Get The App

ઉંદર-બિલ્લુ સ્કૂલે ચાલ્યા .

Updated: Jun 21st, 2025

GS TEAM

Google News
Google News
ઉંદર-બિલ્લુ સ્કૂલે ચાલ્યા                                       . 1 - image


- ઉંદર સમજાવવા લાગ્યો  'આ લેપટોપ એ ભણવાનું નવું સાધન છે! એમાં ભણવાની ખૂબ મજા પડે હોં, બિલ્લુ!'

કિરીટ ગોસ્વામી

વેકેશન પૂરું થયું ને સ્કૂલ ફરી શરૂ થઇ ગઇ. ઉંદર તો હરખે-હરખે સ્કૂલે ચાલ્યો! મસ્ત-મજાનું દફતર લીધું અને લંચબાકસમાં નાસ્તો પણ લીધો.

ટીચરે એકડો લખાવ્યો એટલે ઉંદર તો એકડો લખતાં-લખતાં ગાવા લાગ્યો...

'નાની મારી નોટ

ને નાની મારી પેન,

હરખે-હરખે શીખું-

હું તો વન ટુ ટેન!'

સ્કૂલમાં પહેલા જ દિવસે તેને બહુ મજા પડી ગઇ!

'લેસનથી જો થાકું તો ચૂં-ચૂં-ચૂં ગાઇ લઉં!

ભૂખ થોડી લાગે તો સેવ-મમરા ખાઇ લઉં!'

એમ જોતજોતામાં ઉંદર ઘણુંય શીખીને હોંશિયાર થઈ ગયો!

એક દિવસ ઉંદરે તેના ફ્રેન્ડ બિલ્લુને કહ્યું- 'તું ય સ્કૂલે ચાલ ને! તું પણ ભણ ને!'

બિલ્લુ તો આ વાત સાંભળતા જ ઘોઘરા સાદે બોલ્યો- 'સ્કૂલ? ભણતર? ના,ના, મારે નથી આવવું હો, સ્કૂલે! મને તો રખડવામાં ખૂબ મજા પડે છે!'

ઉંદરે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો - 'અરે, રખડવાની કોણ ના પાડે છે? પણ સ્કૂલેય જવું જોઈએ! ને કંઇક નવું-નવું  શીખવું જોઈએ, બિલ્લુ!'

બિલ્લુ તો વટ મારતો બોલ્યો-

'હું તો છું ભૈ, રાજા...

સ્કૂલે હું ના આવું

જા, ઉંદરડા, જા! જા!'

તેની આ વાત સાંભળીને ઉંદરે બિલ્લુને સમજાવવાનો વધુ એક વખત પ્રયાસ કર્યો - 'ભણવામાં તો ખરેખર ખૂબ મોજ છે, બિલ્લુ!'

'ના,ના, જો તારા ખભે દફતરનો કેટલો બોજ છે!' બિલ્લુએ પોતાની દલીલ ચાલુ રાખી.

'અરે, એ દફતરમાં સરસ મજાની ચોપડીઓ છે! મારું નાનકડું લેપટોપ છે!' ઉંદરે કહ્યું.

'લેપટોપ? એ વળી શું છે?' બિલ્લુએ નવાઇભેર પૂછયું.

ઉંદર તેને સમજાવવા લાગ્યો - 'આ લેપટોપ એ ભણવાનું નવું સાધન છે! એમાં ભણવાની ખૂબ મજા પડે હોં, બિલ્લુ!'

'એમ?' બિલ્લુએ કહ્યું.

'હા, યાર! જો આ મારું લેપટોપ!' એમ કહીને ઉંદર પોતાનું લેપટોપ ખોલીને બિલ્લુને બધું બતાવવા લાગ્યો.

'ગીત સંગીત છે...

ચિત્રો છે, ગણિત છે!

ફોટા છે ને ફિલ્લમ છે

આ જાદુઇ ચીજ છે!'

'ઓહો! આ લેપટોપ તો ખૂબ મસ્ત છે, હોં!' બિલ્લુને પણ હવે લેપટોપમાં રસ પડયો.

ઉંદર બોલ્યો - 'હા! તું પણ સ્કૂલે આવ એટલે તને પણ લેપટોપ પર ભણવાની ખૂબ મજા પડશે!'

'હા, યાર! તો-તો મારે પણ સ્કૂલે આવવું જ છે!' બિલ્લુએ કહ્યું.

પછી તો બંને ફ્રેન્ડમાંથી બેસ્ટ ફ્રેન્ડ્સ બન્યા અને સાથે સ્કૂલે જઇને હરખે-હરખે ભણવા લાગ્યા!

Tags :