Get The App

વેકેશનનું પ્રોમિસ .

Updated: Apr 11th, 2026

GS TEAM

Google News
Google News
વેકેશનનું પ્રોમિસ                                        . 1 - image

- કિરીટ ગોસ્વામી

વેકેશનના દિવસો આવ્યા.

ટીંકુએ પપ્પાને કહ્યું- 'પપ્પા,આ વખતે વેકેશનમાં દરિયાને કાંઠે ફરવા લઈ જાઓ ને!'

'જોઈએ, ચાલો!' પપ્પાએ ક્હ્યું.

'ના, એમ નહીં, પપ્પા! લઈ જાઓ ને ! પ્લીઝ! કેટલા સમયથી આપણે ક્યાંય દરિયા કિનારે ગયા નથી. તમને તો ખબર છેને, મને દરિયો બહુ જ ગમે છે!'

'હા, લઈ જઈશ, બસ?' પપ્પાએ ક્હ્યું.

'યે...' ટીંકુ રાજીના રેડ થઈ ગયો.

પપ્પાએ કરેલા પ્રોમિસ મુજબ ટીંકુને એક સાંજે તેઓ ફરવા લઈ ગયા.

ઘૂ... ઘૂ... કરતો વિશાળ દરિયો જોઇને ટીંકુ તો ખૂબ જ ખુશ થઇ ગયો! મોટાં-મોટાં મોજાં! એ ઊછળતા મોજાં ઉપર ફીણના ગોટેગોટા અને લિસ્સી રેતી! ટીંકુને તો જાણે સ્વર્ગ મળી ગયું!

ઘણા સમયથી તે વેકેશન પડવાની રાહ જોતો હતો. દરિયાને મળવાની તેની ખૂબ જ ઈચ્છા હતી. એ ઈચ્છા આજે પૂર્ણ થઇ.

ટીંકુએ રેતીમાં ઘર બનાવ્યું, કેટલાય અક્ષરો લખ્યા અને રેતીમાંથી શંખ, છીપલાં અને કોડી વીણી-વીણીને ખિસ્સામાં ભર્યાં!

પપ્પા ફોન પર વ્યસ્ત હતા. ટીંકુ રમીને થાક્યો એટલે બધાંથી દૂર, એકલો રેતીમાં બેઠો. દરિયો ઘૂ... ઘૂ... કરતો ઊછળતો હતો એ જોવાની તેને મજા આવતી હતી.

છેક નજીક આવી જતાં મોજાંથી એના પગ ભીંજાતા હતા. એ ભીનાશ તેને ખૂબ ગમતી હતી. એવામાં તેને એક અવાજ સંભળાયો- 

'હલ્લો! હલ્લો!'

ટીંકુએ ચારેતરફ જોયું પણ કોઇ દેખાયું નહીં.

 ફરી અવાજ સંભળાયો- 'હલ્લો!'

 ટીંકુએ બરાબર ધ્યાન આપ્યું તો ખબર પડી કે દરિયામાંથી જ આ અવાજ આવતો હતો! દરિયાને બોલતો સાંભળીને ટીંકુને નવાઇ લાગી અને તે આનંદિત પણ થયો!

જરાવાર થઇ તો ફરી દરિયો બોલ્યો - 'હલ્લો! મારી સાથે વાત કર ને!'

'હલ્લો !' ટીંકુએ જવાબ આપ્યો.

દરિયો કહે - 'તને હું બહુ ગમું છું ને!'

'હા, બહુ જ ગમો  છો, હો !' ટીંકુએ કહ્યું.

 દરિયાએ પૂછયું- 'તારું નામ?'

 ટીંકુ કહે- 'મારું નામ ટીંકુ! હું નાનો હતો ત્યારથી તમે મને બહુ વ્હાલા છો !'

 દરિયો કહે - 'તો ટીંકુ,  આજથી હું તારો દોસ્ત! ને તું મારો દોસ્ત!'

 'હા, દરિયાભાઇ! આપણે દોસ્ત!'

ટીંકુએ કહ્યું.

દરિયો બોલ્યો- 'દોસ્ત! મારે તને એક વાત કહેવી છે!'

 'હા, બોલોને દરિયાભાઇ!' ટીંકુએ કહ્યું.

 દરિયો કહે- 'આ બધા લોકો મારા કિનારે ફરવા આવે, આનંદ કરે અને તમે બધાંય રેતીમાં રમો એ તો સારી વાત છે, પણ બધાંય મારા કિનારે ઢગલાબંધ કચરો કરી જાય છે! એ પણ પ્લાસ્ટિકનો કચરો!'

'હમ્...' ટીંકુ ધ્યાન દઇને સાંભળતો હતો.

દરિયો કહે - 'આ પ્લાસ્ટિક મારા પેટમાં જાય પછી મને પેટમાં બહુ દુઃખે હો! ને મારી વ્હાલી માછલીઓ એમાં ફસાઈ જાય! એના પંખ કપાઈ જાય...'

'ઓહ...' ટીંકુના મોંમાંથી ઉદગાર નીકળી ગયો.

'હા,દોસ્ત! તું મારી મદદ કરીશ? મને બચાવીશ?' દરિયાએ કહ્યું.

ટીંકુ બોલ્યો- 'હા,હા,કેમ નહીં?'

દરિયો કહે- 'તો તું બધાંને સ્વચ્છતાનો સંદેશો આપને! બધાંને કહેને કે, મારો કિનારો કચરા અને પ્લાસ્ટિકથી પ્રદૂષિત ન કરે!'

'હા,હા, જરૂર. હું મારા દોસ્તોની ટીમ બનાવીશ અને અમે બધાંયને સંદેશો આપીશું, કે દરિયાભાઇને કિનારે ફરવા જાઓ ત્યારે સ્વચ્છતા રાખો! જરૂર ન હોય તો પ્લાસ્ટિકનો ઉપયોગ જ ન કરો! ને કરો તો જયાં-ત્યાં ફેંકવાને બદલે કચરાપેટીમાં નાખો!' ટીંકુએ કહ્યું.

 ઘૂ-ઘૂ કરતો રાજી થતો દરિયો બોલ્યો- 'વાહ, દોસ્ત! તારી વાત પરથી આશા જન્મી છે કે હવે મને કંઈક રાહત મળશે !'

ટીંકુએ કહ્યું- 'જરૂર, દરિયાભાઇ. તમને હવે પેટમાં નહીં દુઃખે! આ વેકેશનમાં હું અને મારા મિત્રો બધેય ફરીને સ્વચ્છતાનો સંદેશો જ આપીશું! બોલો, તમે હેપ્પી?'

'યેસ્સ... વેરી વેરી હેપ્પી!' દરિયાએ કહ્યું.

'બસ, તો મારું તમને પ્રોમિસ! આ આખું વેકેશન અમે સૌ ફ્રેન્ડ્સ તમારા  કિનારાની સ્વચ્છતા માટે જ કામ કરીશું!' ટીંકુએ કહ્યું.

ઘૂ-ઘૂ કરતો દરિયો ખુશ ખુશ થયો. ટીંકુએ પણ દરિયેથી પાછાં ફરતા મનોમન મક્કમ નિર્ધાર કરી લીધો કે, 'હવે ક્યારેય દરિયાભાઇના પેટમાં પ્લાસ્ટિક ન જ જવું જોઈએ!'