Get The App

ટચસ્ક્રીનનો તોફાની વાંદરો .

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
ટચસ્ક્રીનનો તોફાની વાંદરો                                  . 1 - image

- નૌમાન ભલા 'ફરેબી'

એક જંગલમાં ચિંકુ વાંદરાભાઈ રહેતા. ખૂબ ચુસ્ત, ફુર્તીલા અને બધા મિત્રો સાથે રમવા માટે તૈયાર. તેમને ઊંચા ઝાડ ઉપર ચઢવું, ફળ ખાવાં અને મિત્રો સાથે કૂદાકૂદ કરવી ખૂબ ગમતી.

એક દિવસ શહેરમાંથી પિકનિક મનાવવા આવેલો માણસ પોતાનો મોબાઈલ ઝાડ નીચે ભૂલી ગયો. વાંદરાભાઈની નજર પડી. તેમણે પહેલીવાર મોબાઈલ જોયો. ચમકતી સ્ક્રીન અને અંદર રંગીન ફોટા, અવાજો અને રમતો જોઈ તેમને તો બહુ આનંદ આવ્યો.

'આ તો મજાનું સાધન છે!' વાંદરાભાઈએ કહ્યું.

... અને એ તો પહોંચી ગયા મોબાઈલ લઈને ઝાડ ઉપર.

પહેલાં તે રમતાં રમતાં, પછી વિડીયો જોતા, અને ધીમે ધીમે તેઓ બધું ભૂલતા ગયા. ફળ ખાવા, પાણી પીવું, અને કૂદાકૂદ કરવું અને મિત્રો સાથે રમવું પણ. દિવસ-રાત બસ મોબાઈલ જ... આંખોમા ંજ્યોત ઓછી થવા લાગી, શરીર સૂકાઈ ગયું. હવે તો ઝાડ ઉપર ચઢવું પણ મુશ્કેલ થઈ ગયું.

મિત્રોએ કહેવું શરૂ કર્યું, 'વાંદરાભાઈ, બહાર આવો સાથે રમીએ.'

પણ વાંદરાભાઈ બોલતા, 'હવે મને સમય નથી, નવા નવા વિડીયો જોવા છે.'

એક દિવસ, તેઓ ઝાડ ઉપર બેઠા બેઠા મોબાઈલ જોઈ રહ્યા હતા, અને સંતુલન ગુમાવી બુમ પાડતાં જમીન પર પડયા. માથું ફૂટી ગયું. મોબાઈલ પણ તૂટી ગયો.

બધાં પ્રાણીઓ ભેગા થઈ ગયા. વાંદરાભાઈ દુઃખી હતા. તેઓ ધીમે ધીમે બોલ્યા, 'મારા મિત્રોને મેં અવગણ્યા, ન રમ્યો, ન જમ્યો, હવે મોબાઈલ પણ બગડી ગયો અને મારું શરીર પણ.'

હાથીદાદાએ શાંત અવાજે કહ્યું, 'બે વખત ખાવું અને મિત્રો સાથે હસવું અને રમવું, સૌને મદદ કરવી - આ જ સાચું પ્રાણીજીવન છે.'

ત્યાંથી વાંદરાભાઈએ શપથ લીધા - 'હવે દરરોજ થોડો સમય મિત્રો માટે, હળવા ફરવા માટે ફાળવીશ. હવે મોબાઈલને હાથ લગાવીશ નહીં.' 

અને ફરીથી વાંદરાભાઈ બની ગયા વાંદરા જેવા. સ્ફુર્તિલા, મસ્તમૌલા અને ખુશમિજાજ.