Get The App

ઘડો અને મૂર્તિ .

Updated: Aug 29th, 2025

GS TEAM

Google News
Google News
ઘડો અને મૂર્તિ                                     . 1 - image


- 'ઘડા! તારી વાત સાચી, પણ હું કશા કામની નહીં. તમે જ સાચા હીરા છો. જે બીજાને કામ આવે તે જ હીરો, બાકી બધા ઝીરો.'

- ભારતી ભંડેરી 'અંશુ'

એક નાનું ગામ હતું. ગામમાં એક કુંભાર રહેતો હતો. તેનું નામ હતું ગોરો કુંભાર. ગોરો કુંભાર રોજ માટીની અનેક વસ્તુઓ બનાવે. તેના ઘરની પાછળ એક વાડો હતો. આ વાડામાં નીંભાડો હતો. તેમાં આ બધું પકાવીને તૈયાર કરે. 

ગોરો કુંભાર ખૂબ મહેનતુ. રોજ સવારે વહેલો ઊઠી જાય. જ્યાં જમીન સારી હોય ત્યાંથી માટી ખોદે. પછી આ માટી ગધેડા ઉપર લાદીને ઘેર આવે.

આ માટીમાંથી પહેલાં કચરો દૂર કરે. પછી માટીને ચાળે. હવે આ ચાળેલી માટીમાં તેની પત્ની રૂપા થોડું થોડું પાણી નાખતી જાય. ગોરો કુંભાર માટીને ગુંદીને સરસ મજાના પિંડા તૈયાર કરે.

આવા તૈયાર થયેલ પિંડામાંથી ગોરો કુંભાર વાસણો બનાવે. તે સિવાય ઘડા, દીવા, કોડિયાં, કુલડીઓ, ગલ્લાઓ, કુંડાં જેવું કેટલુંય બનાવે.

આજે ગોરા કુંભારે માટીનાં બે પિંડા તૈયાર કર્યા. એક પિંડો હળવેથી લઈને એણે ચાક ઉપર મૂક્યો. ગોરો કુંભાર ચાક ફેરવે અને માટીના પિંડાને ઘાટ આપતો જાય. એક હાથ  અંદર રાખે ને બીજા હાથે માટીને ટપારતો જાય.

ચરરર ચર, ચરરર ચર ચાકડો ચલાવતો જાય.

ટપાક ટપાક ટપલીઓ એ મારતો જાય,

ગોળ ગોળ ચાકડાને ફેરવતો જાય,

માટીમાંથી ઘડાને એ બનાવતો જાય...

આમ સરસ મજાનો ઘડો બની ગયો!

ગોરાકુંભારે તેને તડકે સૂકવવા મૂકી દીધો. 

ગણેશચતુર્થી નજીક હતી. એટલે ગોરાકુંભાર તો માટીનાં બીજા પિંડામાંથી મૂત બનાવવા બેઠા!

સૌથી પહેલાં તો ગણેશદાદાને બેસવા બાજોઠ બનાવ્યો. પછી પેટ બનાવ્યું. પલાઠી વાળીને બેઠા હોય એવી મુદ્રામાં પગ બનાવ્યા. સરસ મજાની વાંકી સૂંઢવાળું માથું બનાવ્યું. ચાર હાથ બનાવ્યા. ઉપરના બંને હાથમાં પાશ અને અંકુશ મૂક્યાં. નીચેનો એક હાથ બધાને આશીર્વાદ આપતો બનાવી દીધો. બીજા હાથમાં ભાવતો લાડુ મૂક્યો! એક દાંત અને સૂપડા જેવા કાન બનાવ્યા. માથા પર સરસ મજાનો મૂકુટ બનાવ્યો. અણિયાળી આંખો બનાવી. પગ પાસે તેમનું વાહન, નાનો મજાનો ઉંદર મૂક્યો અને સાથે લાડુનો તો આખો થાળ! 

