Get The App

નવો રાજા .

Updated: Jul 11th, 2025

GS TEAM

Google News
Google News
નવો રાજા                                            . 1 - image


- ઈશ્વર અંચેલીકર

એક વિશાળ જંગલ હતું. બધા સિંહોએ ભેગા મળીને એ જંગલના સાત ભાગ પાડી વહેંચી લીધા હતા. કોઈ કોઈનાં વિસ્તારમાં પ્રવેશતું ન હતું. છતાંય તેઓ નાનાં પ્રાણીઓને મોટાં પ્રાણીઓની વિરૂદ્ધમાં ભડકાવવાનું કપટ  કર્યા કરતા હતા. એમાં પણ લખુ શિયાળનું આખું કુટુંબ કૂથલીખોરી કરવામાં સૌથી આગળ હતું. આમેય લુચ્ચાઈ શિયાળ પ્રજાતિની નસોમાં પેઢી દર પેઢી વહેતી આવે છે, એવું કહેવાય છે.

લખુ શિયાળનો પરિવાર દરરોજ રાત પડે એટલે ગામના સીમાડે જઈ જુદા જુદા ખેતરોમાં જઈ કાકડી, ચીભડાં, દૂધી વગેરે ભરપૂર આરોગી તૃપ્તિની ઓડકાર ખાતા. બધાં શિયાળ લખુને માન આપતાં. શિયાળ સમાજમાં લખુનો મોભો જંગલના રાજા રાજુ જેવો જ ગણાતો. 

એક દિવસની વાત છે. શિયાળ સમાજનાં બધાં શિયાળ સાંજે ભોજન લઈ ગામ છોડી જંગલમાં પ્રવેશ્યો. એક વૃક્ષ નીચે કેટલાંક હરણ, જીબ્રા અને સસલાં ભેગાં મળી રૂદન કરી રહ્યાં હતાં. લખુ શિયાળે પોતાના સાથી શિયાળોને પોતપોતાનાં ઘરે જવાની સૂચના આપી. સૌએ વિદાય લીધી. બધા ગયાં પછી લખુએ સુવર્ણા હરણને પૂછ્યું:

'સુવર્ણા, બોલ થયું શું છે? કેમ તમે સૌ રડો છો?'

'લખુજી, અમે બધાં નાનાં પ્રાણી કોઈનું કશું જ બગાડતાં નથી. ઘાસ, પાંદડાં ખાઈને જીવન ગુજારીએ છીએ. સવારે અમે સૌ નદીમાં પાણી પીવા ગયાં હતાં. ત્યારે વનરાજીમાં છૂપાયેલાં સિંહોએ મારાં બચ્ચાં, રતુ જીબ્રાનાં બચ્ચાં અને રપુ સસલાંના બચ્ચાં પર હુમલો કર્યો. તેમને ઝાડીમાં લઈ જઈને ફાડી ખાધાં. આ અન્યાય હવે દરરોજનો કાર્યક્રમ થઈ ગયો છે. અમારાં સૌનાં કુટુંબ, અમારી હયાતી નાશ થઈ રહી છે. અમારી પ્રજાતિ બચશે નહીં તો આ માંસભક્ષી પ્રાણીઓ કોનો શિકાર કરશે?' 

લખુજી શિયાળે ધ્યાનથી વાત સાંભળી. એને તો આજે સામેથી  પ્રાણીઓને આપસમાં લડાવવાનો મોકો મળી ગયો. એણે ગાઢ ચિંતન કરતો હોવાનો ઢોંગ કરી થોડા સમય પછી કહ્યું, 'જુઓ, હું આપણા રાજા રાજુ સિંહને મળીને તમારી તકલીફ સમજાવું છું. તમે બધાં સામેની ટેકરી પાસે ભેગાં થાવ. હું રાજાને લઈને ત્યાં આવીશ, એટલે પછી તમે મોંફાટ રડતાં રડતાં તમારાં દુ:ખ-દર્દ એમને કહી સંભળાવજો.'

'લખુજી, આપ તો અમારા નેતા છો. ખરેખર તો જંગલાના રાજા  તમારે આપે બનવું જોઈતું હતું,' રતુ જીબ્રા બોલ્યું.

'સાચી વાત છે, રતુ જીબ્રા...' રૂપુ સસલાએ ટાપસી પૂરી. 

લુચ્ચું લખુજી શિયાળ તો ફૂલાઈ ગયું, પણ એના મનમાં તો કંઈ જુદું જ રમી રહ્યું હતું. એ રાજુ સિંહ રાજા પાસે જઈને બોલ્યું: 'રાજાજી, બગાવત...! તમારી વિરૂદ્ધ ષડયંત્ર રચાઈ રહ્યું છે!'

'તું શું બકવાસ કરે છે, લખુડા...! એટલી હિંમત કોનામાં આવી? અમારો ત્રણસો સિંહનો પરિવાર રાત-દિવસ તમારા સૌનું રક્ષણ કરે છે. હાથી, ચિત્તા, વાધ સૌ અમારા ગુલામ છે! બોલ કોની હિંમત થઈ ષડયંત્ર રચવાની?' રાજા સિંહે ઊંચા અવાજે ગુસ્સાપૂર્વક કહ્યું.

