયાર કરે. કરોળિયાના જાળાની અદ્ભૂત રચના પણ ભૂમિતિને આધારે છે. વનસ્પતિના ફૂલોની પાંખડી મધ્યબિંદુથી સમાંતર રીતે વિકસે અને ચોક્કસાઇથી વર્તુળાકાર બને. પશુપક્ષીના શરીરના આકાર પણ ભૂમિતિમય. પાંખો ફેલાવી આકાશમાં ઉડતાં પક્ષીઓનું ઝૂંડ કેવું સુંદર લાગે વૃક્ષોના ડાળ પર બેઠેલા પંખી પણ નયનરમ્ય લાગે આ બધું તેના આકારને ચોક્કસાઇપૂર્વક ઘડેલું છે તેને કારણે છે. અરે પાણીમાં પથ્થર ફેંકો તો પણ સમાંતર વર્તુળાકાર મોજાં બને. કુદરતી રચના જોઇને માણસ ઘણું બધું શિખ્યો. વિશ્વપ્રસિદ્ધ તાજમહેલ, એફિલ ટાવર, પિઝાનો ઢળતો મિનારો વિગેરે પણ ભૂમિતિના સિદ્ધાંતોના આધારે જ જોવાલાયક બન્યા છે.