આમ, ગોરા કુંભારે તો સુંદર મજાની મૂત બનાવી દીધી.

મૂતને પણ ઘડાની બાજુમાં તડકામાં સૂકવવા મૂકી દીધી.

ઘડો ને મૂત તો એકબીજાની સામે જોઈ રહ્યાં. બંને વિચારવા લાગ્યાં: 

હતો એક જ માટીનો પિંડો,

તોયે ઘાટ બેઉંનો જુદો!

બંને વાત શરૂ કરે તે પહેલાં તો ગોરા કુંભારે ઘડાને ત્યાંથી ઉપાડીને નીંભાડામાં બીજા વાસણો સાથે પકાવવા મૂકી દીધો. બિચારો ઘડો તો તપી તપીને લાલચોળ થઈ ગયો. પાકેલા ઘડામાં પાણી વધારે ઠંડું થાય. લોકો લાલચોળ ઘડો જ પસંદ કરે એટલે ઘડાને તો તપવું જ પડે!

હવે ગોરા કુંભારે સરસ મજાના રંગબેરંગી રંગો લીધા. પીંછીથી મૂતને રંગવા લાગ્યા. ગણપતિદાદાની ધોતીને કેસરી રંગ કર્યો. મૂકુટ તો જાણે સાચે જ સોનાનો હોય તેવો સોનેરીરંગે રંગ્યો! મૂતને સરસ મજાનાં ઘરેણાં પહેરાવી શણગારી દીધી.

 ગોરા કુંભારે ઘડો અને મૂત બંનેને વેચવા માટે પાસે પાસે મૂકી દીધાં. ઘડો તો મૂતને જોઈને ખુશ થઈ ગયો.

ઘડો કહે: 'અરે! આપણે તો એક જ માટીમાંથી બન્યાં છીએ. પણ તને ખૂબ સુંદર સ્વરૂપ મળ્યું છે.'

મૂતને તો પોતાનું સરસ રૂપ જોઈને અભિમાન આવી ગયું. 

મૂત  કહે: 'આપણે એક માટીમાંથી બન્યાં તે ખરું, પણ ક્યાં તું? અને ક્યાં હું? તું તારું રૂપ તો જો! તારે તો એક જ રંગ લાલ. જ્યારે હું કેટલી રંગબેરંગી ને સરસ લાગું છું!'

ઘડો કહે: 'સાચી વાત છે.'     

મૂત કહે: 'લોકો મને વંદન કરશે. વાજતે- ગાજતે મને લઈ જશે. તને તો જો બધાં કેવા ચારેકોર ફેરવીફેરવીને ટપલા મારે છે!'

 ઘડો કહે: 'સાચી વાત છે હો તારી ! મારા ભાગ્યમાં તો ટપલા જ છે. પહેલા કુંભારે માર્યા.  હવે લોકો મારે છે.'

મૂત કહે: 'તારું ભાગ્ય જ સાવ ખરાબ છે. તે કેટલું સહન કર્યું. પહેલા તો ચાકડે ગોળ - ગોળ ફર્યો. પછી ભઠ્ઠીમાં તપ્યો અને લાલ લાલ થઇ ગયો.'

ઘડો કહે: 'હું જેટલો લાલ એટલો પાકો. જેટલો પાકો એટલું ઠંડું પાણી આપું.'

મૂત કહે, 'હા, હો... આ સાચું. એટલે જ લોકોને તારા વગર ચાલે નહીં નહીં હો ભાઈ! તારી તો કિંમત પણ ઓછી. જે આવે તે બધાં તને તો ખરીદીને જ જાય. જ્યારે હું ભલેને સુંદર દેખાવ પણ કિંમતમાં વધારે એટલે થોડાં લોકો જ મને ખરીદશે.'

ઘડો કહે: 'પણ તારું કેટલું માન! તને ઘરે લઈ જઈને લોકો સ્થાપન કરશે! રોજ પૂજા, આરતી અને સરસ મજાનો લાડુનો પ્રસાદ ધરાવશે. જ્યારે મારું તો કંઈ માન જ નહીં!સીધો પાણિયારે બેસાડશે.'

