-'શાંત થાઓ, બબલુભાઈ. તમે જેટલો વધારે કકળાટ કરશો, તેટલા વધારે ફસાશો. આ તાજ નથી. આ તો પ્લાસ્ટિકની આફત છે,જે તમે પોતે જ પાણીમાં નાખી છે.'
- નિલેશ અંતાણી
એક સરોવર હતું. નહી મોટું કે નહીં નાનું. બસ, એટલું કે જ્યાં સૂરજનાં સોનેરી કિરણો હળવેકથી પાણીને સ્પર્શીને ચમક પેદા કરે. આ સરોવરનાં શાંત વાતાવરણમાં એક જીવ એવો હતો, જેને શાંતિથી બેસવું ફાવતું નહોતું. તેનું નામ હતું બબલુ બતક.
બબલુ બતક એટલે ઝઘડાનું લાઈવ સ્ટેશન! દરેક વાતમાં પોતાની ડોક ઊંચી કરીને બોલવાનું : 'હું જ સાચો છું, અને હું જ સરોવરનો રાજા છું!' આ તેનું કામ.
આ સરોવરના તળિયે, જ્યાં પાણી હંમેશા ઠંડુ અને ગંદકી વગરનું રહેતું, ત્યાં એક નાની-શી, ચળકતી માછલી રહેતી હતી. તેનું નામ સોની. સોની બહુ ઓછું બોલતી, પણ જ્યારે બોલતી ત્યારે તેની વાતમાં સરોવરના ઊંડાણ જેટલી સમજણ છલકાતી.
એક દિવસ સવારે, બબલુ બતકે પોતાનો નિત્યક્રમ શરૂ કર્યો. તે તળાવની વચ્ચે જઈને જોરથી બોલ્યો :
'સાંભળો... સાંભળો, સરોવરના જીવો! આ પાણી મારું છે. મારો અવાજ સૌથી મોટો છે, એટલે મારો જ નિયમ અહીં ચાલશે.'
સોની માછલીએ તળિયેથી આ સાંભળ્યું. તે ધીમેથી પાણીમાં થોડી ઉપર આવી, પણ બબલુ બતકને દેખાય નહીં તેટલી નીચે રહી.
બબલુએ જોયું કે તળાવમાં એક નાનકડી શેવાળ તરે છે. તરત જ તે ગુસ્સે થયો-
'કોણે આ શેવાળ અહીં મૂકી? આનાથી મારો સુંદર પગ ફસાઈ જાય છે! હું આ શેવાળને સજા કરીશ!'
અને બબલુએ પોતાની ચાંચ વડે શેવાળને ખેંચીને બહાર ફેંકી દીધી.
આ જોઈને સોની બોલી-
'બબલુભાઈ, શેવાળ તો પાણીને ચોખ્ખું રાખે. તેને સજા ના થાય, તે આપણને મદદરૂપ છે.'
બબલુએ આ અવાજ ક્યાંક નીચેથી આવતો સંભળાયો. તે ગુસ્સાથી બોલ્યો : 'કોણ બોલ્યું? પાણીની અંદર છૂપાઈને બોલનાર ડરપોક! તને શું ખબર પડે? તું તો નાની એવી માછલી છે, હું તો રાજા છું, પાણીની ઉપર રહું છું!'
સોની માછલી તો માત્ર શાંતિથી હસી.
'હું નાની જરૂર છું, બબલુભાઈ. મારું ઘર અહીં નીચે છે. ઉપરની વસ્તુઓ નીચે પડતાં અમને તકલીફ થાય છે.'
બબલુએ એક દિવસ મોટી ભૂલ કરી. તેણે તળાવ કિનારે પડેલું એક સુંદર, ચળકતું લીલા રંગનું પ્લાસ્ટિકનું ઢાંકણું જોયું. તેને લાગ્યું કે આ તેના માટે તાજ છે. તેણે તેને ચાંચમાં પકડયું અને ગર્વથી પાણીમાં ફેંકી દીધું.
'હાશ! હવે આ સરોવરનો તાજ મારો! હવે હું કોઈનાથી નહીં ડરું!' બબલુ ખુશ થાતો તાજ પહેરવા ગયો, પણ ઢાંકણું તેના પગમાં ભરાઈ ગયું. તે ગભરાયો અને પાંખો ફફડાવવા લાગ્યો. તે જેટલું વધારે જોર કરતો, તેટલું જ ઢાંકણું તેના પગને વધારે પકડતું ગયું.
ગભરાઈ જઈને તેણે જોરથી ચીસ પાડી, 'કોઈ બચાવો! મને પકડયો છે! મને છોડાવો!'
કોઈએ તેની વાત ન સાંભળી, કારણ કે બધા તેના ઝઘડાળુ સ્વભાવથી કંટાળી ગયા હતા.
પણ સોની માછલી ચૂપ ન બેઠી, તે તરત જ પાણીની સપાટી પર આવી. જ્યાં બબલુ ફસાયો હતો. તેણે હળવેથી બબલુને કહ્યું- 'શાંત થાઓ, બબલુભાઈ. તમે જેટલો વધારે કકળાટ કરશો, તેટલા વધારે ફસાશો. આ તાજ નથી. આ તો પ્લાસ્ટિકની આફત છે, જે તમે પોતે જ પાણીમાં નાખી છે.'
સોનીએ ધીમેથી પ્લાસ્ટિકના ઢાંકણાનાં ખૂણાને પોતાના મોં વડે પકડયો, અને ધીમે ધીમે તેને બાજુ પર ધકેલ્યો. બબલુ ડરી ગયો હતો, એટલે શાંત બેઠો રહ્યો. થોડી જ વારમાં સોનીએ ઢાંકણાને બબલુના પગથી દૂર કરી દીધું.
બબલુના જીવમાં જીવ આવ્યો. તે ડરી ગયો હતો, પણ તેને પોતાની ભૂલ સમજાઈ.
બબલુ બતકે નીચી ડોક કરીને સોની માછલીને કહ્યું-
'સોની, મને માફ કરજે. હું હમેશા મોટેથી બોલતો રહ્યો, અને તને નાનકડી સમજીને તારી વાત ન સાંભળી. તે મારી મદદ કરી. ખરેખર, સમજણ એ ઊંચા અવાજ કરતા વધારે શક્તિશાળી હોય છે.'
તેથી સોની માછલીએ હસીને જવાબ આપ્યો-
'બબલુભાઈ, ઝઘડો કરવાથી કોઈ મોટું થતું નથી, અને શાંતિ રાખવાથી કોઈ નાનું થતું નથી. સરોવર જેટલું શાંત, તેટલું જ સુંદર.'
તે દિવસ પછી બબલુ, બતકનો સ્વભાવ બદલાઈ ગયો. તેણે ઝઘડાળુ સ્વભાવ છોડયો અને સોની માછલીની સલાહ લઈને સરોવરને સ્વચ્છ રાખવામાં મદદ કરવાનું શરૂ કર્યું.
...અને સરોવર? તે પહેલાં કરતાં પણ વધારે શાંત અને ખુશ હતું.
બોધ
મોટો અવાજ કરવાથી નહીં, પણ સમજણથી કામ લેવાથી જ સાચી શાંતિ અને મોટાઈ મળે છે.