'રાજાજી, ચોક્કસ નામ તો ખબર નથી, પણ કેટલાંક હરણ, જીબ્રા, સસલાંનું એક ટોળું ટેકરી પાસે ભેગું થયું છે. તમારા કોઈ રાજકુમાર કે રાજકુમારીએ સવારના નાસ્તામાં એકાદ સસલું, હરણ, જીબ્રા મારી નાખ્યું હશે એટલે... પણ રાજાજી, મેં એમને શાંત પાડયાં છે. પણ રાજાજી... એક વાત કહું? તમે ગુસ્સો ન કરતા...' 

લખુ શિયાળે ગભરાવાનો ઢોંંગ કર્યો. રાજા સિંહ કહે, 'બોલ, ડરે છે, શા માટે? તું તો અમારા પરિવારનો ગુપ્તચર છે.' 

'રાજાજી, માણસ નામના  જે ચાલાક પ્રાણીએ ગામ બનાવ્યાં છે, ગામમાં ઘર બનાવ્યાં છે, હથિયાર બનાવ્યાં છે... એ લોકોના રાજાએ પણ નાના નાના સત્તાવિહીન સમૂહનાં ષડયંત્રોનો સામનો કરવો પડે છે. આ માણસો શું કરે છે, ખબર છે? જનતાનો વિરોધ ખૂબ વધી જાય, એટલે તેઓ દેખાવ પૂરતા નવા રાજાની નિમણૂક કરે છે, પણ ખૂબી એ છે કે નવો રાજા તેમના કુટુંબમાંથી જ કોઈક હોય છે! વિરોધીઓ પણ શાંત... ને સત્તા પણ હાથ!' લખુ બોલ્યું.

'વાહ લખુ...! આ માણસો તો ભારે લુચ્ચા છે!' રાણી સિંહણ બોલી, 'હા... રાણી...!' 

'તો લખુ શિયાળ, હું પણ બધાં પ્રાણી સમક્ષ જઈ કહીશ કે મેં રાજીનામું આપ્યું છે, અને મારી વ્હાલી રાણીને રાજ્યાસને બેસાડી છે.'

'વાહ રાજાજી....! આપનો સત્તા ત્યાગ ધન્યવાદને પાત્ર છે,' લખુ એ કહ્યું અને પછી ઉમેર્યું, 'રાણીબાને ખૂબ ખૂબ અભિનંદન. તમને પણ! તો હવે રાજ્યાભિષેક ંંંક્યારે ગોઠવશો?'

આવી વાતો કરતાં કરતાં લખુ, સિંહરાજા રાજુ અને રાણી સિંહણ જંગલની ટેકરી પાસે આવ્યાં. લખુજીએ સૌ પ્રાણીને શાંત પાડી કહ્યું,

'જુઓ સૌ નાનાં ભૂલકાં પ્રાણીઓ... રાજાજી અને રાણીમાને મેં તમારી સમસ્યા સમજાવી છે. રાજાજી અને રાણીમા ખૂબ રડયાં. શોકમગ્ન રાજાજીએ આજથી સત્તા છોડી દીધી છે. સત્તા અને શિકારનો એમને મોહ નથી... પણ અમારું રક્ષક બની રહે એવું કોઈક તો જરૂર જોઈએ ! મેં રાજાજી અને રાણીબાને સમજાવ્યું છે કે આપણા રક્ષણ માટે એમના પરિવારમાંથી કોઈ રાજા બને. રાજાજીએ હવે રાણીબાને જંગલનાં મહારાણી અથવા નવાં આગેવાન તરીકે ઘોષિત કરવાનું નક્કી કર્યું છે! હવે રાણીબા તમને સંબોધન કરશે. એમને સાંભળો....'

રાણીબા સિંહણ કહે, 'ભૂલકાં પ્રાણીઓ, તમે સૌ મને જાણો છો. મને પણ આ હિંસા અને શિકારવૃત્તિ પર ઘૃણા ઉપજી છે! પણ જેમ તમને ભોજનમાં ઘાસ-પાંદડાં જોઈએ એમ અમને માંસ જોઈએ! શિકાર તો અમારે કરવો પડશે, પણ હવે હું બધાં હિંસક પ્રાણીઓની સભા ભરી તેમને સમજાવીશ કે રોજ એક કરતાં વધારે પ્રાણીનો શિકાર નહીં કરવાનો, અકારણ પ્રાણીઓનું ભક્ષણ નહીં કરવાનું!'

સૌએ જયઘોષ કર્યો, 'રાણીબાની...જ...ય! રાજાજી અમર રહો....'

આ શોરબકોરનો લાભ લઈ લુચ્ચો લખુ રાજા રાજુ પાસે જઈ બોલ્યો, 'આ મૂર્ખ નાનાં પ્રાણીઓ....ક્યાં ગણવા જવાનાં છે કે જંગલમાં કોણે કેટલાં શિકાર કર્યાં? તમતમારે જલસા કરોને! નામ રાણીનું, પણ કામ રાજાનું....'

... અને બંને હસી પડયા! 

Tags :