મૂત કહે: 'અરે, ઘડાભાઈ! તમે ઉદાસ કેમ થાવ છો? મને તો દસ દિવસ બધા આનંદથી ઘરમાં રાખશે અને પછી પાણીમાં પધરાવી દેશે! ભાઈ, મારું તો દસ દિવસનું જ આયુષ્ય છે. જ્યારે તું તો વર્ષો સુધી બધાંને ઠંડું પાણી આપીશ. બધાંની તરસ છીપાવનાર તું તો ધન્ય છો. તારો તો જન્મ જ સેવા માટે થયો છે. '                  

ઘડો કહે:  'તમે તો છો વિઘ્નહર્તા,  દુ:ખડાં સહુનાં હર્તા.  મહિમા આપનો જગમાં મોટો, આપનો મળે ના કોઈ જોટો !'

 મૂત કહે: 'ના હું મોટી કે તું નાનો, ખ્યાલ છે આ સાવ ખોટો. આપણે તો ભાઈ બહેન, એક જ માટીના સંતાન.'

ઘડો કહે: 'તું છો ઈશ્વરનું રૂપ.'

મૂત કહે: 'તું સૌની તરસ છિપાવે છે, આશિષ રૂડા પામે છે. જીવન તારું સાર્થક છે, તે સેવામાં અર્પણ કર્યું છે.

ઘડો કહે: 'હાજી, મારું તો આજ કામ છે.' 

મૂત કહે: 'હા, ભાઈ! એ જીવન જ સાચું જે બીજાને ઉપયોગી થાય. તારું શરીર તૂટી જશે તો પણ કામમાં આવશે! કોઈ તારામાં ફૂલછોડ વાવશે. કોઈ તૂટેલી ઠીબરીને ઝાડની ડાળીએ બાંધશે. એમાં પાણી ભરશે. તું પક્ષીઓની પણ તરસ બુજાવીશ! અરે, તારો તૂટેલો કાંઠલો પણ બીજી વસ્તુ મૂકવા માટે કામ આવશે. તારું તો સમગ્ર જીવન જ બીજા માટે છે. મને તો તારા પર ગર્વ છે.'

ઘડો કહે:  'તું તો સાક્ષાત ભગવાન સ્વરૂપ છો. બધાંને આશીર્વાદ આપવાનું તારું કામ.  કેવું અહોભાગ્ય છે તારું !'

મૂત કહે: 'ઘડા! તારી વાત સાચી, પણ હું કશા કામની નહીં. તમે જ સાચા હીરા છો. જે બીજાને કામ આવે તે જ હીરો, બાકી બધાં ઝીરો. ખરેખર પૂજા તો તમારી થવી જોઈએ. હું તો દસમા દિવસે ક્યાંય પાણીમાં અથડાતી, કૂટાતી હોઈશ. ધીમે ધીમે પાછી પાણીમાં ઓગળી જઈને માટી બની જઈશ.'

 ઘડોકહે: 'લોકો ખૂબ ભક્તિભાવથી તારી પૂજા કરે છે. લોકોને તારા પર ખૂબ શ્રદ્ધા છે. તું ઈશ્વર સ્વરુપે ભક્તોના દુ:ખ દૂર કરે  છે.'

મૂત કહે: 'ઘડાભાઈ, હું નહીં ખરેખર તું મહાન છો. આવતા જન્મે મને પણ બીજાને ઉપયોગી થાય એવું જીવન મળે એવી પ્રાર્થના હું મારી જ મૂત પાસે કરીશ!'

આમ, ઘડો અને મૂર્તિ બન્નેએ એકમેકનું મહત્ત્વ સમજીને પરસ્પર ખૂબ આદર તેમજ પ્રેમ વ્યક્ત કર્યાં.

Tags :