અરીસાનું અવનવું .
પુ રાણકાળમાં અરિસા નહોતા ત્યારે પણ માણસ જળાશયમાં કે પાણી ભરેલા પાત્રમાં પોતાના ચહેરાનું પ્રતિબિંબની જોઈને તાજ્જુબ થતો. પ્રાચીન વાર્તાઓમાં આવા પ્રતિબિંબ જાદુઇ વાતો પણ વાંચવા મળે છે. લીસી સપાટીવાળી ધાતુઓનો અરીસા તરીકે ઉપયોગ પણ પ્રાચીનકાળથી શરૂ થયો છે. આજે આપણે આપણું પ્રતિબિંબ જોવા, કારમાં રીવરવ્યુ મિરર અને સુશોભન માટે અરીસાનો ઉપયોગ કરીએ છીએ. પોષાક ઉપર આભલા ટાંકવાની ભાતીગળ કળા પણ જાણીતી છે.
અરીસા અને પાણીમાં દેખાતાં પ્રતિબિંબનો સિધ્ધાંત એ જ છે. તેના પર પડતો પ્રકાશ પરાવર્તન થઈને પાછો આવે છે. કાળા બેકગ્રાઉન્ડ પર ચમકતી સપાટીમાં પ્રતિબિંબ દેખાય છે.
કાચના અરીસા બનાવવાની શોધ ૧૬મી સદીમાં થઈ હતી. કાચની પાછળના ભાગે અપારદર્શક તેજસ્વી ધાતુનું આવરણ ચઢાવી અરીસા બનાવાય છે. કાચની શુધ્ધતા જેટલી વધુ તેટલું સારુ પ્રતિબિંબ દેખાય. ચાંદી અને ધાતુઓના આવરણ ચઢાવી અરીસા બનાવવામાં આવતા. ત્યારબાદ પારાની રાખ ચઢાવી અરીસા બનવા લાગ્યા.
વિજ્ઞાાન જગતમાં જુદા- જુદા સંશોધનો માટે ઉપયોગી ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપમાં પણ અરીસાનો ઉપયોગ થાય છે. કેટલાક સંશોધનો માટે ચોક્કસ રંગના કિરણો જ પરાવર્તન થાય તેવા અરીસાની જરૂર હોય છે. અલ્ટ્રાવાયોલેટ અરીસા માટે એલ્યુમિનિયમનું આવરણ ઉપયોગી થાય છે.
અરીસા પણ સપાટ જ હોય તેવું નથી. વચ્ચેથી ઉપસેલા ગોળાકાર (બહિર્ગોળ) અરીસામાં પ્રતિબિંબ નાનું દેેખાય તો અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ મોટું દેખાય.
દરિયાના તળિયે ચાલતી સબમરીનમાં સપાટીના દ્રશ્યો જોવા માટે વપરાતા પેરિસ્કોેપમાં અરીસાની જ કમાલ છે. મોટો ટેલિસ્કોપમાં વિશાળ કદના અંતર્ગોળ અરીસા જ વપરાય છે.
મેજિક શોમાં જાદુગરો અરીસાના ઘણા ઉપયોગ કરી દ્રષ્ટિભ્રમ ઉપજાવી મનોરંજન કરે છે. ફિલ્મોમાં પણ ટ્રીક સીન લેવા માટે અરીસાના જાતજાતના ઉપયોગ કરે છે. છેલ્લે છેલ્લે ઓપ્ટીકલ કેબલમાં ડિજીટલ પ્રસારણ પણ અરીસાના સિધ્ધાંત પર જ થાય છે. ઓપ્ટીકલ કેબલના પાતળા વાયરની અંદરનું આવરણ અરીસાનું જ કામ કરે છે.