ભારતનું કુદરતી વૈવિધ્ય .

ભા રતમાં ૪૬૦૦૦થી વધુ વનસ્પતિ અને ૮૧૦૦૦થી વધુ પ્રજાતિઓ શોધાઇ છે. ભારત વનસ્પતિની વિવિધતાનું કેન્દ્ર ગણાય છે. કૃષિ માટેની વનસ્પતિનું સૌથી વધુ વૈવિધ્ય ધરાવતા બાર દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. ભારતમાં ચોખા, અડદ, શેરડી જેવા પાકોની ૩૦૦૦ થી ૪૦૦૦૦ જાતોનું કેન્દ્ર માનવામાં આવે છે. વિશ્વને કૃષિમાં સહયોગ આપવામાં ભારતનો નંબર સાતમો છે. તે ઉપરાંત ભારતમાં જંગલી અને પાલતુ પ્રાણીઓ પણ વધુ પ્રમાણમાં છે. સ્થાનિક પ્રજાતીઓ પુષ્કળ હોય તેવા વિસ્તારને ડાયવર્સીટી હોટસ્પોટ કહે છે. ભારતમાં આવા બે હોટસ્પોટ પશ્ચિમી ઘાટ અને પૂર્વ હિમાલય છે. આજ સુધી ઓળખાયેલા ફુલછોડમાં ત્રીજો ભાગ ભારતમાં છે.
ભારતનો પશ્ચિમી ઘાટ એટલે દક્ષિણ છેડાથી ગુજરાતની સરહદ સુધીનો દોઢ લાખ ચોરસ કિલોમીટરનો પટ્ટો. આ પર્વતમાળા નૈઋર્ત્યના પવનોને રોકે છે. એટલે અહીં દર વર્ષે પુષ્કળ વરસાદ પડે છે. વરસાદ વધુ પડે એટલે વનસ્પતિની વિવિધતા પણ વધે તે સ્વાભાવિક છે. જંગલની ગીચ ઝાડીઓથી માંડીને ઘાસના મેદાનો સુધીની વિવિધતા આ પ્રદેશોમાં જોવા મળે છે.
તે જ રીતે ગંગા બ્રહ્મપુત્ર નદીઓના ઢોળાવનો મોટો વિસ્તાર પણ ભારે વિવિધતાવાળો છે. ગીચ જંગલો, વાંસના વનો, તેમજ ઘાસના મેદાનો તો ક્યાંક ખુલ્લા મેદાનો એમ વૈવિધ્યવાળો આ પ્રદેશ પણ હોટસ્પોટ ગણાય છે. પૃથ્વી પર વનસ્પતિ અને જૈવજગતની આ સમૃદ્ધ વૈવિધ્યની પૃથ્વી પર શું ભૂમિકા છે તે પણ એક સવાલ છે.

